ભાગ · અધ્યાય ૨૮

ભગવાન તુલ્ય સંત-સાધ્વીના ગુણ ચિહ્નોનું વર્ણન

શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, મારા જે દિવ્ય ગુણો સંતમાં આવે છે તે સંત ભગવાનતુલ્ય સેવા કરવા જેવા છે. સત્ય બોલનારા, શૌચવાળા, દયા, ક્ષમાવાળા, સંતોષી, સરલતા, શામ- દામ, સામ્ય, તપ, તિતિક્ષા, શ્રુતતા, વિરામ, જ્ઞાન, ઐશ્વર્ય, શૌર્ય, બલ, સ્મૃતિ, કૌશલ, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહન, ઓજસ, ભગ, ગંભીરતા, કિર્તી, મૌન, આસ્તિક, અમાનિત્વં, અગર્વ, અદંભ, મિતાહાર, દક્ષતા, મૈત્રી, ઉપકાર, અદ્રોહ, માનદ ષડ્ઉર્મિ રહિત શરણ્ય, અનિહ, અપરિગૃહ આવા દિવ્ય મારા ગુણોથી યુક્ત સાધ્વી હોય તો તે પણ લક્ષ્મી સમાન મોક્ષ આપનારી છે. તે પૂજ્ય વંદનીય સેવા કરવા યોગ્ય છે. મારા વસ્ત્રો ધારણ કરનારા મારી દીક્ષાવાળા મારાથી જરા પણ ન્યુન નથી, જુદા નથી.

મારી મૂર્તિમાંથી પ્રગટ થયેલી શક્તિઓ પૃથ્વી પર યોગિની થઇ વિચરીને દિવ્ય દેહવાળી તે જીવાત્માના અજ્ઞાનને ટાળી મોક્ષ આપે છે. એવી દેવીઓ પૃથ્વીમાં પ્રગટ થાય ત્યારે તેના શરીરમાં શ્રીહરિના ચિહ્નો હોય છે. બંને સ્તન વચ્ચે ઉર્ધ્વ પુંડ્ર રેખા હોય, પેડુમાં બાણરેખા, લલાટમાં મુગટરેખા, મધ્યે શોણ બિંદુ, છાતીમાં વિષ્ણુના હાથની રેખા, ડાબા બાવડામાં ગદા ચિહ્ન, ડાબા સાથળમાં પાદુકાનું ચિહ્ન, હૃદયમાં હારની રેખા, હાથમાં કમળ અને હાથીનું ચિહ્ન, જમણા પગના અંગુઠામાં શંખનું ચિહ્ન, આંગળીમાં વિમાનનું ચિહ્ન, ટચલી આંગળીમાં નૌકા ચિહ્ન, ફણામાં શંખ, ગદા, મત્સ્ય, શિખર, નાગરવેલ, જવ, મહેલ, છત્ર, અને ઉર્ધ્વરેખા આટલા ચિહ્નો જમણા ચરણમાં હોય છે.