ભાગ · અધ્યાય ૭૧

પ્રેત દ્વારા અનેક દુ:ખો - ઉપાય - પિતૃશ્રાદ્ધ વિધિ

શ્રીનારાયણ કહે : એવા પાપી જીવાત્માઓ યમપુરીના દુ:ખ ભોગવીને ભૂતપ્રેત થઇને પોતાના કુટુંબને પીડે છે. ભૂખ-તરસથી પીડાતા તે પ્રેતો કુટુંબમાં, પત્નીમાં, પુત્રમાં, ભાઇના શરીરમાં પ્રવેશી કહે છે - તમે મારે માટે મારી પાછળ કેમ કાંઇ ના કર્યું ? એમ કહીને તેના ઘરમાં વાસ કરે છે. તે પ્રેતોને મળ-મૂત્ર વિના બીજું કંઇ ખાવાનું હોતું નથી. કુટુંબમાં જેની પર દૃષ્ટિ કરે તે રોગવાળો થાય છે. અપવિત્ર રહેનારો, અશુદ્ધ ભોજન કરનારો, ક્રિયાથી નીચ, દેવપૂજાથી રહિત આવા મનુષ્યને પ્રેત વધારે દુ:ખ આપે છે. જેને એક પુત્ર જન્મી મરી જાય પછી બીજો પુત્ર ન થાય તે પ્રેતદૃષ્ટિ. ગર્ભ ગળી જાય તે પ્રેતદૃષ્ટિ. કુટુંબમાં કલેશ થાય, પશુ મરણ પામે. મગજ અસ્થિર થાય, ખાધેલું પાચન ન થાય, તાવ આવે પેટમાં દુખે, ધન-ધાન્યમાં દરિદ્રતા આવે, ખેતીમાં પાકે નહીં, ચોરી કરવાની વૃત્તિ થાય, સેવા કરનારી પત્ની કલેશ કરે. પુત્રો શત્રુ થાય. આ બધી પ્રેત પીડા છે.

આ રીતે પ્રેત કુટુંબને હેરાન કરી છિન્ન-ભિન્ન કરી અંતે વંશનો નાશ કરે છે. દુષ્ટના સંગથી, ધર્મનું પાલન નહીં કરવાથી, દૃષ્ટ મૃત્યુથી, વાસનાથી, ભૂખ્યા-તરસ્યા મરવાથી, પ્રેત થાય છે. તે પ્રેત સ્વપ્નમાં આવી ખાવાનું લૂંટી જાય છે. સ્વપ્નમાં ઘોડો, હાથી, બળદ, બિલાડો સર્પના રૂપાંતર કરીને બિવડાવે છે. તે સ્વપ્નમાં અથવા શરીરમાં પ્રવેશીને પાણી માગે, પિંડદાન માગે છે. નારાયણબલી તીર્થમાં નદી, સરોવર કાંઠે, મંદિરમાં, સાધુના આશ્રમમાં કરાવવું. જેથી પ્રેતને શાંતિ થાય અને આશીર્વાદ આપી ચાલ્યા જાય. જે પ્રેતની સદગતિ કરતો નથી, પ્રેતને માનતો નથી તેને પ્રેત મરીને પ્રેત યોનિમાં લઇ જાય છે. તેથી ગૃહસ્થોએ દર વર્ષે પિતૃશ્રાદ્ધ કરવું.