ભાગ · અધ્યાય ૧૩૦

શંકરનું ત્રિપુંડ, ભસ્મ અને રૂદ્રાક્ષ ધારણ કરવાનું કારણ

લક્ષ્મીજીએ પૂછયું : હે નારાયણ, તો પછી શંકર ત્રિપુંડ, ભસ્મ અને રૂદ્રાક્ષ કેમ ધારણ કરે છે ? શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, પૂર્વે નમુચી દૈત્ય ત્રિલોકીનું શાસન કરી દેવોને દુ:ખ આપતો હતો. દેવો વિષ્ણુ પાસે ગયા. દુ:ખથી મુક્ત કરવા સ્તુતિ કરી. વિષ્ણુએ શંકરને બોલાવીને કહ્યું - તમે નમુચી દૈત્યને મોહ પમાડવા કપટ ધર્મનું, પાખંડ ધર્મનું આચરણ કરી તેનો નાશ કરો. ત્યારે શંકર કહે : વૈષ્ણવપણાનો ત્યાગ કરું વૈષ્ણવના ચિહ્નોનો ત્યાગ કરું તો તો મારો નાશ થાય. વિષ્ણુ કહે : મારી આજ્ઞાથી પરોપકારને માટે તમને બાધ નહીં આવે. મારી આજ્ઞામાં રહી મારો જપ કરનાર સંસારમાં ક્યાંય બંધાતો નથી. માટે “ૐ હરયે નમ:” આ મંત્ર બોલી તમે મારી આજ્ઞાનું પાલન કરો. મારી આજ્ઞા છે, તેજ ધર્મ છે. કામ, ક્રોધ, લોભ, કપટ હિંસા વગેરે દોષ છે. છતાં જો મારી આજ્ઞામાં હોય તો તે ધર્મ છે. તેથી જેમ હું નિર્લેપ છું, તેમ તમે પણ નિર્લેપ રહેશો. પછી શ્રીહરિની આજ્ઞાથી શંકરે વૈષ્ણવ ચિહ્નો તિલક, કંઠી, માળા વગેરે બહારથી ત્યાગ કરી હૃદયમાં રાખ્યા. બહાર ભસ્મ, અસ્થિ, કપાલ, મૂંડમાળા, સ્નાન રહિત વગેરે તામસી ધર્મો સ્વીકારી ફરવા લાગ્યા. દૈત્યો પણ તેવી રીતે શંકરને જોઇ પોતે આચરણ કરવા લાગ્યા. પાશુપત શાસ્ત્રો પ્રમાણે દારૂ-માંસનું ભક્ષણ કરવા લાગ્યા. સ્નાન-દાનથી યજ્ઞ, સત્કાર્યોથી રહિત થયા તેથી તે નમુચી વગેરે દૈત્યોની શક્તિ ઓછી થઇ તેથી દેવોએ દૈત્યોને જીતી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. તેથી જે તામસી છે, દૈત્યો છે તેમને તામસી દેવ જાણીને ભાંગ-ગાંજો ધરે છે. પણ હું શ્રીહરિના સાત્વિક પ્રસાદ વિના કાંઇ પણ ગ્રહણ કરતો નથી.