કાર્તિક સુદની પ્રબોધિની એકાદશી - ભાદરકાંઠાના બ્રાહ્મણની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીની વ્રત, વિધિ કથા કહું. શેષશાયી ભગવાન આ એકાદશીએ જાગે છે. સ્નાન કરી રાધા સાથે દામોદર ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન કરવું. કમળના પુષ્પોથી પૂજન કરી નૈવેધમાં મગસના લાડું ધરવા, આરતી, સ્તુતિ કરી, વ્રત પૂર્ણીની પ્રાર્થના કરવી. દાનમાં શુખશય્યાનું દાન કરવું. ચાતુર્માસની છેલ્લી એકાદશી હોવાથી પ્રબોધિની વ્રત સમાન એક પણ નથી પાપને નાશ કરનારું, પુણ્ય વધારનારું સર્વે યજ્ઞોના ફળ આપનારું, વિદ્યા, દાન, યશ, રાજ્ય વગેરે સર્વે સિદ્ધિ આપનારું આ વ્રત્ત છે. સો જન્મોના પાપોને નાશ કરનારું પરમ પદ આપનારું આ વ્રત છે. કાર્તિક માસમાં શ્રીહરિની કથા કરનારાને દશ હજાર યજ્ઞનું ફળ થાય છે. યજ્ઞોથી, જલથી, દાનથી તે સર્વે કરતા શ્રીહરિની કથા કહેનાર તથા સાંભળનારને રોજ હજાર ગાયોના દાનનું ફળ મળે છે. તથા કાર્તિક માસમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવી તથા સાંભળવી. તેથી રોજ કપિલા ગાયનું દાનનું પુણ્ય થાય છે. શ્રીહરિનો મંડપ કરી ચાર કળશો મૂકી વચ્ચે સાત ધાન્યોનું મંડળ પુરી શ્રીહરિનું ષોડ્શોપચારથી પૂજન કરી વસ્ત્ર અલંકારો ધારણ કરાવી આરતી ઉતારવી તથા ભગવાનને શુખશય્યા, થાળી, વાટકો, કળશ, છત્ર, ચામર, વિંઝણો, દર્પણ, પાદુકા વગેરે અર્પણ કરવા. અબિલ-ગુલાલ, કંકુ, કેશર-ચંદન ચોખા, કાજળ તથા અનેક પ્રકારના પુષ્પોના હારથી પૂજન કરવું તથા આરતી, દંડવત્, પ્રદક્ષિણા કરી ક્ષમાયાચના કરવી. પછી ગુરુની પૂજા કરી વસ્ત્ર, આભૂષણોથી દક્ષિણા આપવી, બારસને દિવસે સાધુ- સાધ્વી, બ્રાહ્મણોને બાળકોને અનાથ અતિથિઓને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવા. તેથી ભુક્તિ મુક્તિને પામે છે. શ્રીહરિની પ્રસન્નતાથી પરમપદને પામે છે.
પૂર્વે અશ્વપટ સરોવરને કાંઠે બ્રહ્માએ શ્રીહરિનું મંદિર કરેલું. ત્યાં દર્શન કરીને જનો સદ્ગતિ પામતા. ભાદર કાંઠાનો એક બ્રાહ્મણ પાણીના પૂરથી સર્વે નાશ થતા ત્યાં મંદિરે આવી રહ્યો અને લાકડાં વેચી પોતાનું ગુજરાન કરતો અને મંદિરમાં આવી કિર્તન કરતો. તેમાં કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી આવી. વિપ્ર મંદિરમાં જાગરણ કરવા આવતો હતો ત્યાં રસ્તામાં રાક્ષસ મળ્યો. વિપ્રને પકડ્યો. વિપ્ર હસવા લાગ્યો. રાક્ષસે પૂછ્યું કેમ હસે છે ? વિપ્ર કહે : આજે એકાદશી છે. કિર્તન-જાગરણ કરવા જાવ છું. આજ મારું મોત થાય તો મારી સદ્ગતિ થાય. ભક્તિ કરનારાની અધોગતિ થતી નથી. તેથી જો તને ભુખ હોય તો મને ખાઇજા. અથવા જાગરણ કરીને આવું પછી સવારે ખાજે. રાક્ષસ કહે : જે મૃત્યુના મુખમાંથી મુકાઇ જાય છે તે પાછો આવતો નથી. વિપ્ર કહે : તો મારી સાથે ચાલ. પ્રભુના ધૂન-કિર્તનથી તારૂ પણ કલ્યાણ થશે. રાક્ષસ વિપ્રની સાથે મંદિરે ગયો. વિપ્રે આખી રાત કિર્તન-ધૂન અને નૃત્ય કર્યું સવાર થતાં તે વિપ્રનો દેહ પડી ગયો. વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયો. ત્યાં ઘણો સમય રહીને પછી વૈકુંઠધામમાં ગયો. તે રાક્ષસની પણ મુક્તિ થઇ.