ભાગ · અધ્યાય ૩૧૫

પુરુષોત્તમ માસની વદ આઠમની તિથીની પૂજનવિધિ - કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પ્રાગટ્ય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અધિક માસના અધિષ્ટાતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ થયા એથી શ્રીકૃષ્ણ ભગવાન ગોલોકમાં મહાન ઉત્સવ કરતા હતા. ગોપ-ગોપીઓ સાથે રાસમંડળની રચના કરતા હતા. તે સમયે રુકિમણિ મહાલક્ષ્મીએ પ્રાર્થના કરી કે, પ્રભુ આ મહાન ઉત્સવ મારે મહેલે કરો. શ્રીકૃષ્ણ કહે : બહુ સારું. સર્વે ધામવાસીઓ આવી શ્રીકૃષ્ણને દિવ્ય ભેટો આપી પોતાના સ્થાને બેસતા હતા. ગાંધર્વો ગાવા લાગ્યા, વાદકો વાજિંત્રો વગાડવા લાગ્યા, નર્તકો નૃત્ય કરવા લાગ્યા. ત્યાં શ્રીકૃષ્ણે ગોપીઓનો રાસ શરૂ કર્યો. સર્વે શ્રીકૃષ્ણના આનંદ બ્રહ્માનંદમાં તલ્લીન થયા. દર્શન, સ્પર્શ, સાંભળવું, સર્વે એકપણાને પામી ગયું. સુખ-સુખ, આનંદ, પરમાનંદ, વિના બીજું તત્ત્વ દેખાતું નહીં એવા ઉત્સવમાં રાધા, લક્ષ્મી, શ્રી રમા વગેરે શ્રીકૃષ્ણની સાથે એવા વેગથી રાસ રમતા નાચતા કૂદતા હતા કે તે સમયે શ્રીકૃષ્ણના મુગટની કલગીમાં રહેલો મણિ તે પડી ગયો તેની સાથે કલગી પણ પડી ગઇ. તો પણ શ્રીકૃષ્ણ રાસથી વિરામ ન પામ્યા. મણિ અને કલ્ગી મૂર્તિમાન થઇ રાસ રમવા લાગ્યા.

રાધાજીએ તે જાણીને શ્રીકૃષ્ણને કહ્યું, શ્રીકૃષ્ણે મણિ અને કલ્ગીને કહ્યું તમે તમારા સ્થાનમાં કેમ જાતા નથી. મને કલ્ગી મણિ વિનાનો મુગટ શોભતો નથી. એમ કહ્યું ત્યાં તે ઉત્સવમાં આનર્ત રાજા આવ્યો. આનર્ત રાજાના તપ, ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણે આનર્તને ગોલોકની દિવ્ય ભૂમિનો કણ તથા મણિ આપ્યો. કલ્ગી કહે : હું મણિ વિના નહીં રહી શકું. શ્રીકૃષ્ણ કહે : તું આનર્ત સાથે જા. તને વિયોગ નહીં થાય. આનર્ત રાજા પૃથ્વી પર આવી પશ્ચિમ સમુદ્ર કાંઠે તે દિવ્ય ભૂમિકણ મૂક્યો તે વિસ્તાર પામી સૌરાષ્ટ્ર દેશ થયો. મણિ તે અશ્વપટ સરોવર કાંઠે દિવ્યદેહ ધારણ કરી પર્ણકુટી બાંધી તપ કરતા હતા તે નીંબદેવ નામથી પ્રસિદ્ધ થયા. કલ્ગી પણ દિવ્યદેહ ધારણ કરી નીંબદેવની સેવામાં રહેતા હતા. તે બંને ત્યાં અશ્વપટ સરોવર કાંઠે લક્ષ્મીનારાયણ સંહિતા કથા વાંચતા હતા તે કલ્ગી મિષ્ટાદેવી નામથી પ્રસિદ્ધ થયા. ત્યારપછી રૈવત રાજાનો પુત્ર ખટવાંગ અશ્વપટ સરોવર કાંઠે તપ કરતો હતો. તેને દર્શન દેવા લક્ષ્મીનારાયણ આવ્યા તે લક્ષ્મી રુકિમણિ હતા અને નારાયણ કૃષ્ણ હતા. પછી નીંબ દેવ મિષ્ટાદેવીને ત્યાં સ્વયં શ્રીકૃષ્ણે ગોપાલકૃષ્ણર રૂપે અવતાર ધારણ કર્યો. આશો વદ પાંચમે ગોપાલકૃષ્ણ કુંકુમવાપીમાં પ્રગટ્યા તથા શેત્રુંજી નદી કાંઠે ઓળિયા ગામે રૂકિમણીરૂપી લક્ષ્મી તે ફાગણ વદ પાંચમે પ્રેમજી પ્રેમમણિને ત્યાં કંભરાલક્ષ્મી નામે પ્રગટ્યા. માતા-પિતાએ દિવ્ય દૃષ્ટિથી જાણી ગોપાલકૃષ્ણને બોલાવી વિવાહ વિધિથી કંભરાલક્ષ્મી આપ્યા. એ રીતે કંભરા ગોપાલ દિવ્ય ભગવાનના અવતાર હતા.

