જીવાત્મા કયા પાપે પ્રેતયોનીને પામે ?
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, આત્મઘાત કરનારા, સર્પદંશથી મરેલા, અકસ્માતથી મરેલા, મહાદુ:ખમાંથી મરેલા, અભિચાર મંત્રો વગેરે મેલી વિદ્યા કરનારા, નિર્જન સ્થાનમાં મરનારા, વાસનાવાળા પ્રેત થાય છે. ગાયના મોઢેથી લઇ લેનારા, વૃક્ષ-બગીચાને ભાંગનારા, દેવની જીવિકા તોડનારા, ગરીબોની રોજી તોડનારા, દાન કર્મનો નાશ કરનારા, પુણ્ય કાર્યો અટકાવનારા, બહુને દુ:ખ આપનારા તે મરીને પ્રેત થઇને આકાશમાં ફરે છે. ભૂત-પ્રેતને માતા-પિતાથી જન્મ નથી. યમદેવના દંડથી વાયુના શરીરવાળા થઇ અંતરિક્ષમાં ફરે છે. આ લોકમાં જેટલા પ્રકારના દુ:ખ દેખાય તે બધાં પ્રેત સમાન છે. તેથી પ્રેત ત્રણ પ્રકારના છે. એક યમપુરીમાં કષ્ટો ભોગવનારા, બીજા પ્રેત આકાશમાં ફરનારા અને ત્રીજા પ્રેત જેને ભગવાનનો આશરો નથી, પ્રભુનું નામ લેતો નથી, સત્કાર્યો કરતો નથી, દાન-પુણ્ય કરતો નથી, અપવિત્ર રહે છે, મદ્ય-માંસ, લસણ-ડુંગળી ન ખાવાનું ખાય છે, જે મનુષ્ય દેહથી ભગવાનની ભક્તિ કરી સંતની સેવા કરી મોક્ષ નથી મેળવતો તે પણ મનુષ્ય રૂપે રહેલો પ્રેત જ છે. મરેલા પ્રેત અશુદ્ધ ખાય છે અને જીવતા પ્રેત પણ અશુદ્ધ ખાય તો બંનેમાં ફેર શું ? કાંઇ નહીં.