ભાગ · અધ્યાય ૨૮૨

લક્ષ્મીનારાયણ વ્રતવિધિ - ધ્વજારોહણ પૂજનવિધિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વપાપને હરનારું લક્ષ્મીનારાયણનું વ્રત કહું છું. માગશર પૂનમે બ્રાહ્મમુહૂર્તમાં સ્નાન કરીને, લક્ષ્મીનારાયણનું આવાહન કરીને, પંચામૃતથી સ્નાન કરાવીને, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, આરતી, દંડવત, પ્રદક્ષિણા, સ્તુતિ, નમસ્કાર કરી, ક્ષમા યાચના કરવી. એવી રીતે એકવર્ષ સુધી વ્રત કરવું, વ્રતને અંતે ઉદ્યાપન કરાવવું તથા મંદિરમાં ધજા આરોપણ કરવી. જેથી ગંગાસ્નાન શિવપૂજન સમાન ફળ થાય છે ધ્વજદંડ તે ધર્મનું રૂપ છે. મંદિરમાં ધજા ચડાવનારો જ્યાં સુધી ધજા રહે તેટલા યુગપર્યંત શ્રીહરિના ધામમાં રહે છે. પૂર્વ સત્યુગમાં સોમવંશમાં સુમતી રાજા ધર્મિષ્ટ, વૈષ્ણવભક્ત હતો. તેની રાણી પણ પતિવ્રતા હતી. રાજા-રાણી શ્રીહરિની પૂજાપારાયણ રહી દર બારસે મંદિરમાં ધજા ચડાવતા તેની કીર્તિ સાંભળીને વિભાંડક ઋષિ રાજાને ત્યાં આવ્યા. રાજા પગે લાગી કહે, મારા અહોભાગ્ય તમારા દર્શન થયા. વિભાંડક ઋષિ કહે : તેં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે પુરુષાર્થ સિધ્ધ કર્યા છે. છતાં તું દર બારસે ધજા કેમ ચડાવે છે ?

રાજા કહે : પૂર્વ જન્મમાં હું શુદ્ર હતો. મદ્ય, માંસ, ચોરી, વ્યભિચાર, હિંસા કરનારો, જંગલમાં રહેતો, ત્યાં વિષ્ણુનું જૂનું મંદિર હતું. તે સુધારી નવું કરી ત્યાં રહેતો. ત્યાં જંગલી સ્ત્રી આવી તેને પત્ની કરીને રાખી. અમે બન્ને દંપતીએ દશ વર્ષ મંદિરની સેવા કરી. ફાટેલા કપડાં સાંધી ધજા ચડાવતા. એક વખતે અમે બન્નેએ અતિ દારૂ પીધો, કપડાનું ભાન ન રહ્યું. નાચવા લાગ્યા. પ્રારબ્ધ કર્મથી બન્નેનું સાથે મૃત્યુ થયું. યમદૂતો આવ્યા, તરત વિષ્ણુ પાર્ષદો આવ્યા, યમદૂતોને કહે : અમારા પૂજારી છે. તમારો હક નથી. યમદુત કહે : આ બન્ને પાપી જીવો છે. પાર્ષદો કહે : મંદિરની સેવા કરવાથી, ધજા ચડાવવાથી, નૃત્ય કરવાથી તેના સર્વે પાપ નાશ થાય છે. યમદૂતો પાછા ગયા. વિષ્ણુ પાર્ષદો વિમાનમાં બેસાડીને દંપતીને વૈકુંઠમાં લઇ ગયા. પ્રભુએ ઈચ્છા નહીં હોવા છતાં રાજ્ય આપ્યું માટે હું વિભાંડક ઋષિ મંદિરની સેવા અને ધજા ચડાવી તેને પ્રતાપે પ્રભુએ રાજ્ય અને ભક્તિ, ભુક્તિ-મુક્તિ બન્ને આપ્યા.