ફાગણ વદની વિજ્યા એકાદશી - પરશુરામની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ફાગણ વદ વિજ્યા એકાદશીનો વ્રતવિધિ કહું છું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું સ્મરણ કરીને, સ્નાન કરીને પ્રદ્યુમ્નની પૂજા કરવી. ફળફુલ, તુલસી, નૈવેદ્ય ધરવા. ભગવાનના ભક્તો સાથે વાજિંત્રો સહિત ઉત્સવ કરવો. એકાદશીએ વારંવાર દૂધપાન, જલપાન, ક્રોધ, કલેશ કરવાથી અશ્રુપાતથી, ચોરી, મૈથુન, નિંદ્રા આદી દોષોથી ઉપવાસનું ફળ મળતું નથી. એકાદશીએ પ્રભુની સેવા, ભક્તિ, જપ, હોમ, ધ્યાન, આત્મવિચાર દાન વગેરે ફળની ઈચ્છાવાળાએ કરવા.
પૂર્વે કૌશિકી નદી કાંઠે જમદગ્નિ વાસ કરતા. યજ્ઞ કરનારા દેવ સેવાપરાયણ મૂર્તિમાન અગ્નિ એને ત્યાં વાસ કરતો. તેના પત્ની રેણુકા હતા. એકવાર સ્નાન કરી શ્રીહરિની પૂજા કરી, પતિની પૂજા કરી, તેને એવો વિચાર આવ્યો મારા પતિ આવા સમર્થ છે તો તેના થકી સમર્થ વિજયી પુત્ર થાય તો સારું. વેદ, વિદ્યા, કલા, બ્રહ્મચર્ય વગેરે સદ્ગુણથી યુક્ત પુત્ર થાય. સારું આવો સંકલ્પ થયો ત્યાં આકાશવાણી થઇ - દેવી પતિસેવાથી તારી ઉપર પ્રસન્ન થયો છું. હું તારે ત્યાં પુત્રરૂપે આવીશ. પુત્ર પ્રાપ્તિ માટે વિજ્યા એકાદશીનું વ્રત કરજે. રેણુકાએ વ્રત કર્યું. તેથી વિષ્ણુના અંશ પરશુરામે પ્રગટ થઇ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, પિતાએ યજ્ઞોપવિત આપી, વેદનો અભ્યાસ કરાવ્યો, એક વખત માહિષ્મતીનો રાજા સહસ્ત્રાર્જુન દત્તાત્રેય ભગવાનનો શિષ્ય હતો. તે શિકાર કરવા નીકળ્યો. જમદગ્નિ ઋષિના આશ્રમે આવ્યો. જમદગ્નિ ઋષિએ આદર-સત્કાર રાજાની રીત પ્રમાણે કર્યો. રાજાને વિચાર આવ્યો આટલી સંપત્તિ ઋષિ પાસે ક્યાંથી ? તપાસ કરી તો કામધેનુ ગાયને પ્રતાપે. રાજા તે ગાય બળજબરીથી લઇને રાજ્યમાં આવ્યો. ઋષિપત્નિ રડવા લાગ્યાં. પરશુરામે કહ્યું : માતા શું આજ્ઞા છે ? રેણુકા કહે : મેં વિજ્યા એકાદશીનું વ્રત કરવાથી તું વિષ્ણુ મારે ત્યાં જન્મ્યો છો તો તું પણ વિજ્યા એકાદશીનું વ્રત કરી પ્રભુને પ્રસન્ન કરી વિજયવાળો થા. પરશુરામે વિજ્યા એકાદશીનું વ્રત કરી, શ્રીકૃષ્ણની પૂજા કરી. શ્રીકૃષ્ણ પ્રસન્ન થઇ કહે : શાસન કરનારા ક્ષત્રિયો જો અધર્મીને માર્ગે જાય તો તેના શાસન માટે મેં બ્રાહ્મણ કર્યા છે. ક્ષત્રીયોનું બળ ધર્મથી છે. બ્રાહ્મણોનું બળ તપ અને બ્રહ્મવિદ્યાથી છે. તેથી તારો વિજય થાવ. પછી પરશુરામ કુહાડી અને ધનુષ્ય લઇને સહસ્ત્રાર્જુન સામે યુદ્ધ કરવા આવ્યા. પરશુરામે સહસ્ત્રાર્જુન રાજાના હજાર હાથ કાપીને તેને તેના સૈન્યનો નાશ કરી કામધેનું ગાય લાવી માતાને આપી. પછી પૃથ્વી ઉપર ફરી અધર્મીઓનો નાશ કર્યો. સહસ્ત્રાર્જુન રાજા દત્તાત્રેય ભગવાનનો શિષ્ય અને સુદર્શનનો અવતાર હતો. પણ અધર્મના માર્ગે ગયો તો પરશુરામે તેનો નાશ કર્યો. તેથી ભગવાનના ભક્તોએ ક્યારે પણ સાધુ-બ્રાહ્મણોનો દ્રોહ ન કરવો.