ભાગ · અધ્યાય ૩૯૮–૪૦૦

વેંક્ટાચળમાં શ્રીનિવાસ પ્રભુ અને લક્ષ્મીરૂપ પદ્મિનીના વિવાહ

આ અધ્યાય 398–400 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે રાવણ જ્યારે સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે સીતાએ પોતાનું છાયા સ્વરૂપ વેદવતી રાવણને આપ્યું અને પોતે અગ્નિમાં અદૃશ્ય રૂપે હતા તે છાયારૂપે વેદવતી જન્માંતરે દક્ષિણમાં વિયત રાજાને ત્યાં લક્ષ્મીરૂપે પ્રગટ થઈને વિષ્ણુ ભગવાનને વરવા વેંકટાચળ પ્રર્વત ઉપર તપ કર્યું. વિયત રાજાએ નારદજી પાસે કન્યાનું ભાગ્ય જોવરાવ્યું. નારદજીએ શરીરના ચિહ્નો જોઇને કહ્યું, આ કન્યા લક્ષ્મીનો અવતાર છે.

વિયત રાજાએ પૂછ્યું : હે નારદજી, લક્ષ્મીજીના અવતારના ચિહ્નો કહો. નારદજી કહે : શરીર રૂપાળું, તેજસ્વી, અવયવો સુંદર, નેત્રો આકર્ષણ, નમણી નાસિકા, હાથમાં શંખ, ચક્ર, ચંદ્ર, ગદા, પદ્મ, શિખર, મત્સ્ય, તથા ચરણમાં છત્ર, ઉર્ધ્વરેખા, મહેલ, કમળ, ધ્વજ, અંકુશ, શ્રીફળ, કળશ, તથા હાથની દસ આંગળીઓમાં દસ ચક્રો હોય તે લક્ષ્મીનો અવતાર કહેવાય. હે રાજા, આ કન્યા દેવ મનુષ્યને ન આપતો. આ તારી કન્યા પદ્મિની સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર છે. તેને પરણવા શ્રીનારાયણ પોતે આવશે. પછી પદ્મિનીના તપથી પ્રસન્ન થયેલા ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીનિવાસ નામે પ્રગટ થઈને શ્વેત અશ્વ પર બેસી વેંકટાચળ પર્વત પર આવી પદ્મિનીને દિવ્ય દર્શન આપી વિયત રાજાને સમાચાર આપી. લગ્નની તૈયારી કરાવી.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પદ્મિનીને તેની સખીઓ વસ્ત્રઅલંકાર, સુર્વણના આભુષણોથી શણગારતી હતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવા શ્રીનિવાસ ભગવાનને ઘરે લગ્નમાં સર્વે મહેમાનો આવતા હતા. વૈરાટનારાયણ, ભૂમાનારાયણ, સદાશિવ, હરિણ્યગર્ભ, વાસુદેવાદિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લોકપાલો પિતૃઓ, ઋષિ-મુનિઓ, દેવો, દિકપાલો, સૂર્યચંદ્રાદિ ગ્રહો, નિધિઓ, નક્ષત્રો, તત્ત્વો, રુદ્રો, મનુઓ, ગુણી, ઈન્દ્રાદીદેવો, વાલખીલ્યો, નદી, પર્વતો, સર્વતિર્થો, સમુદ્રો, પૃથ્વી, વૃક્ષવેલી વગેરે જડચેતન, સર્વ શ્રીનિવાસ નારાયણના લગ્નમાં આવ્યા. વેંકટાચળમાં વિયત રાજાને ત્યાં નારાયણની જાનમાં કરોડો મુક્તો, અવતારો, ઈશ્વરો, સંતો, સાધ્વીઓ, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, ભક્તો, વૈષ્ણવો વગેરે આવતા હતા. દેવો દુંદુંભી વગાડતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. વશિષ્ટાદિ ઋષિઓ નારદ સનકાદિક વેદમંત્રનો ઘોષ કરતા હતા. એ રીતે સર્વે લગ્નમંડપમાં આવ્યા. વિયત રાજાએ લક્ષ્મીસ્વરૂપ પદ્મિનીનું કન્યાદાન કર્યું. પદ્મિનીએ વરમાળા શ્રીનિવાસ પ્રભુના કંઠમાં આરોપી. પ્રભુએ પણ પદ્મિનીને હાર પહેરાવ્યો. એ રીતે વેદ-વિધિથી વિવાહ કરી. પછી સર્વે મહેમાનોને ભોજન આપતા હતા. તૃપ્તિ પમાડતા હતા. તે વિયત રાજા એ જાનમાં સર્વે મહેમાનોને ચાર દિવસ રોકીને નિત્ય નવા નવા મીષ્ટાન્નો જમાડતા હતા. ચોથે દિવસે રાજા ભોજનથી તૃપ્તિ પમાડીને મહેમાનોને વિદાય આપતા હતા. શ્રીનિવાસ પ્રભુ ત્યાંથી વિદાય લઇને સાસુ-સસરાને પગે લાગી લોકરીતિ પ્રમાણે આશિર્વાદ લેતા હતા. પદ્મિની માતા-પિતાને પગે લાગી આશિર્વાદ મેળવી શ્રીનિવાસ પ્રભુની સાથે વેંકટાચળ પર્વત પર વિશ્રામ કરતા હતા.

પછી પ્રભુ શ્રીહરિની આજ્ઞા માંગી સર્વે દેવો, ઋષિ-મુનિઓ, ઈશ્વરો, સર્વલોકના વાસીઓ, પોતાના સ્થાનમાં ગયા. પછી પદ્મિની પતિરૂપે પ્રાપ્ત થયેલા પુરુષોત્તમની નિત્ય પતિવ્રતાની ભક્તિથી સેવા કરતી હતી. પ્રાત: સમયે પ્રભુને અત્તર તેમજ ફુલો, સુગંધી કેશર, ચંદન, પંચામૃતથી સ્નાન કરાવી પિતાંબર ધારણ કરાવી સોનાના આભૂષણો પહેરાવીને ષોડ્શોપચારથી પૂજા કરતી હતી. પ્રભુને પ્રેમે પીરસીને નિત્ય ભોજન કરાવતી હતી. એવી રીતે ભગવાનની દિવ્ય સેવાનો સાશ્વત આનંદ લેતી હતી. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સીતાની છાયારૂપ રહેતી વેદવતીને આ રીતે વિષ્ણુ ભગવાન પદ્મિનીને ત્યાં આવીને વિવાહ કર્યો. શ્રી નિવાસ પ્રભુ અને લક્ષ્મીરૂપ પદ્મિનીના આ વિવાહના કથા જે કહેશે, સાંભળશે તે સર્વે ભક્તિ અને મુક્તિને પામશે.