ભાગ · અધ્યાય ૧૮૧

નારદજીએ પાર્વતીના ચિહ્નો પરથી ભાગ્ય જોયું

એક વખત નારદ શૈલ મેના પાસે આવ્યા. પર્વતે પાર્વતીને નારદને પગે લગાડી ભાગ્ય જોવાનું કહ્યું. નારદે પાર્વતીના હાથમાં હાથી, ધજા, પદ્મ, ત્રિશૂલ, કમલ, સ્વસ્તિક વગેરે ચિહ્નો જોઇ કહ્યું, ઇશ્વરની પત્ની થશે તથા શરીરના પગમાં ચિહ્નો જોઇ કહ્યું, મહેશ્વરી થશે. પણ એક રેખા અંગુઠા પર એવી છે કે ફળ તેનું થાય કે ન થાય. પણ પાર્વતીનો પતિ માતા-પિતા વિનાનો જોગી નગ્ન, ગુણહીન, નિષ્કામ થશે. હિમાલય પર્વત અને મેના કહે : એવો કોઇ તમારી નજરમાં હોય તો કહો. નારદ કહે : સ્વયંભૂ અજન્મા સદાશિવ નિત્ય સનાતન ઇશ્વર છે. ગુણહીન માયાના ત્રણ ગુણથી રહિત છે. માતા-પિતા વિનાનો એટલે સ્વયં બ્રહ્મસ્વરૂપ પોતે શંકર આ પાર્વતીના પતિ થશે. પર્વત મેના નારદનું આવું વચન સાંભળી કહેવા લાગ્યા પણ તે શંકર મહાદેવ આપણને પ્રાપ્ત કેમ થાય ? નારદ કહે : તપ કરીને શંકર પ્રસન્ન કરો. તેથી કાર્ય સિદ્ધ થશે અને તમે જેમ શંકરને જમાઇ કરવાની ઈચ્છા કરો છો, તેમ શંકર પણ પાર્વતી સાથે જ લગ્ન કરવાની ઈચ્છા કરે છે તેથી તમારી પુત્રી પાર્વતી કાળી તે મહાકાળને જ વરશે.