શ્રીરામ અને પતિવ્રતા સતી સીતાનું ઉત્તમ ચરિત્ર
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે તને લક્ષ્મીરૂપ પતિવ્રતા સીતાની કથા કહું. સાંભળો. પૃથ્વીની પુત્રી સીતાને કુશધ્વજ રાજાએ પાલન કરી મોટી કરી. શ્રી રામ ધનુષ્ય ભાંગી સીતાને પરણ્યા. સાકેત નગરીમાં શતમખ રાજા તેના પુત્ર રામાદિત્ય અને નરાદિત્ય બે પુત્રો થયા. તે અવતાર પ્રથમ ત્રેતાયુગમાં થયો. વિશ્વામિત્રે યજ્ઞમાં વિઘ્ન કરતા રાક્ષસોનો નાશ કરવા રામ અને નરને લઇ આવ્યા. પાષાણ રૂપે રહેલી અહલ્યાને દિવ્યગતિ આપી. પતિ સાથે વૈકુંઠમાં ગઇ. વિશ્વામિત્ર યજ્ઞમાં લાવ્યા. પછી મિથિલાનગરીમાં સ્વયંવરમાંથી સીતાને લાવ્યા પછી ગાદીએ બેસવા સમયે કૈકેયીના વચનથી વનમાં જવાનું થયું. સત્યપાલનથી શાશ્વત સુખ થાય છે. ઈચ્છા હોય કે ન હોય પણ સત્ય-પ્રતિજ્ઞાનું પાલન કરવું જ પડે. ન કરે તો કુંભીપાક નરકમાં પડવું પડે અથવા પોતે દેહ બાળીને ભસ્મ થાય તો પ્રાયશ્ચિત થાય. તેથી શ્રીરામ પિતાની અને માતાની આજ્ઞા પાલન કરવા જટા વલ્કલ ધારણ કરી રામાદિત્ય નરાદિત્ય જવા તૈયાર થયા. ત્યાં પતિવ્રતા સાધ્વી સતી સીતાદેવી પતિ સાથે જવા તૈયાર થયા.
રામાદિત્ય કહે : સતી તમે અહીં રાજ્યમાં રહો. વનમાં પગલેપગલે દુ:ખ છે. તે સહન કરવા તમે સમર્થ નથી. સીતા કહે : પતિપરાયણ રહેનારી સાધ્વી પતિ પાસે જ સુરક્ષીત રહે છે. મારા પિતાએ તમને આપી છે. તે પતિની પાસે રહીને આજ્ઞા પાળવી તે મારો ધર્મ છે. હું પ્રાર્થના કરું છું. હે કૃપાસીંધુ વનમાં તમારી પાસે મારું મૃત્યુ થશે તો પણ મારી ગતિ થશે. અહીં હું તમારા વિના નહીં રહી શકું. જે સ્ત્રી પતિના સુખ, દુ:ખનો ત્યાગ કરી કેવળ સ્વાર્થ સુખને ઈચ્છે તે સ્ત્રી નરકમાં પડે છે. પોતાનું સર્વસ્વ સ્વામીને અર્પણ કરનારી સ્ત્રીએ દેહથી અને પ્રાણથી પતિને રાજી કરવો. પતિવ્રતા સ્ત્રીને પતિ વિના રાજ્ય-સમૃદ્ધિ સર્વે સંન્યાસીના મુંડન જેવું લાગે છે. પતિ સાથે પર્ણ કુટીમાં હોય તો પણ ઇન્દ્રના સ્વર્ગથી અધીક માને છે. તેથી પત્નીએ સદા પતિ પાસે જ રહેવું. પતિ દૂર હોય તો નારીને જીવન સૂનું લાગે છે. એમ કહી સીતા રુદન કરતાં વલ્કલ ધારણ કરીને રામ સાથે વનમાં જવા તૈયાર થયા. રામ કહે : વનમાં ભુખ સહન નહીં થાય.
સીતા કહે : રાજ્યમાં ભુખ શાંત નહીં થાય. રામ કહે : વનમાં તૃષા મૃત્યુ લાવશે. સીતા કહે : ઘરમાં તૃષા મને મારશે. રામ કહે : વનમાં હિંસક પશુઓ મારશે, સીતા કહે : અહીં તમારો વિયોગ મને મારશે. રામ કહે : વનમાં તાપ પ્રાણ હરશે. સીતા કહે : ઘરમાં વિરહાગ્નિ બાળશે. રામ કહે : વનમાં દૈત્ય તને હરી જશે. સીતા કહે : તો તમારે કાર્ય કરવાનું છે તે થશે. રામ કહે : તો હું કલંક સાથે તને નહીં રાખું. સીતા કહે : તો હું સત્ય ધર્મ બહાર લાવીશ. રામ કહે : પછી તને વિયોગ થશે. સીતા કહે : તો વૈકુંઠમાં યોગ થશે. એમ કહી વનમાં ગયા. ત્યાં શુર્પણખા આવી. રામ કહે : હું એક પત્નીવ્રતવાળો છું, નર પાસે જા. નરે નાક, કાન કાપ્યા. તે શુર્પણખા કુબ્જા થઇ. લંકામાં રાવણને કહ્યું. રાવણ મંદોદરીએ ના પાડવા છતાં સીતાને હરી ગયો. રામ સુગ્રીવની સહાયથી હનુમાનને આશીર્વાદ આપી વીંટી આપી લંકા મોકલ્યા. નિરાહાર અને તપથી સૂકાઇ ગયેલા સીતાને હનુમાને રામનો સંદેશો ને વીંટી આપ્યા. આશ્વાસન આપી રામ પાસે આવ્યા. પછી રામ વાનરસેના લઇ રાવણને મારી, સીતાને પુષ્કર વિમાનમાં બેસાડી સાકેતનગરી આવ્યા. વિજય, ઉત્સવ કરીને લોકાપવાદથી રામે સીતાનો ત્યાગ કર્યો.
વાલ્મિકી આશ્રમમાં સીતાને સૂર્ય જેવા બે પુત્રો લવ અને કુશ થયા. પછી રામે બાર હજાર વર્ષ રાજ્ય કરી ધર્મસ્થાપન કર્યો. પછી સીતા પૃથ્વીમાં સમાયા. રામ વૈકુંઠમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિવ્રતા સતી સીતાનું ઉત્તમ ચરિત્ર તથા રામ ચરિત્ર કહ્યું તેને જે સાંભળશે તે ભક્તિ-મુક્તિ બંને પામશે. પૃથ્વીમાં દયાળુ અને ધાર્મિક રામ જેવો પુરુષ થયો નથી થશે પણ નહીં. સતી પતિવ્રતા સીતા સમાન દુ:ખમાં જીવનારી કોઇ સ્ત્રી જન્મી નથી અને જન્મશે પણ નહીં.