એક વખત આ દંપતીએ પુરુષોત્તમ માસમાં વદ આઠમનું નગારું સાંભળ્યું. સર્વે પુરુષોત્તમ નારાયણના ભક્તો સાંભળો. અધિક માસને વિષ્ણુ ભગવાનને, કૃષ્ણ ભગવાનને તથા પુરુષોત્તમ નારાયણે નિર્મળ કરીને પુરુષોત્તમની ઉપમા આપી છે. એવા પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તે ઈચ્છેલું પ્રાપ્ત કરશે અને મારા ધામને પામશે. અશ્વપટ સરોવરમાં નાહીને નીંબદેવ તે કલ્યાણ પિતાને - મીષ્ટાદેવીને, ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મીને નમસ્કાર કરીને પૂજન કરીને સત્કાર પામીને ધામમાં ગયા. પછી પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત નિર્જલા કરીને ગોપાલ કંભરા એ પુરુષોત્તમ નારાયણનું એકસો આઠ ઉપચારથી પૂજન કરી છપ્પનભોગ મિષ્ટાન્ન, નૈવેદ્ય ધરીને, એકસો આઠ વાટોથી આરતી ઉતારી, રાત્રે જાગરણ કરી, ધૂન કીર્તન કરતા હતા. ત્યાં શ્રીહરિ પ્રગટ થયા અને દિવ્ય અલૌકિક દર્શન આપી કહ્યું, તમારે શું ઈચ્છા છે ? હું સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તમારા તપ-ભક્તિથી પ્રસન્ન થયો છું. કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ કહે : હે પ્રભુ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ જો તમારી ઈચ્છા હોય તો તમે અમારે ત્યાં અવતાર ધારણ કરી સેવાનો લાભ આપો અને ભક્તજનોને તમારો અનાદિશ્રીકૃષ્ણનારાયણનો યોગ દર્શનનો લાભ મળે. અમારા બંનેનું મૂળ સ્વરૂપ તમે છો.

