કલાવતી અને ત્રણેય સખીઓ કૃષ્ણ સાથે વિવાહ કરી ગોલોક ગઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે એક નર્તકી શંકરને પતિ માની શિવાલયમાં ગીત નૃત્યુ કરતી હતી. તે બીજે જન્મે કાશીમાં ગાંધર્વ કન્યા થઈ. તે કલાવતી પોતાની ત્રણ સખીઓ સાથે શિવાલયમાં રોજ ગીત-સંગીત સાથે નૃત્ય કરી શંકરને પ્રસન્ન કરતી.
એકવાર શંકર ભગવાનને કલાવતીએ પૂછ્યું, પ્રભુ તમે આ કંઠી, તિલક, ચાંદલો વૈષ્ણવ ચિહ્ન ધારણ કર્યા છે. તે કોના છે. હું તો તમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જાણું છું. શંકર કહે, બાલા તે બહું સારું પૂછ્યું. આ તિલક મારા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણનારાયણનું ચરણ છે. ચાંદલો તે લક્ષ્મીજી છે. તુલસીની કંઠી, માળા છે. તે શ્રીહરિની પત્ની છે. શંકરનું વચન સાંભળી કલાવતી કહે, પ્રભુ તમે જેનો જપ કરો છો તે મારા પતિ થાય. શંકર કહે, તથાસ્તુ. આ તારી સખીઓ પણ કૃષ્ણ પત્નીઓ થશે. કલાવતી અને ત્રણે સખીઓને રાત્રે સ્વપ્નમાં શ્રીકૃષ્ણનારાયણ દર્શન, સ્પર્શ, રતિસુખ આપી અદૃશ્ય થયા. સવારે જાગીને એકબીજાને વાત કરી માતા-પિતાને વાત કરી મહાદેવની પ્રસન્નતાથી વરદાનથી અમારા પતિ કૃષ્ણનારાયણ થશે. માતા-પિતાએ મંડપ તૈયાર કરાવ્યો. કૃષ્ણનારાયણ આવે તો તમારા વિવાહ પ્રભુ સાથે કરી દઇશ. કન્યાઓ પ્રભુના કિર્તન, નૃત્ય કરતી હતી ત્યારે રાત્રે કૃષ્ણનારાયણે આવી સર્વને દિવ્ય દર્શન આપ્યા. પીળા પિતાંબર, સુવર્ણના અલંકારોથી શોભાયમાન અલૌકિક મૂર્તિના દર્શન કરી કન્યાના માતા-પિતાએ બ્રાહ્મમુહૂર્તમાં અગ્નિની સાક્ષીએ કૃષ્ણનારાયણને કન્યાદાન આપ્યું. અનેક ભેટો આપી. તે સર્વે પ્રભુએ ગ્રહણ કરી. સર્વે કન્યાઓને રાધાલક્ષ્મી સમાન રૂપ ધારણ કરાવી વિમાનમાં બેસાડીને ગોલોકમાં લઈ ગયા. એ રીતે જે નર, નારીઓ પ્રભુને પતિભાવે ભજે છે તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે.