ભાગ · અધ્યાય ૧૩

કાળ સમય અને યુગની ગણતરી

શ્રીનારાયણ કહે : બ્રહ્માંડની ઉત્પત્તિની સાથે જ કાળને નિત્ય સંબંધ છે. તે કાળ સમયની ગણતરી ક્ષણથી કરવામાં આવી છે. ચાર ક્ષણનો એક કૂટ, ત્રણ કુટની એક ત્રૂટી. ત્રણ ત્રૂટીનો લવ, ત્રણ લવનો નિમેષ, પંદર નિમેષની કાષ્ટા, પંદર કાષ્ટાની નાડીકા, બે નાડીકાનું મુહૂર્ત, બે મુહૂર્તનો પ્રહર, ચાર પ્રહરનો દિવસ, ચાર પ્રહરની રાત્રિ, પંદર દિવસનો પક્ષ, બે પક્ષનો માસ, છ માસનું અયન, બે અયનનું વર્ષ, એવા બાર હજાર વર્ષના ચાર યુગ થાય, એવા એક હજાર યુગની ચોકડી થાય, ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તેવડી જ રાત્રિ. સાંજે ત્રિલોકીનો લય, સવારે ઉત્પત્તિ.

બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુ અને ચૌદ ઇન્દ્ર થાય. તે બ્રહ્મા પણ પોતાના સો વર્ષ રહે છે. બ્રહ્માનું એક વર્ષ વૈરાટનો એક દિવસ, વૈરાટનું એક વર્ષ મહાવિષ્ણુનો એક દિવસ, મહાવિષ્ણુનું એક વર્ષ પ્રધાનપુરુષનો એક દિવસ, પ્રધાનપુરુષનું એક વર્ષ પ્રકૃતિપુરુષનો એક દિવસ, પ્રકૃતિપુરુષના સો વર્ષ એટલે અક્ષરનું એક નિમેષ (મટકું) અક્ષરબ્રહ્મના મટકામાં સૃષ્ટિઓનો ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. એજ રીતે ક્ષણ, વિપળ, પળ, ઘડી, કલાક અને દિવસ-રાત્રિ કહેલા છે.