ઋષભદેવનો પોતાના પુત્રને ઉપદેશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નાભી રાજાની પત્ની પતિવ્રતા મેરૂદેવી હતી. તે પતિને પરમેશ્વર માનીને પૂજા કરતી. સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પતિની પૂજા કરતી, ભોજન કરાવતી, પગ ધોઇને પાણી પીતી, પ્રભુની પૂજા કરે તે રીતે જ પતિની પૂજા કરતી. ને પતિનો પ્રસાદ ગ્રહણ કરતી. એવી રીતે પૂજા કરતી. મેરૂદેવીને એક વખત તેજમાં શ્રીકૃષ્ણનારાયણના દર્શન થયા. પિતાંબર શંખ, ચક્ર, ગદા, પદ્મ, મુકુટ, કુંડળથી શોભતા, લક્ષ્મી સાથે દર્શન થયા. મેરૂદેવીએ પ્રભુની પૂજા કરી, સ્તુતિ કરી. હે પ્રભુ, તમે ભક્તોના સંકલ્પ પૂરનારા છો. તમે મારા પુત્ર રૂપે થાવ જેથી મને શાશ્વત સુખ મળે. પ્રભુએ કહ્યું : તથાસ્તુ. આશિર્વાદ આપી અદૃશ્ય થયા અને મેરૂદેવીમાં પ્રવેશ કર્યો. પ્રગટ થતાવેત યુવાન, સર્વજ્ઞાન, સંપૂર્ણ તેજસ્વી, રૂષભ નામે પ્રસિદ્ધ થયા. તે કૃષ્ણનારાયણનો અવતાર હતા.
એકવાર ઈન્દ્રે ત્રણ વર્ષ સુધી વરસાદ ન કર્યો ત્યારે ઋષભદેવે પોતાની યોગમાયાથી વરસાદ વરસાવ્યો. પુત્ર ઋષભદેવનું ધ્યાન કરી નાભીરાજાને મેરૂદેવી મોક્ષમાં ગયા. ઋષભદેવ ભગવાન પોતે જ રાજારૂપે, આચાર્યરૂપે થઇને સર્વ પ્રજાને ધર્મનું, શિક્ષણ અને વિદ્યા આપતા હતા. ઈન્દ્ર પોતાની પુત્રી જયંતિ લક્ષ્મીસમાન તે ઋષભને આપી. ઋષભ ભગવાને તેમાં સો પુત્રો પ્રગટ કર્યા. તેમાં ભરત રાજા થયા. કેવી, દારી, ચમસ, અંતરીક્ષ, પ્રબુદ્ધ, પીપ્યાલન, આવીહોત્ર, દ્રુમીલ, કરભાજન આ નવ યોગેશ્વરો થયા. ચોરાસિ સીદ્ધો થયા. બીજા યજ્ઞ કરનારા શાસ્ત્ર ભણનારા થયા.
તે સર્વે પુત્રોને ઋષભ ભગવાને ઉપદેશ કર્યો કે, હે પુત્રો, પંચભૂતોથી પોષણ પામેલા આ ક્ષરભંગૂર શરીરથી પરબ્રહ્મ પરમાત્માના જપ, તપ, આરાધના, ભક્તિ કરી મોક્ષ મેળવી લેવો. રાજ્ય, સંપત્તિ, કુટુંબ, પદાર્થ, ખેતરવાડી, ઘર, પશુ સર્વમાં નાશવંત ભાવથી જોઇને વ્યવહાર કરવો. જેથી માયાના કોઇપણ પદાર્થ બંધન ન કરે. જેનું શરીર ઇન્દ્રિયો, અંત:કરણ, પંચવિષયો, સર્વે જ્ઞાનમય, ભગવદ્મય, દિવ્ય થાય છે તે ભક્ત આ લોકમાં મુક્ત બની નીર્ગુણ સ્થિતિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય સ્વાર્થ માટે કરે છે તેને બંધન થાય છે. પરમાર્થ માટે કામ કરે છે, તે મોક્ષ અપાવનારું થાય છે. મોહને તજી જ્ઞાનવાળો થાય તો કર્મબંધન ન થાય. જ્યારે સર્વે ઈચ્છાઓનો લય થાય ત્યારે તૃષ્ણા નાશ પામે છે. ત્યારે પરમહંસે એવા સદ્ગુરુનો આશ્રય કરવો ગમે છે. પછી સંત થકી ગુરુ પાસેથી ભગવાનનું સ્વરૂપ જાણી આત્મતત્વ જાણી ભગવાનની ભક્તિ કરી પરમપદને પ્રાપ્ત કરે છે. આ રીતે ઋષભ ભગવાને પુત્રોને ઉપદેશ આપી પૃથ્વી પર જપ, તપ અને જ્ઞાન પ્રવર્તાવ્યા.