પતિવ્રતા સીમંતિના પ્રતાપથી બ્રાહ્મણ સોમવાન સ્ત્રી બન્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વિદર્ભ દેશમાં સારસ્વત બ્રાહ્મણનો પુત્ર સોમવાન યુવાન થતાં તેના પિતાએ કહ્યું, તું રાજા પાસે જઈ દાન લઇ આવ તો તારા વિવાહ થઈ જાય. સોમવાન પોતાના મિત્રને લઇને રાજા પાસે ગયો. યાચના કરી. રાજા કહે, મારી પુત્રી સીમંતિની નિષેધ રાજાની પત્ની છે. તે સતી પતિવ્રતા છે. તેની પાસે તમે કન્યાનું રૂપ લઈ દક્ષિણા લઈ આવો તો હું દક્ષિણા આપું. બ્રાહ્મણ યુવાને કહ્યું એવું કપટ કામ કરવામાં અમને ભય લાગે છે. રાજા કહે, ગુરુ અને રાજાની આજ્ઞાનું ઉલંઘન ન કરવું. તેથી બન્ને વિપ્રો સોમવાન સ્ત્રીના કપડાં પહેરીને રાણી સીમંતિની પાસે ગયા. સીમંતિની કૃષ્ણનારાયણ પ્રભુનું તથા શંકર-પાર્વતીનું પૂજન કરી મંદિર બહાર આવ્યા. ત્યાં વિપ્રોને જોયા. દંપતી માનીને આશિર્વાદ આપ્યા અને દાન દક્ષિણા આપી. પ્રતિવ્રતાના પ્રભાવથી સ્ત્રીનો વેષધારી સોમવાન સ્ત્રી બની ગયો. અને મિત્ર સાથે રજોગુણની ચેષ્ટા કરવા લાગ્યો. મિત્રે તેના પિતાને કહ્યું.
પિતાએ રાજાને કહ્યું. રાજાને દુ:ખ થયું. પછી બ્રાહ્મણે સીમંતિની પાસે આવી સ્તુતિ, પ્રાર્થના કરી કહે, મારા પુત્રનું સ્ત્રીત્વ મટાડો. સીમંતિની કહે, પુત્ર સાંબે ઋષિની મશ્કરી કરવાથી યાદવ કુળ નાશ પામ્યું. તે પ્રમાણે કર્મફળ સર્વેને ભોગવવું પડે છે. માટે આ તારી કન્યા થયેલીને સાથે આવેલા મિત્ર બ્રાહ્મણને સોંપી દે અને તને પ્રભુ બીજો પુત્ર આપશે. પછી બ્રાહ્મણે તે બન્નેના વિવાહ કર્યા અને સીમંતિનીના આશિર્વાદથી બ્રાહ્મણને બીજો પુત્ર થયો. પતિવ્રતા સતી સાધ્વીનો પ્રતાપ આવો છે.