અગ્નિ દ્વારા હાથી, પોપટ, દેડકાં, માછલી તેમજ કાચબાંને શાપ અને આશિર્વાદ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુરમાં પૂર્વે પ્રતાપી રાજા હતો. તેને બે પુત્ર હતા. એક દેવાપી બીજો શંતનું. રાજા મરણ પામ્યો. દેવાપી વનમાં તપ કરવા ગયો. શંતનું ગાદીએ બેઠો. ત્યાં ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. પ્રજા ભુખ-તરસથી પીડાવા લાગી. લોકો ધર્મ કર્મ વ્રતહીન થયા. માતાપિતા બાળકો તજી દેતા. પતિ પત્ની તજી દેતો. એવો સમય આવવાથી વિશ્વામિત્ર ઋષિઓ ભુખ-તરસથી પીડાઇને ફરતા હતા. ક્યાંય પણ ખાવાનું ન મળવાથી આપત્કાળનો ધર્મ જાણી ચારેકોર મરેલા પડેલા શબોમાંથી એક મરેલું કૂતરું લઈ તેને રાંધી પિતૃ તર્પણ કરી યજ્ઞમાં હોમવા ગયા. ત્યાં અગ્નિ અદૃશ્ય થયો.
ઋષિઓ દેવી સાથે અગ્નિને ગોતવા નીકળ્યા. ત્યાં વનમાં હાથી મળ્યો તેને પૂછ્યું, અગ્નિ જોયો. હાથી કહે, વાંસના વનમાં છે. અગ્નિએ હાથીને શાપ આપ્યો. તારી જીભ ટુંકી થશે. એમ કહી આગળ ગયો. દેવો આગળ વધ્યા. ત્યાં પોપટ મળ્યો. તેને પૂછ્યું તે અગ્નિને જોયો. પોપટ કહે, આ ખીજડાની બખોલમાં છે. મારા બચ્ચા પણ ત્યાં હતા. અમે સર્વે દાઝયા અને ભાગ્યા. અગ્નિએ જાણ કરવા બદલ પોપટને શાપ આપ્યો. તારી વાણી સ્પષ્ટ કોઇને સમજાશે નહીં. ત્યાંથી અગ્નિ પુષ્કર તીર્થમાં આવ્યો અને પાણીમાં રહ્યો. દેવીએ પાણીમાં રહેલા માછલાને પૂછ્યું, તમે અગ્નિને જોયો. માછલાઓએ કહ્યું, પાણીમાં છે. અગ્નિએ માછલાને શાપ આપ્યો. તમને તમારી જાતિના જ ખાઇ જશે. ત્યાંથી અગ્નિ અશ્વપટ સરોવરમાં આવ્યો. દેવોએ કુંકુમવાપી આવી કાચબાને પૂછ્યું, અગ્નિ ક્યાં છે ? કાચબાએ કહ્યું, અશ્વપટ સરોવરમાં છે. ત્યાં અગ્નિએ કાચબાને શાપ આપ્યો કે, તમારો વંશ વૃદ્ધિ નહીં પામે. એમ શાપ આપી હાટકેશ્વર નાગમતી નદીમાં આવ્યો. ત્યાં દેડકાઓને શાપ આપ્યો. દેવોને જે નૈવેધ ધરાયેલું હોય તે તમે ચોરી ખાનારા થશો. પછી બ્રહ્મા કહે, અગ્નિ તું સર્વે દેવોમાં મુખ્ય છે. તારામાં હોમ થાય તે સૂર્યને પહોંચે તેનાથી વૃષ્ટિ થાય. તેથી અન્ન પાકે સર્વજગત સંતોષ પામે તારે આશ્રયે સર્વે જીવે છે.
અગ્નિ કહે, ઈન્દ્રે વરસાદ ન કર્યો. એટલે વિશ્વામિત્ર મને માંસ અર્પણ કર્યું. તે અભક્ષ્યથી હું ભય પામ્યો. બ્રહ્મા કહે ઈન્દ્રે વરસાદ કેમ ન કર્યો. ઈન્દ્ર કહે, મોટોભાઇ દેવાપીને તજીને શંતનું ગાદીએ બેઠો તેથી. બ્રહ્મા કહે, તે પાપે તો શંતનું ગાદી ભોગવશે. પણ પ્રજા દુ:ખી થાય છે. માટે ઈન્દ્ર વૃષ્ટિ કર, પછી ઈન્દ્રે વૃષ્ટિ કરી. સર્વત્ર દેવ, ઋષિઓ, મુનિઓ, માનવો સુખી થયા. અગ્નિ પણ અનેકરૂપે હવિષ્યાન્ન જમતો. પછી અગ્નિએ જેને શાપ આપ્યા હતા. તેને આશિર્વાદ આપ્યા. હાથીને કહ્યું તું રાજ સન્માન પામીશ. પોપટને કહ્યું, તે બોલીશ તે સર્વને ગમશે. દેડકાને કહ્યું, તમે બોલશોને વરસાદનું સુચન ગણાશે. માછલાને કહ્યું, તમારા એકથી સો માછલા થશે. કાચબાને કહ્યું, તમારી આવરદા સો વર્ષની રહેશે, અને તમારા વંશમાં ભગવાન અવતાર ધારણ કરશે. એ રીતે પ્રજા સુખી થઈ.