રુકમાંગદ રાજાની એકાદશી વ્રત પ્રત્યેની દૃઢતા
આ અધ્યાય 289–290 સંયુક્ત છે
પુત્ર ધર્માંગદે પિતાના તથા અપરમાતાના દર્શન કર્યા. યાત્રામાં આવવાનું કહ્યું. મોહિનીએ ના કહી. રુકમાંગદ રાજાએ પુત્રને, પત્નીને સર્વે વૃતાંત કહ્યું. મોહિની કહે : સર્વે સાંભળો અન્ન છે તે સર્વેના પ્રાણ છે. અન્ન ન ખાવું તે તો યતિ, સાધુ, તપસ્વીનો ધર્મ છે. તે રાજાએ શા માટે ગ્રહણ કરવો, ત્યારે રાજા તથા ઋષિએ કહ્યું - શ્રીહરિની આજ્ઞા છે તે સત્ય છે. તપ, ધર્મ, ભક્તિ તે સર્વે આજ્ઞામાં રહેલું છે. ત્યાં નારદ, કાત્યાયન, વસિષ્ટ વગેરે ઋષિઓએ આવીને કહ્યું, એકાદશીએ જે અશક્ત હોય તેણે દૂધ-ફરાળ અથવા અન્ન લેવા તેનો દોષ નથી પણ સશક્ત હોય તેણે ઉપવાસ કરવો. એકાદશીએ જે વ્રત ન કરે તે શિવનો, દેવનો, વિષ્ણુનો, ગણેશનો, કોઇના ભક્ત નથી તે પશુસમાન છે. ઋષિઓનું વચન સાંભળી રાજા કહે : અગ્નિ ઠંડો પડી જાય, સમુદ્ર સૂકાઇ જાય તોય વ્રતભંગ નહીં કરું.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મોહિની પોતાનું કાર્ય કરવા માટે અતિ ક્રોધ કરી બોલી તો હું તમારી પત્ની નથી તમે મારા પતિ નહીં. વચન આપીને ફરી જાવ છો તો તમારે ધર્મ નથી. ધર્માંગદ અને તેની માતા કહે : મોહિની તને અમે પગે લાગી છીએ તું આવો ખોટો આગ્રહ ન રાખ. સ્ત્રી પતિને પોતાનું ધાર્યું કરાવે છે. જે સ્ત્રી પતિની આજ્ઞામાં નથી રહેતી તે મરીને નરકમાં જાય છે. એ પછી ભૂંડથી છછૂંદર કાગડી, શિયાળવી, ગરોડીના જન્મને પામે છે. તેથી તું પતિવ્રતા સ્ત્રી નથી પણ પતિ અને પુત્રના પ્રાણ હરનારી છો. મોહિની કહે : તું પતિવ્રતા હો તો તારા પતિને બદલે તારા પુત્રનું મસ્તક આપી દે. જો રાજાને એકાદશી અન્ન ન ખાવું હોય તો રાજા તલવારથી પુત્રનું માથું કાપી મને આપે. ત્યારે ધર્માંગદ કહે : પિતાજી મારું માથું કાપી મોહિનીને આપો એટલે તમારી પ્રતિજ્ઞા સત્ય રહે અને મોહિની શાંત થાય. ધન, સ્ત્રી, ઘર, દેશ, સ્વર્ગ, મિત્ર, તીર્થ, ધર્મ, પુત્ર-પત્ની બધું તજી દેવું પણ હરિવાસર એકાદશી વ્રતનો ત્યાગ ન કરવો. અંતે રુકમાંગદ રાજાએ પોતાના પુત્ર ધર્માંગદનું મસ્તક ખડગથી કાપી નાખ્યું. ચારે કોર હાહાકાર થયો. મોહિની અતિ દુ:ખ પામી શોક કરવા લાગી અરે મારું કાર્ય થયું નહીં અને પુત્ર હત્યા લાગી. યમપુરી માર્ગ ખુલ્લો કરવાને બદલે મારે યમપુરીમાં જવું પડશે.
આકાશમાં રહેલા શ્રીહરિએ તરત પ્રત્યક્ષ થઇને પુત્રનું મસ્તક હાથમાં લઇને કહે : રાજા તેં તારી પત્નીએ, તારા પુત્રે મોહિનીરૂપી મારી માયા જીતીને મારું વ્રત કરીને યમને માથે પગ દઇને પુત્રનું મસ્તક કાપીને મારી ભક્તિ કરીને મને પ્રસન્ન કર્યો છે. માટે ચાલ પત્ની-પુત્ર સેવકો સહિત વિમાનમાં બેસી જાવ ચાલો. ધામમાં સર્વે ચતુર્ભૂજરૂપ ધારણ કરી શ્રીકૃષ્ણ જેવા તેજસ્વી થઇ ધામમાં ગયા. આકાશવાણી થઇ ધર્મનો જય થાવ, દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. યાત્રાળુઓએ તેઓના પંચભૌતિક શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. મોહિની શોક કરવા લાગી. દેવો કહે : તે પ્રયત્ન તો ઘણો કર્યો પણ ફળ દૈવને આધીન છે. માટે શોક ન કર. ત્યાં રાજાના ગુરુ વસુ આવ્યા. દેવોને અને પુત્ર-પતિનો ઘાત કરનાર મોહિનીને ધિક્કાર છે એમ કહી પાણીની અંજલિ છાંટી મોહિનીને બાળીને ભસ્મ કરી દીધી. સર્વે કહેવા લાગ્યા ક્રોધને શાંત કરો, શાંત કરો.