ભાગ · અધ્યાય ૫૬૩

ચંદ્રસેન, ધુંધુમાર અને ભરતરાજા તેમજ દુવાર્સા ઋષિની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નર્મદામાં ૐકારેશ્વર પાસે કોટી તીર્થમાં ચણોઠીભાર સોનાનું દાન કરનારો હજારો યુગ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. પૂર્વે ચંદ્રસેન રાજા ધર્મકર્મથી રહિત હતો. દારૂ માંસનું સેવન કરતો. એકવાર વનમાં ગયો. ત્યાં શાંડીલ્ય ઋષિની પત્ની પાસે ગયો અને કહ્યું, તું રાજ્યમાં આવીને રાજ્યભોગ ભોગવ. ઋષિપત્ની કહે, રાજા હું રજસ્વલા છું તું મારો સ્પર્શ કરીશ તો ચાંડાલપણાને પામીશ. તો પણ રાજાએ ઋષિપત્નીનો સ્પર્શ કર્યો. તરત રાજા કાળાવર્ણનો ચાંડાલ જેવો થઈ ગયો. રાજ્યમાં આવ્યો. સર્વે પ્રજાને નિંદાપાત્ર થયો. પછી વશિષ્ટઋષિ કહે, તું ઋષિદંપતી પાસે જઈ ક્ષમા માંગ. રાજા ઋષિ પાસે જઇ ક્ષમા માંગી અને ત્યાં રહેલા ચંડેશ્વર હરિની પૂજા કરી અને નિષ્પાપ થયો. પૂર્વે દુર્વાષા તીર્થ કરતા ગયામાં પિંડદાન કર્યું તો પણ પિતૃઓને ન જોયા. તેથી નર્મદામાં આવી એરંડમુનિ તપ કરતા હતા તેને સાથે લઈ પિંડદાન કર્યું. તરત પિતુઓ આવ્યા અને બ્રહ્માએ આપેલા પાણીથી દુર્વાષા અને એરંડમુનિએ સ્નાન કર્યું. તે પિતૃઓનો ઉદ્ધાર કરનારું એરંડીતીર્થ થયેલું છે.

પૂર્વે ભરત રાજાએ યજ્ઞ કર્યો. અસુરો વિઘ્ન કરવા આવ્યા. ભરતે બાણથી અસુરોનો નાશ કરી નદીમાં બે પ્રવાહ કર્યા. શલ્પા, વિશલ્પા. તે બંનેને બૃહસ્પતિ એ અસુરોના નાશ માટે યજ્ઞ કરવા બ્રહ્માએ કહ્યું. બ્રહ્માએ ત્યાં યજ્ઞ કર્યો. ત્યાં શંકર સ્વયં પ્રગટ થયા તેથી અસુરો ભાગી ગયા અને દેવો નિર્ભય થયા. પૂર્વે ધુંધુમારરાજા કોટિ તીર્થમાં આવ્યો. ત્યાં વરાહને જોયો. રાજા વરાહને મારવા ગયો ત્યાં વરાહે પાણીમાં પડીને દિવ્યદેહ ધારણ કર્યો. રાજાએ પૂછ્યું, તું કોણ છો ? તેણે કહ્યું, હું શંકરનો ગણ છું. ઉર્વશીને જોઇને મોહ પામ્યો. તેથી નંદીએ મને શાપ આપ્યો કે, તું વરાહ થઇને અને કોટી તીર્થમાં સ્નાન કરીશ પછી તારી મુક્તિ થશે. તેથી હું અહીં સ્નાન કરી દિવ્ય દેહને પામ્યો છું.