આત્મનિવેદી ભક્તો માટે શ્રીહરિની પૂજાવિધિનું વર્ણન
શ્રીનારાયણ કહે : શ્રીહરિના અનન્ય આત્મનિવેદી ભક્ત તેણે સવારે, બપોરે અને સાંજે ષોડ્શોપચારથી શ્રીહરિનું પૂજન કરવું. પ્રભુને સ્નાન વસ્ત્ર આભૂષણો ભોજનપાન, મુખવાસ, પુષ્પાંજલી, આરતી, દંડવત્, નમસ્કાર કરી ક્ષમા પ્રાર્થના કરવી. શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરાવી ઉનના વસ્ત્રો પહેરાવવા. ઉનાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવી સુક્ષ્મ વસ્ત્રો પહેરાવવા. ઋતુ પ્રમાણે ફળ ફૂલ ભોજન આપવા, ઉનાળામાં સુગંધી ચંદન, સાકરીયા, સરબત વગેરે આપવા. અત્તર, તેલ, ફૂલેલ સુગંધીમાન આપવા. ધૂપ-દીપ કરી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તથા પ્રભુને કોમળ શય્યામાં, ગાદલું, ઓછાડ, રજાઈ, ઓશિકા વગેરે અર્પણ કરવા તથા શ્રીહરિની ડાબી બાજુ જયા, લલિતા, રાધા, લક્ષ્મી, શ્રી શિવા, માણકી, પ્રભા, પાર્વતી, હંસા, મંજુલા, શાંતા, મંછા, સરસ્વતી, દુર્ગા, ગંગા, કમલા, સાવિત્રી, વીરજા વગેરે ભગવાનની પત્નીઓના આસનો કલ્પવા.
પ્રભુને લાલ વસ્ત્ર ધરાવવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે. પીળું વસ્ત્ર ધરાવવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ભગવાનને શ્વેત વસ્ત્રો ધરાવવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. નીલ વસ્ત્રો ન ધરાવવા. વસંતમાં શ્વેત, ફાગણમાં કેશરી, અષાઢમાં કસુંબલ, આસોમાં જરીના વસ્ત્રો ધરાવવા. નિત્ય નવા વર્ણના વસ્ત્ર ધરાવવા. ઉત્સવમાં ચિત્રવિચિત્ર રંગના વસ્ત્ર ધરાવવા તથા નૈવેધમાં દૂધ, દહી, ઘી, મધ, સાકર, ગોળ, મધ વગેરે રસો ધરાવવા તથા સર્વ ફળો, સર્વ શાક, ચીભડા, કાકડી, વગેરે ધરાવવાં તથા શ્રીખંડ, દૂધપાક, બાસુંદી, સર્વ મિષ્ટાન્નો, સર્વ ફરસાણ, સર્વ અથાણા, પાપડ વગેરે નૈવધ ધરીને પ્રભુને પ્રેમથી પ્રાર્થના કરવી. હે પ્રભુ, તમે પ્રેમથી આરોગો, ઈચ્છા પ્રમાણે જમો. પછી પ્રભુને મુખવાસ આપવો. પછી પગચંપી કરવી.
અશુદ્ધ શરીરથી ભગવાને ન અડવું. મંદિરમાં મુંગે મોઢે જવું. અશુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરવો. મંદિરમાં અપશબ્દો બોલવા નહિં. ગ્રામ્ય વાર્તા કરવી નહીં. પ્રભુને પીઠ બતાવવી નહિં. અશુદ્ધ વસ્ત્ર પહેરવા નહિં. અશુદ્ધ હાથે ભગવાનને અડવું નહીં. સમય વિના પ્રભુને જગાડવા નહીં. રાજા શ્રીમંત માટે પણ કુસમયે જગાડવા નહીં. પડદો આડો રાખ્યા વિના વસ્ત્ર, આભૂષણો, પુષ્પમાળા વગેરે ધરાવવા નહીં. આવી રીતની ભક્તિ કરનારા મર્યાદા પાળનારા મારા આત્મનિવેદી ભક્તો ત્યાગી હોય કે ગૃહસ્થો હોય તો દેહ મુકીને વૈકુંઠ, ગૌલોક, અક્ષરધામ અને પરમધામમાં જાય છે. એવા ભક્તોનું અકસ્માત મૃત્યુ થવાથી પણ મારી દીક્ષાવાળા મારામાં ચિતવાળા ભક્તો મારા ધામમાં લક્ષ્મી અને વિષ્ણુ સમાન થાય છે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અક્ષરધામમાં સીમ પ્રદેશમાં અસંખ્ય ગોલોકાદિ ધામો છે. તેમાં મારા ભક્તો દિવ્ય ભોગને ભોગવે છે તેમાંથી વિરામ પામીને પછી પરમધામમાં જાય છે અને મારી મૂર્તિને સુખે સુખીયા થાય છે.