ભાગ · અધ્યાય ૫૧૫

શ્રીકૃષ્ણનારાયણ દ્વારા દૈત્ય વક્ર અને ત્રિપુરાસુરથી શંકરની રક્ષા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વક્ર નામે દૈત્યે કેદારેશ્વરમાં હજાર વર્ષ તપ કર્યું. શંકર પ્રસન્ન થઇ કહે, વરદાન માંગ. દૈત્ય કહે, હું જેની માથે હાથ મૂકું તે ભષ્મ થાય. શંકર કહે, તથાસ્તુ. દૈત્ય શંકરના માથે હાથ મુકવા ગયો તો શંકર ભાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણનારાયણ મોહિની રૂપ લઇ દૈત્યને મોહ પમાડી નૃત્ય કરાવીને માથે હાથ મુકાવી ભષ્મ કર્યો. આવુ શંકરનું કાર્ય કર્યું તો પણ શંકરને ગર્વ રહ્યો કે, હું સૃષ્ટીનો સંહાર કરનારો છું.

એકવાર શંકર ત્રિપુરાસુરને મારવા રણમાં ગયા. અસુરે રથ ભાંગી શિવને મૂર્છીત કરી દીધા. ત્યારે પ્રભુએ આવી શિવને જગાડ્યા અને ત્રિશૂલ વગેરે આયુધો આપ્યા અને શંકરે અસુરનો નાશ કર્યો. પછી શંકર ઉદાસપણે રહેવા લાગ્યા. અતિ તીવ્ર વૈરાગ્યથી ભસ્મ વાઘચર્મ, ગજચર્મ, શાસન, મૃગચર્મ, હાથે પગે ડોકે સર્પો વિંટાયેલા, દિગંબર એવા ધ્યાન સમાધીમાં રહેવા લાગ્યા. એકવાર શંકર એકલા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો પ્રસાદ જમવાથી પાર્વતીએ શંકરને શાપ આપ્યો કે, મને મુકીને એકલા પ્રભુનો પ્રસાદ જમી ગયા તો આજથી તમારો પ્રસાદ એકલા કોઇ જમશે તે એક જન્મ કૂતરાને પામશે. શંકર પાર્વતીને શાંત કરી આંસું લુછીને કહે, હવે પ્રભુ માટે પકવાન બનાવો. આપણે બન્ને પ્રસાદ જમીએ. પછી પાર્વતીએ પકવાનથાળ તૈયાર કર્યો. પ્રભુ આવી થાળ જમ્યા. શંકરે પાર્વતીને પ્રસાદ આપી આશિર્વાદ આપ્યો કે, આજથી મારી મૂર્તિનો પ્રસાદ જમવો અને મૂર્તિ અને લિંગ સાથે હોય તો તે પ્રસાદી ગ્રહણ કરવી પણ એકલા શિવલીંગની પ્રસાદી ગ્રહણ ન કરવી. શિવલીંગની પ્રસાદી ચંડ, પ્રચંડ આદિ ગણો માટે નિર્માણ કરેલી છે.

નારાયણ કહે : લક્ષ્મી, શંકર મારું સ્વરૂપ છે. મને અર્પણ કર્યા વિના કાંઇ પણ ગ્રહણ કરતા નથી. તેથી શંકર દિવ્ય નિર્ગુણ મૂર્તિ છે અને તે શિવ-પાર્વતી મારી ભક્તિ પ્રવર્તાવવા પૃથ્વી પર વિચરે છે.