પતિવ્રતા પદ્માવતી અને લક્ષ્મીરૂપ શ્રીમતીની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હજારો સ્ત્રીઓમાં વૈષ્ણવી શ્રેષ્ટ છે. હજારો વૈષ્ણવીઓમાં સ્વામીવ્રતવાળી પતિવ્રતા શ્રેષ્ટ છે. ત્રિશંકુરાજની પત્ની પદ્માવતી પતિવ્રતા સાથે શ્રીકૃષ્ણનારાયણની પરમ ભક્તાણી હતી. તેણે દસ હજાર વર્ષ સુધી ભક્તિ કરી. ત્યારે નારાયણ એકવાર પ્રસન્ન થઈ બોલ્યા કલ્યાણી, તારી શું ઈચ્છા છે. પદ્માવતી કહે : પ્રભુ, મહાભાગવત ભક્ત એક પુત્ર આપો. પ્રભુ કહે, તથાસ્તુ. એમ કહી ફળ આપ્યું. રાણીએ તે વાત ત્રિશંકુ રાજાને કહીને ફળ ખાધું તેથી સર્વગુણે સંપન્ન મહાન ભક્ત અંબરીષ પુત્ર થયો. મોટા થતા તેના પિતા એ અંબરીષરાજાને રાજ્ય સોંપી તપ કરવા ગયા. અંબરીષ રાધાલક્ષ્મી સહિત નારાયણ પુરુષોત્તમનું પૂજન કરવા લાગ્યો. શ્રીનારાયણ ઈન્દ્રનું રૂપ લઈ રાજાને કહે, માંગ શું જોઇએ ? અંબરીષ રાજા કહે, હું સ્વર્ગમાં ભોગ માટે કે આલોકની કોઇપણ ઈચ્છાથી તપ ભક્તિ નથી કરતો. હું તો પ્રભુ પ્રસન્ન કરવા ભક્તિ કરું છું. શ્રીનારાયણ ચતુર્ભુજ રૂપે દર્શન આપી કહ્યું, હું તારા પર પ્રસન્ન થયો છું. ભક્ત તારે શું ઈચ્છા છે.
અંબરીષરાજા કહે : પ્રભુ હું તમારી ભક્તિ કરી આખા જગતને વૈષ્ણવ ભક્ત બનાવું. યજ્ઞ હોમી દેવોને તૃપ્ત કરું. ભક્તિનું પાલન કરી ધામમાં મોકલું. એ વરદાન આપો. પ્રભુ કહે, તથાસ્તુ. એમ કહી સુદર્શનચક્ર આપ્યું. આ ચક્ર રોગ, દુ:ખ, શોક, તપ, શાપ, સર્વેનો નાશ કરશે. અબરીષરાજાએ ચક્રને સિંહાસનમાં પધરાવી માતા પદ્માવતી સાથે તેનું પૂજન કરતો. એકવાર હિમાલયમાં બહું વિૃષ્ટ થઈ ત્યારે પદ્માવતીએ શ્રીહરિને કહ્યું, ભગવંત સાકેત નગરીનું રક્ષણ કરો. વૈષ્ણવ ભક્તનું રક્ષણ કરો. પતિવ્રતા પદ્માવતીની પ્રાર્થનાથી સુદર્શન ચક્રે આકાશમાં રહેલા મેઘના વાદળાનો નાશ કર્યો. એકવાર અંબરીષ રાજાને ત્યાં નારદ આવ્યા. અંબરીષ રાજાએ પુત્રી શ્રીમતીનું ભાગ્ય પૂછ્યું. ત્યાં નારદ હસ્તરેખા જોવા લાગ્યા. ત્યાં પર્વત ઋષિ આવ્યા ને બન્નેએ કન્યાની માંગણી કરી. અંબરીષ રાજા કહે, કાલે સ્વયંવરમાં આવજો. કન્યા ઈચ્છા પ્રમાણે વરશે. નારદને પર્વત વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા. પરસ્પર એકબીજાના રૂપ સારા માગ્યા અને બીજાનું રૂપ વાંદરા જેવું થાય. તેવું માંગ્યુ. ભગવાન કહે, તથાસ્તુ. બીજે દિવસે સ્વયંવરમાં ગયા આગળ બેઠા. કન્યા, શ્રીમતી બન્નેના વાંદરાના રૂપ જોઇ ભય પામી દૂર જતી રહી. ત્યાં નારાયણ આવ્યા. એટલે કન્યાએ વરમાળા પ્રભુને પહેરાવી. પ્રભુ શ્રીમતીને લઈને વૈકુંઠ જતા રહ્યા પછી નારદને પર્વતઋષિ વૈકુંઠમાં પ્રભુના દર્શને ગયા. ત્યાં શ્રીમતી કન્યાને પ્રભુની પાસે સિંહાસનમાં બેઠેલી જોઇ.
નારદે અને પર્વતે પ્રભુને શાપ આપ્યો કે, અમારા રૂપ વાંદરાના બનાવી તમે કન્યા લઇ ગયા પણ તમે વાંદરાની સહાયથી સ્ત્રીને ફરી પામશો. પ્રભુએ બન્નેનો શાપ ગ્રહણ કરી કહ્યું કે, આ શ્રીમતી પૂર્વે માંર્કંડેય ઋષિની માનસ પુત્રી હતી. તે કંભરાલક્ષ્મી સાથે તપ કરતી હતી. તે મને પતિભાવે ઈચ્છતી હતી. તેથી હે નારદ-પર્વત તેનો સંકલ્પ પૂરો કરવા મેં સ્વયંવરમાં તેની વરમાળા ગ્રહણ કરી. ત્યાં તો અંબરીષ રાજા પાસે રહેલું સુદર્શનચક્ર નારદ અને પર્વતની પાછળ થયું. બન્ને મુનિઓ ત્રીલોકીમાં ફર્યાં. કોઇએ રક્ષણ ન કર્યું. વૈકુંઠમાં પ્રભુ પાસે આવી કહ્યું, હે ભગવાન કન્યાને તમે લઈ ગયા અને સુદર્શન અમારી પાછળ પડ્યું છે. માટે અમારું રક્ષણ કરો. દયાળુ પ્રભુએ ચક્રને પાછુ વાળ્યું. પછી બંને મુનિઓએ નિશ્ચય કર્યો. આજથી આ શરીર રહે ત્યાં સુધી કોઇ દિવસ લગ્ન કરવાનો સંકલ્પ ન કરવો. પછી અંબરીષ રાજા શ્રીહરિની ભક્તિ કરી ધામમાં સેવામાં રહ્યા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ પતિવ્રતા પદ્માવતી તથા લક્ષ્મીરૂપ શ્રીમતીની કથા કોઇ કહેશે, વાંચશે સાંભળશે તે ભુક્તિ અને મુક્તિને પામશે.