દુર્વાષા ઋષિ, શિષ્ય સત્યવ્રત લક્ષ્મીનારાયણ સંહિતાની કથાથી સંતુષ્ટ થયા
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં સર્વે ભાવે ભક્તિ કરવી. તેને પતિવ્રતાની ભક્તિ કહેલી છે. પુત્રની પ્રશંસા સાંભળીને માતા-પિતાને આનંદ થાય છે. પત્નીની પ્રશંસા સાંભળીને પતિને આનંદ થાય છે. શિષ્યોના વખાણ સાંભળીને ગુરુને અને ગુરુના વખાણ સાંભળીને શિષ્યોને આનંદ થાય છે. જેના પ્રત્યે સ્નેહભાવના હોય તેની પ્રશંસા સારી લાગે છે. તેમ ભક્તને સર્વે ક્રિયા ભગવાનમય કરવી. મારી સેવા, વ્રતપૂજન, મારી કથા, જપ, પૂજા, સ્મૃતિ, ઈચ્છા, જ્ઞાન વિજ્ઞાન, ધ્યાન, મારામાં સ્નેહ, કામ, રતિ, પ્રીતિ સર્વે મારામય કરનારને કથા વાંચવી. શાસ્ત્રજ્ઞાન આપનારા, મારો મહિમાં કહેનારા મારી ભક્તિની પુષ્ટિ કરનારા વક્તા શ્રેષ્ટમાં શ્રેષ્ટ છે. તેને શ્રીહરિમાં પતિવ્રતાની ભક્તિવાળા કહેલા છે. પિતાથી માતા દશગણા મહાન છે. માતા-પિતાથી જ્ઞાન આપી મોક્ષ આપનારા ગુરુ મહાન છે. પૃથ્વી દાન, જીવિકાદાન, જીવનદાન કરતા પણ મોક્ષદાન મહાન છે. જ્યાં કથા વંચાતી હોય ત્યાં સર્વે તિર્થો, દેવો, ભક્તો, દેવીઓ, ઋષિઓ, મુનિઓ, ધર્મભક્તિ વગેરે સર્વે આવી વક્તા વ્યાસને નમસ્કાર કરે છે. ગોદાવરી તટે લક્ષ્મીનારાયણ સંહિતા કથા વંચાતી હતી. દુર્વાસાનો શિષ્ય સત્યવ્રત કથા વાંચતો હતો. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરી ભક્તિ કરતો, કરાવતો.
એકવાર કથા વાંચવા આવતા રસ્તામાં રાજાનું સૈન્ય ઊભું હતું. તેથી આવતા વાર લાગી તે સમયે સત્યવ્રતનું રૂપ ધારણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણ કથા વાંચવા ગયા. કથા દિવ્ય સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા. ત્યાં સત્યવ્રત આવ્યા. કથામાં ભિન્નતા દેખાણી, ત્યાં દુર્વાસાનો બીજો શિષ્ય તપોવ્રત આવ્યો. તે કથાના વક્તાની નિંદા કરતો તે મરીને પિશાચ થયો. વનમાં રખડતો, દુ:ખી થતો હતો. તે વક્તા સત્યવ્રતને પગે લાગીને કહે મારો ઉદ્ધાર કરો. સત્યવ્રતે તેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્ર આપી માથે પાણી છાંટી એક દિવસની કથાનું ફળ આપ્યું. તરત પિશાચ દેહ ત્યાગ કરી દિવ્યદેહ ધારણ કરી શ્રીહરિનું સ્મરણ કર્યું. ત્યાં રાધાલક્ષ્મીપતિ, પ્રભા પાર્વતીપતિ, પદ્મા રમાપતિ, જયા લલિતાપતિ પ્રભુ વિમાન લઇને આવ્યા. તપોવ્રતને ધામમાં લઇ ગયા. ત્યાં ગુરુ દુર્વાસાઋષિ આવ્યા કહેવા લાગ્યા. અહો મારા એક શિષ્યે પિશાચનો, શ્રોતાનો, જગતનો અને મારો પણ ઉદ્ધાર કર્યો. મારે દશ હજાર શિષ્ય હોવા છતાં આ એક સત્યવ્રત પાત્ર શિષ્યથી અને લક્ષ્મીનારાયણ સંહિતાની કથાથી હું સંતુષ્ટ થયો છું.