ખટવાંગ રાજાની કથા ❖ કુંકુમવાપી (કુંકાવાવ) તીર્થ
શ્રીનારાયણ કહે : ખટવાંગ રાજાને વિષ્ણુની નવધા ભક્તિ કરતા વૈરાગ્યના વેગથી તપ કરવાની ઈચ્છા થઇ. અશ્વપટ સરોવર કાંઠે વાવ હતી ત્યાં અનેક ફળવાળા વૃક્ષ નીચે શાલીગ્રામ મૂકીને ખટવાંગ રાજા તપમાં બેસી ગયો. એક હજાર વર્ષ જાંબુડા ખાઇને, એક હજાર વર્ષ વૃક્ષનો ગુંદ ખાઇને, એક હજાર વર્ષ દાડમ ખાઇને, એક હજાર વર્ષ બોર ખાઇને, એક હજાર વર્ષ આંબલીના કાતરા ખાઇને, એક હજાર વર્ષ કંદમૂળ ખાઇને, એક હજાર વર્ષ વૃક્ષના પાંદડા ખાઇને, એક હજાર વર્ષ પાણી પીને, એક હજાર વર્ષ વાયુ ભક્ષણ કરીને, એક હજાર વર્ષ નિરાહાર રહી અંગુઠા પર ઉભા રહી તપ કર્યું. દશ હજાર વર્ષ તપ કરતા શાલીગ્રામમાં કૃષ્ણનારાયણનું ભજન કરતો. ત્યાં તેના મસ્તકમાંથી અગ્નિ પ્રગટ થયો. ત્રિલોકીમાં વ્યાપી ગયો. મનુષ્યો, દેવો ક્ષોભ પામ્યા. પૃથ્વી કંપવા લાગી. સાગર ખળભળ્યો, તરત જ લક્ષ્મીનારાયણે દેહભાનથી રહિત તપ કરતા ખટવાંગ રાજા પાસે આવીને મસ્તક પર અમૃત સિંચન કર્યું. તરત જ અગ્નિ શાંત થયો. નારાયણ કહે : હે ભક્ત, તપ બંધ કર. તારે જે જોઇએ તે માંગ. તારા જેવા ભક્તને હું બધું આપી દઉં છું. રાજાએ નેત્રો ખોલ્યા. દર્શન કરી નાચવા લાગ્યો. અહોભાગ્ય મારા. પ્રભુના ચરણમાં આળોટવા લાગ્યો. ખટવાંગ રાજા કહે : હે પ્રભુ, તમારા ચરણમાં વાસ આપી હંમેશાં તમારી સેવા આપજો. નારાયણ કહે : તથાસ્તુ. એમ કહી નારાયણે લક્ષ્મીને ચાંદલો કરવાની આજ્ઞા કરી.
લક્ષ્મીજીએ ખટવાંગ રાજાને ચાંદલો કર્યો. પછી હાથ, મુખ, વાવમાં ધોયું. પાણી પીને ખટવાંગ રાજાને સ્નાન કરાવી પાણી પાઇને શાલીગ્રામમાં લક્ષ્મીનારાયણ ભગવાને નિવાસ કર્યો. ત્યાં એક વાવમાં લક્ષ્મીના લલાટના કંકુ પડવાથી તે વાવ કંકુવાળી થવાથી તે ગામનું નામ કંકુમવાવી થયું. ખટવાંગ રાજા ત્યાં સાત માળનું લક્ષ્મીનારાયણનું મંદિર કરાવીને પૂજા કરતો હતો. તે લક્ષ્મીનારાયણ ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મી પોતે તેને ત્યાં નારાયણના અંશ પત્નીવ્રત દ્વિજ અવતાર ધારણ કરી તપ કરતા હતા. તે લક્ષ્મીનારાયણ સ્વરૂપ ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મીને ત્યાં આશ્રિતોને મોક્ષ આપનારા શ્રીકૃષ્ણવલ્લભ પ્રગટ થયા. તે કુંકુમવાપી ભૂમિ વૈકુંઠભૂમિ છે. ત્યાં દાન-પુણ્ય, યજ્ઞ, વ્રત, જપ, તપ કરે તે મોક્ષ આપનારા થાય છે. ત્યાંના વાસી સર્વે મનુષ્યો પશુ-પક્ષી વૃક્ષ વેલી જીવ-જંતુ વગેરેને વૈકુંઠના મુક્તો જાણવા અને ભગવાનના મુગટનો મણિ તે સૌરાષ્ટ્ર પ્રદેશ.