કંભરા ગોપાલની સ્તુતિ સાંભળી પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થઇ કહે : હું તમારે ત્યાં અવશ્ય પ્રગટ થઇશ. એમ કહીને અદૃશ્ય થયા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે તરત જ બાલસ્વરૂપે પ્રગટ થઇ દર્શન આપીને યુવાન સ્વરૂપ ધારણ કરી લીધું પોતાની ઈચ્છાથી ધર્મ સ્થાપવા માટે ભક્તિ પ્રવર્તાવવા માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પ્રાગટ્ય થતાં દેવોએ દુંદુભી વગાડી, પુષ્પવૃષ્ટિ કરી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગાંધર્વો ગાવા લાગ્યા. ધામોના અવતારો ઇશ્વરો, દેવો, દેવીઓ, ઋષિઓ જય જયકાર કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરતા હતા. બ્રહ્માંડોમાં જીવસૃષ્ટિમાં અવતારોમાં મહાન ઉત્સવ થતો હતો. આસો વદ આઠમે સૂર્યોદય પહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા જાણીને વેદો સ્તુતિ કરવા લાગ્યા કે, કૃષ્ણવલ્લભ નામધારી સર્વે વિદ્યાના પારને પામ્યા. પ્રભા લક્ષ્મી પાર્વતી માણિકી શ્રીના પતિ અસંખ્ય ચમત્કારો દેખાડવા લાગ્યા. કાર્તિક સુદ એકાદશીએ દીક્ષા ઉપવિત લેતા કરતા હતા. માધ સુદ આઠમે કાશીમાં આવ્યા. નવમીએ બ્રહ્મવિદ્યાનો પ્રચાર કર્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે, ગોલોક ધામમાં રાધાપતિ, રુકિમણિપતિ છે. તે જ પ્રભુ આ વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ છે, તે હું અનંત સ્વરૂપે રહું છું. આગમ-નિગમનો જાણનારો છું. સર્વે વિદ્યા, જ્ઞાન, વિજ્ઞાન મારામાં રહેલું છે. પૂર્વે સૃષ્ટિનું લયકલ્પનું જ્ઞાન મેં લક્ષ્મીનારાયણ સંહિતાના એક કરોડ શ્લોક રચીને સર્વે સૃષ્ટિઓને આપ્યું. તેમાં પચાસ લાખ વૈરાટ નારાયણને આપ્યા. જેમાં ઇશ્વરોનું વિશેષ વર્ણન કરેલું છે. પચીસ લાખ બ્રહ્માને આપ્યા. તેમાં અનંત બ્રહ્માંડોની કથાઓ કહેલી છે. બાર લાખ પચાસ હજાર પિતૃઓને આપ્યા. તેમાં સર્વે પરમાર્થની કથાઓ છે. પાંચ લાખ સ્વર્ગમાં બૃહસ્પતિને આપ્યા. જેમાં દેવોનું જ્ઞાન કહ્યું છે. પાંચ લાખ પાતાલમાં દૈત્યગુરુ શુક્રાચાર્યને આપ્યા. તેમાં તામસી વિદ્યા કહેલી છે. સવા લાખ બ્રહ્મર્ષિને આપ્યા. જેમાં ત્યાગિ, બ્રહ્મર્ષીઓને બ્રહ્મપ્રાપ્તિ કરાવનારું જ્ઞાન કહ્યું છે. સવા લાખ વિપ્રો માનવોને આપ્યા. જેને બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, ચાર આશ્રમના મનુષ્યો ભણીને વાંચીને સાંભળીને ચાર પ્રકારની સિદ્ધિ મેળવશે અને મોક્ષ મેળવશે.

કાલાંતરે જ્યારે બ્રહ્માંડનો લય થાય ત્યારે તે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ કરવા, વ્યાસ આચાર્ય ઋષિરૂપે હું પ્રગટ થાઉ છું. એ રીતે કરોડો વૈરાટોનો લય થયેલો છે. તો બ્રહ્માની તો વાત જ ક્યાં કરવી. તેને હું જાણું છું. હે લક્ષ્મી, તું કે બીજા અવતારો ઇશ્વરો પણ જાણી શકતા નથી. પુરુષોત્તમ માસની આઠમ નિમિત્તે આ મારી અનાદિશ્રીકૃષ્ણનારાયણની કથા તને કહી, તે વાંચનારા, સાંભળનારાને સ્વર્ગ અને મોક્ષ અપાવનારી છે. પત્નીની ઈચ્છાવાળો પત્ની પામશે. પુત્રની ઈચ્છાવાળો પુત્ર, ધનની ઈચ્છાવાળો ધન પામશે, યશ કીર્તિ વિજય સકામને સર્વે પ્રાપ્ત થશે. વિપ્રોને જ્ઞાન થશે. ક્ષત્રિયોનો વિજય થશે. વૈશ્યોને ધનધાન્ય સમૃદ્ધિ મળશે. શુદ્રોને સર્વે સમૃદ્ધિ મળશે. ઈતિશ્રી લક્ષ્મીનારાયણ સંહિતામાં પ્રથમ ભાગમાં કૃતયુગ સંતાનમાં પુરુષોત્તમ માસ મહાત્મ્ય મળમાસના અધિષ્ટાતા પુરુષોત્તમ નારાયણ થયા તે નિમિત્તે ગોલોકમાં રાસોત્સવ કર્યો. તેમાં શ્રીકૃષ્ણના મુગટનો મણિ અને કલ્ગી પડી ગયા. તે આનર્તરાજા સૌરાષ્ટ્રમાં લાવ્યા. તે અશ્વપટ સરોવર કાંઠે નીંબદેવ મીષ્ટદેવી થયા. તેને ત્યાં કંભરા ગોપાલ થયા. કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત, પૂજન કરવાથી તેને ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ અવતાર ધારણ કર્યો અને એક કરોડ શ્લોકની રચના કરી લક્ષ્મીનારાયણસંહિતા રચી.