પુરુષોત્તમ માસની વદ બારસની તિથીની પૂજનવિધિ - જોષ્ટ્રીદેવી તથા બાર કન્યાઓ પુરુષોત્તમ નારાયણની પત્નીભાવને પામી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈરાટ નારાયણના ચરણથી પ્રગટ થયેલી જોષ્ટ્રીદેવી બ્રહ્માને સેવિકા દાસી રૂપે આપી. બ્રહ્માએ તેમાં માનસપુત્રીઓ પ્રગટ કરી. અનશન પુત્રી ઋષિને આપી. પીપાસા પિતૃઓને આપી. અશના દેવોને આપી. વાસના ભૂત-પ્રેત પિશાચને આપી. કરા રાજાઓને આપી. વ્યવસાય માનવોને આપી. પ્રસહ્યા દાનવોને આપી. વિલાસ દૈત્યોને આપી. વિશ્વાસા પશુ-પક્ષીને આપી. મેઘા વૃક્ષવેલીને આપી. કર્દમાં કીડાજંતુ પતંગિયાને આપી. આ રીતે બ્રહ્માએ બાર પુત્રી પ્રજાને આપી. જે રીતે વિપ્રોને ષટ્કર્મ ક્ષત્રિયોને શૂરવીરતા, વૈશ્યોને દાન આપનારા છે. તેમ સેવા કરનારા, દાસ વર્ગને સેવકને સેવા ધર્મ મોક્ષ આપનારો થાય છે. તપસ્વીઓને તપ, ત્યાગીઓને ત્યાગ, યજ્ઞ, જપ, ધ્યાન સર્વે સુખ મોક્ષ આપે છે. તે જ રીતે કૃષ્ણસેવા, માતૃસેવા, પિતૃસેવા, આત્મસેવા, દેવસેવા, જનસેવા, વૃદ્ધસેવા, આર્તીસેવા, પતિસેવા, સતીસેવા, પત્નીસેવા, ગાયસેવા, અનાથસેવા, અતિથિસેવા, સ્વામિસેવા વગેરે અનેક સેવાઓ આલોક-પરલોકમાં સુખ-શાંતિ અને મોક્ષ આપનારી છે. સર્વે સેવા બ્રહ્મ-દૃષ્ટિથી કરવી. શ્રદ્ધા અને ભાવના વિના સેવા થતી નથી. સ્વાર્થથી, ભાવનાથી, સકામથી, નિષ્કામથી વગેરે અનેક પ્રકારની સેવા કહેલી છે. સ્વાર્થની સેવા આ લોકનું સુખ આપે છે. સ્વાર્થ અને ભાવનાથી સેવા, સુખ અને ભક્તિ આપે છે. નિષ્કામ ભાવે કરેલી સેવા સુખ-શાંતિ, ભક્તિ અને મોક્ષ આપે છે. એ રીતે જોષ્ટ્રીદેવી બ્રહ્માની દાસી ભાવે સેવા કરતી.
ત્યાં અધિક માસની વદ દ્વાદશીનું નગારું બોલ્યું. આ વ્રત જે નિરાહાર, દૂધ-દહીં પીને, ફલાહાર, નકતભોજન, એકટાણું વગેરે કરીને પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તેની સર્વે ઈચ્છા પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કરશે. નહીં કરે તેની સંપત્તિ ચાલી જશે, યૌવન નાશ પામશે. શરીર ભસ્મ થઇ જશે. માટે શાશ્વતસુખ આપે એવી મારી કૃપા ગ્રહણ કરો. પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળીને જોષ્ટ્રીદેવી અને તેની બાર કન્યાઓ પુરુષોત્તમ માસની વદ બારશનું વ્રત દૂધ પીને, તેરસનું મંડપ કરી મંડળ પૂરી, પુરુષોત્તમ નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, નૈવેદ્ય, મિષ્ટાન્ન, દૂધપાક ધરીને, ધૂપદીપ, આરતી કરીને, પ્રદક્ષિણા સ્તુતિ કરી, ક્ષમા માંગી, રાત્રે જાગરણ કરી જોષ્ટ્રીદેવી તથા બાર કન્યાઓ ગીત વાજિંત્ર સાથે નૃત્ય કરી, પ્રભુને પ્રસન્ન કર્યા. ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇ બોલ્યા. તમારી સેવા ભક્તિથી રાજી થયો છું. બોલો ઇન્દ્રાણીપદ, બ્રહ્માણીપદ, વૈષ્ણવીપદ આપું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે બોલો. હું સેવકનો સેવક છું. શાસકનો શાસક છું. મિત્રોનો મિત્ર છું. શરણાગતનો રક્ષક છું. પુરુષોત્તમ નારાયણનું વચન સાંભળી જોષ્ટ્રીદેવી અને કન્યાઓ કહે : પ્રભુ અમે દાસી ભાવે, પત્ની ભાવે, તમારે શરણે આવ્યા છીએ. સ્વામીનો ધર્મ છે કે, પત્નીનું પ્રિય કરવું. પુરુષોત્તમ નારાયણ તેઓનો ભાવ જાણીને કહે, તમારા સર્વેના દિવ્યરૂપ કરીને એક રૂપે ધામમાં પત્ની ભાવે રહો અને બીજે રૂપે પૃથ્વી પર પ્રજામાં રહો. તે અશના, પીપાસા વગેરે ભગવાન લેખે કરે તો મનુષ્યોને મોક્ષ આપે છે તે જોષ્ટ્રીદેવી ઇન્દ્રની સંપત્તિરૂપે, બ્રહ્માની બ્રાહ્મી શક્તિરૂપે અને ધામમાં પત્નીરૂપે રહી. એ રીતે પુરુષોત્તમ માસની વદ બારસનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી પુરુષોત્તમ નારાયણની પત્નીભાવને પામ્યા. પુરુષોત્તમ માસની આ કથા જે વાંચશે, સાંભળશે તે પણ પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરશે.