પુરુષોત્તમ માસની વદ દશમની તિથીની પૂજનવિધિ - રાધાપુત્રી વિકુંઠાનો છ ધામમાં લક્ષ્મી સ્વરૂપે વાસ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અધિક માસના દેવ પુરુષોત્તમ થયા ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુએ ગોલોકમાં રાસોત્સવ કર્યો ત્યારે રાધાજીએ શ્રીકૃષ્ણ પાસે પુત્રીની યાચના કરી. પુત્રી વિના સૌભાગ્ય અડધું ગણાય છે. માતાની સેવા કરવામાં પુત્રીનીસમાન પુત્રવધૂ કે દાસી કે કુટુંબ થતા નથી. પુત્ર છે તે પિતાનું સ્વરૂપ છે. પુત્રી છે તે માતાનું સ્વરૂપ છે. માતાનું સર્વે કામ કરનારી પુત્રી છે. તેથી હે પ્રભુ, મને પુત્રી આપો. શ્રીકૃષ્ણ ભગવાને માનસ સંકલ્પથી પુત્રી પ્રગટ કરી. ગોલોકમાં સર્વે ગોપ-ગોપીઓ રાધા પુત્રીનું રૂપ જોઇ ઝાંખા પડી ગયા. સર્વેની વૃત્તિને રોકીને કુંઠિત કરી દે એવી તેજસ્વી પુત્રીનું નામ શ્રીકૃષ્ણે વિકુંઠા પાડ્યું. તે વિકુંઠા પિતા કૃષ્ણની સાથે નિત્ય અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા જતી. અનંત કૃષ્ણથી, નારાયણોથી મુકતોથી, સેવાયેલા અતિ મનોહર પુરુષોત્તમ નારાયણની પૂજા કરી પાછા વળ્યા ત્યારે વિકુંઠાનું અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાં ચિત્ત અતિ ખેંચાઇ ગયું. તેથી પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું જ ધ્યાન સ્મરણ કીર્તન પૂજન કરતી, અને પુરુષોત્તમ નારાયણને પતિ ભાવે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતી. ત્યાં શ્રીહરિનું નગારું વાગ્યું, પુરુષોત્તમ માસની વદ દશમીનું જે નર-નારી, કન્યા કોઇ દીન માનવ કરશે તેને અક્ષરાધિપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ જે ઈચ્છશે તે આપશે. પુરુષોત્તમ નારાયણનું પૂજન કરીને માગવામાં, પ્રાર્થના કરવામાં, સંકોચ ન કરતા. આવું કૃપાવાક્ય સાંભળીને વિકુંઠા પુરુષોત્તમ નારાયણને પતિભાવે પ્રાપ્ત કરવા દશમીનું વ્રત કર્યું.
સવારે ષોડ્શોપચારે પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી, નૈવેદ્ય, ભોજન જમાડી, ફળફૂલ ધરાવી, આરતી કરી, સ્તુતિ કરી, જાગરણ કરી, ધૂન-કીર્તન કર્યાં. ત્યાં કોટિ કૃષ્ણસમાન તેજસ્વી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇને બોલ્યા : તારી ભક્તિથી વ્રતથી પ્રસન્ન થયો છું. કૃષ્ણ પુત્રી બોલ શું ઈચ્છા છે ? વિકુંઠા કહે : પ્રાણનાથ સર્વે જાણો છો. તો પણ ભક્તોની જિજ્ઞાસા વધે તેમ તમે કરો છો. હે નાથ, તમે મારા પ્રાણપતિ થાવ. શ્રીહરિ કહે : તથાસ્તુ અને કહ્યું, હું અનેક સ્વરૂપે અનેક ધામમાં રહેલો હું અક્ષરધામમાં પુરુષોત્તમ રૂપે રહું છું. બીજે સ્વરૂપે મહાવૈકુંઠમાં, ત્રીજે સ્વરૂપે શ્વેતદ્વિપ વૈકુંઠમાં. ચોથે રૂપે જલના આવરણના વૈકુંઠમાં. પાંચમે રૂપે ક્ષીરસમુદ્રમાં વૈકુંઠમાં વાસ કરું છું. તેથી તું પણ તેટલા જ દિવ્યસ્વરૂપ ધારણ કરી સર્વે ધામમાં સાથે રહે, અને એક સ્વરૂપે તારી માતા રાધાની સેવામાં રહે. એ રીતે પુરુષોત્તમ નારાયણ પ્રભુએ વિકુંઠાના છ સ્વરૂપો કરી એક સ્વરૂપ અક્ષરધામમાં, બીજું સ્વરૂપ ગોલોકમાં રાધાજીની સેવામાં પુત્રી રૂપે, ત્રીજે રૂપે વૈકુંઠમાં દિવ્ય ભૂમિરૂપે મહાવૈકુંઠમાં નારાયણ પત્ની મહાલક્ષ્મી રૂપે, ચોથે રૂપે જલના આવરણમાં વૈકુંઠમાં લક્ષ્મીરૂપે, પાંચમે રૂપે શ્વેતદ્વિપ વૈકુંઠમાં લક્ષ્મીરૂપે, ક્ષીરસમુદ્ર વૈકુંઠમાં લક્ષ્મી છઠ્ઠે રૂપે વાસ કર્યો. આ રીતે પુરુષોત્તમ માસની વદ દશમીનું વ્રત પૂજન કરીને વિકુંઠા પુરુષોત્તમ નારાયણની કૃપાથી છ સ્વરૂપે થઇને છ ધામમાં લક્ષ્મી સ્વરૂપે વાસ કર્યો. જે નરનારી પુરુષોત્તમ માસની આ કથા વાંચશે અથવા સાંભળશે તે પુરુષોત્તમને આત્મપતિ ભાવે પામશે.