ભાગ · અધ્યાય ૫૮૦

સોમેશ્વર - વ્યાસ - માર્કન્ડેય અને જલશાહી તીર્થની કથા - શુદ્ધિ-અશુદ્ધિ જ્ઞાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે શંબર રાજાનો પુત્ર ત્રીલોચન તેનો પુત્ર કંઠ નામે હતો. તે પાપી અને હીંસક હતો. એકવાર મૃગના ટોળામાં બાણ મારતા એક બ્રાહ્મણ મૃગરૂપે હતો તે મરી ગયો. તેને બ્રહ્મહત્યા લાગી તેથી ફરતો ફરતો નર્મદા તીર્થમાં આવ્યો અને પાણી પીધું. ત્યાં એક બ્રાહ્મણ સોમેશ્વર મહાદેવનું પૂજન કરવા આવ્યો. તે બ્રાહ્મણ કંઠરાજા પાસે આવી કહે, અર્ધ ગાઉ ઉપર એક સ્ત્રી રૂદન કરતી કહે છે કે, હું કંઠ રાજાની બ્રહ્મહત્યા છું. અહીં તીર્થમાં જો તે રહેશે તો હું તેને વળગી શકીશ નહિં. આ લોકમાં ચોર લૂંટારાને દંડ આપનારા રાજા છે અને ગુપ્ત પાપીઓને દંડ આપનારા યમરાજા છે. પરંતુ આ તીર્થમાં કોઇ દંડ આપી શકતું નથી. બ્રાહ્મણનું વચન સાંભળી કંઠ રાજા તીર્થનો મહિમા જાણી નર્મદાના સોમેશ્વર તીર્થમાં સ્નાન કરી શ્રીકૃષ્ણનારાયણનો જપ, સ્મરણ, ધ્યાન કરતો કહે, પ્રભુ મારી સદ્ગતિ કરજો. એમ કહી અગ્નિ પ્રગટાવી તેમાં પ્રવેશ કર્યો. તરત દિવ્ય વિમાન આવ્યું. તેમાં બેસી અનંતમુક્તોથી સેવાયેલા, લક્ષ્મી માણિકીથી સેવાયેલા, પ્રભા, પાર્વતી, હંસા, મંજુલાથી સેવાયેલા, ચંપા, દયા, રમા, હેમી, દેવી, મુક્તોથી સેવાયેલા એવા શ્રીહરિના ધામમાં ગયો.

એકવાર જલશાયી પ્રભુ સુદર્શન ચક્ર લઇને ગરૂડ પર બેસી આવ્યા. હિમાલયમાં યુદ્ધ થયું. શ્રીહરિએ ચક્રથી નલમેઘ અને ધુંધુમારને મારી નાખ્યો. તેની ચૌદ હજાર કન્યાઓ હિમાલયની ગુફામાં રાખી હતી. તેથી દૈત્યોની સર્વે દેવીઓ, દૈત્યનો નાશ સાંભળીને શ્રીકૃષ્ણનારાયણને વરી. શ્રીહરિ સર્વ પત્નીઓ સાથે નર્મદામાં જલશાયી તીર્થમાં સ્નાન કરી સર્વ પત્ની સાથે અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવ્યા. સર્વ દેવીઓ લોમશઋષિ પાસે મંત્ર લઇ ત્યાં વાસ કરતી હતી અને શ્રીહરિની દિવ્ય કથાઓ સાંભળતી હતી.

આ લોકમાં જે નરનારીઓ સાક્ષાત્ પ્રભુના યોગને પામે છે. તે દિવ્ય થાય છે. પૂર્વે ચંડમુંડે તપ કરી સૂર્ય-ચંદ્રની સ્થાપના કરી ત્યાં વ્યાસતીર્થ, માર્કન્ડેયતીર્થ વગેરે અનેક તિર્થોમાં ફરીને શંકર-પાર્વતી કૈલાશમાં ગયા હતા. તે નર્મદા સાગર સંગમમાં સ્નાન, દાન, પિતૃ તર્પણ કરશે તેના સાત કુળનો હું ઉદ્ધાર કરી મોક્ષમાં લઈ જઈશ. જે તીર્થમાં રહેલો મને જાણે છે તેને તીર્થનું ફળ મળે છે.

લક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, અશુદ્ધિમાં હોય ત્યારે સ્ત્રી તમારી પૂજા કઇ રીતે કરી શકે ? શ્રીનારાયણ કહે : સ્ત્રીભક્તોના સુખ અને મોક્ષ માટે તે સારું પૂછ્યું. બાળકની સેવામાં રહેલી, કપડા ધોવામાં રોકાયેલી, પતિ સેવામાં, ઘરકામમાં રહેલી, ઋતુધર્મમાં રહેલી, આવી અનેક અશુદ્ધિમાં સ્ત્રીઓ રહેલી છે. તેથી મારા ભક્ત સ્ત્રીઓના મનમાં હું સદા વાસ કરું છું. બ્રહ્માએ સ્ત્રીઓના શરીર સ્વભાવથી શુદ્ધ જ નિર્માણ કરેલા છે. સ્ત્રીરૂપી ક્ષેત્ર તે સર્વથા શુદ્ધ છે. અશુદ્ધ કાર્યોમાં પણ સ્ત્રી શુદ્ધ જ છે. સ્ત્રીઓ સ્નાન માત્રથી શુદ્ધ થાય છે. સ્ત્રીઓએ રજસ્વલા ધર્મમાં ચાર દિવસ મારા દૂરથી દર્શન કરવા. ત્યારે માનસી પૂજા કરી લેવી. તેથી હું સંતોષ પામું છું.

હે લક્ષ્મી, આલોકની શુદ્ધિ અશુદ્ધિ મને સ્પર્શ કરતી નથી. મારા યોગમાં અશુદ્ધિ દિવ્યપણાને પામે છે. પરંતુ આચારશુદ્ધિના રક્ષણ માટે સર્વ નિયમો કરેલા છે. મન બુદ્ધિ મારામાં રાખી, ઇદ્રિયોનો નિગ્રહ કરી જે મારી આંતર પૂજા, બાહ્ય પૂજા કરે છે, તેના દોષને હું ગણતો નથી. મારી ભક્તિ કરનારો મારામાં મન રાખનારો કર્મ કરવા છતાં સિદ્ધીને પ્રાપ્ત કરે છે. જાગૃતમાં સ્વપ્નમાં જોવામાં સાંભળવામાં જે મારામાં જ ચિત રાખે છે તે બ્રાહ્મણ હોય કે ચાંડાલ તેની હું પ્રસંશા કરું છું. તેથી સ્ત્રીઓ મારી મૂર્તિમાં મનને રાખી મારી પ્રેમ પરાયણ ભક્તિ કરવાથી મારા ભાવને પામે છે. સ્ત્રીઓ પાંચમે દિવસે ઋતુ દાનથી શુદ્ધ થાય છે. શુદ્ધિ માટે તથા પુત્ર માટે ઋતુદાન તે ગૃહસ્થોને બ્રહ્મચર્ય કહેલું છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એ રીતે પુરુષો દાસભાવે અને સ્ત્રીઓ દાસીભાવે મારી ભક્તિ કરી મારાધામને પામે છે. અજ્ઞાનથી મોહ પામેલા મને ન જાણનારા એવા મૂંઢ મનુષ્યો મને ઓળખી શકતા નથી. મારી ભક્તિ કરી શકતા નથી. તેથી ચોરાશીના ફેરામાં ફરતા તેનો અંત આવતો નથી.