ભાગ · અધ્યાય ૩૨૬

જાલંધર અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દેત્યોનું સૈન્ય અને વિષ્ણુ ભગવાનને જોઇને જાલંધર અતિ ક્રોધ કરી અસુરો, દૈત્યો, દાનવો, રાક્ષસોના સૈન્ય સાથે રણસંગ્રામમાં આવ્યો. દેવો અને અસુરોનું મહાભયંકર યુદ્ધ થયું. અસુરો, દેવોના અનેક શસ્ત્રોને પરાભવ કરતા હતા. ઇન્દ્ર સહિત દેવો નાસભાગ કરવા લાગ્યા. હું તમારી સાથે છું કોઇને મરવા નહીં દઉં. એમ કહી મરેલા દેવોને સજીવન કરતા હતા. શુક્રાચાર્ય દૈત્યોને સજીવન કરતા હતા. વિષ્ણુ ભગવાન અને જાલંધર સાળો બનેવી અસ્ત્ર-શસ્ત્રથી લડતા એકબીજાના આયુધો ભાંગી કાપી નાખતાં હતા. પૃથ્વીમાં, સમુદ્રમાં, સર્વે લોકમાં, બ્રહ્માંડમાં હાહાકાર થવા લાગ્યો. જાલંધર, વિષ્ણુ સાથે લડતા થાક્યો. એટલે વિચાર કર્યો જે થવાનું હશે તે થશે, મારે તો બેયકોર લાભ છે. મરીશ તો વિષ્ણુના હાથે મરીશ અને જીતીશ તો વિષ્ણુને જીત્યા એમ કહેવાશે માટે યુદ્ધ બંધ કરવું નથી. વિષ્ણુ કહે : તું શુરવીર છો, રણમાંથી ભાગતો નહીં, પણ મારે હાથે તારું મૃત્યુ નથી. માટે ભય પામતો નહીં. તું રુદ્ર પુત્ર ક્ષત્રિયનું પાલન કર્યું છે. માટે મારી પાસે વરદાન માગ. જાલંધર કહે : પ્રભુ તમે પ્રસન્ન થયા હો તો તમે મારી બહેન સાથે પાર્ષદો સાથે મારે ઘેર વાસ કરો. તે સાંભળીને વિષ્ણુ ભગવાન કહે : તથાસ્તું. એમ કહી લક્ષ્મી સાથે, પરિવાર સાથે જાલંધરને ઘરે ગયા. જાલંધરે વિષ્ણુની પૂજા કરી. વિષ્ણુ વચનથી બંધાઇને ગયા અને જાલંધરને ઘેર વસ્યા. વળી જાલંધરે બ્રહ્માંડમાં હાહાકાર વર્તાવ્યો. બ્રહ્માંડમાં વાત થવા લાગી. વિષ્ણુ પરાજ્ય પામ્યા. ભક્તાધિન ભગવાન સ્નેહભક્તિથી લક્ષ્મી અને સાળાને વશ થઇ ગયા.

દેવો સર્વે નિરાશ થઇ શંકર પાસે ગયા. સ્તુતિ કરી કહે : અમારું રક્ષણ કરો. શંકર નારદને બોલાવી કાર્ય કરવાનું કહ્યું. દેવો પાસેથી પૂજા ગ્રહણ કરી અને વિષ્ણુ પરાજ્ય પામ્યા. જાલંધરે અન્યાય કર્યો. એવું જાણી દેવોને સાંત્વના આપી નારદજી જાલંધર પાસે ગયા. નારદજીની પૂજા કરીને જાલંધર કહે : ગુરુ શું પધરામણી કરી ? નારદજી કહે : તારું શહેર, તારી સમૃદ્ધિ, આવું બ્રહ્માંડમાં ક્યાંય નથી. કોઇ ઇશ્વરોના લોકમાં પણ નથી, પરંતુ મેં એક રત્ન જોયું. તેની પાસે તારી સર્વે સમૃદ્ધિ ઝાંખી લાગે છે. જાલંધર કહે : ગુરુ એવું રત્ન કયું છે ? અને ક્યાં છે ? મને બતાવો, નારદજી કહે : કૈલાશમાં શંકર પાસે છે. તેના રૂપની આગળ સૂર્ય, ચંદ્ર, ઝાંખા લાગે એવું શંકર પત્ની પાર્વતીનું રૂપ છે અને શંકર તો જોગી જટાવાળા, રાખ ચોળનારા, સદા ધ્યાનમાં બેસનારા માટે શંકરને તે સ્ત્રી રત્ન નકામું છે. માટે તું જઇને તે રત્નને લઇ આવ તો તે મહાન કામ કર્યું કહેવાય. એટલું કહીને નારદજી દેવો પાસે આવ્યા. દેવો રાજી થયા પછી નારદજી વિષ્ણુ પાસે સત્યલોકમાં ગયા.