ભાગ · અધ્યાય ૫૪૬

ગુરુ મહિમા ❖ મુક્તપાલ રાજા પ્રભુના ધામને પામ્યો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભદ્રાશ્વ રાજાએ અગત્સ્ય મુનિને પૂછ્યું કે, આત્મજ્ઞાન અને મોક્ષ કેમ થાય ? અગત્સ્ય મુનિ કહે : રાજા, જીવાત્મામાં ગુરુ વિના ગતિ કરી શકતા નથી. ગુરુ બ્રહ્મા છે, ગુરુ શંકર છે, ગુરુ સાક્ષાત્ નારાયણ છે, ગુરુને પ્રસન્ન કરવાથી દેહધારીઓ મોક્ષને યોગ્ય થાય છે. બ્રહ્મનિષ્ટ, ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવો, જ્ઞાન આપનારા ગુરૂ ભવસાગરથી તારે છે. એવા ગુરુનું પૂજન કરી ભોજન કરાવવાથી વૈષ્ણવ યજ્ઞ થાય છે. ગુરુ છે તે નારાયણની ચાલતી ચેતન મૂર્તિ છે. તેની પૂજા સુગંધી, ચંદન, કંકુ, ચોખા, પુષ્પ, પત્રજલ, તાંબુલ, કાજલ, આસન, વાહન, શય્યા, પાદુકા વગેરેથી સર્વ પ્રકારે સેવા કરવી. ગુરુ સ્નેહભક્તિ કરનારા સેવકોના પાપને બાળીને શાંતિ આપનારૂ શાશ્વત સુખ આપે છે. ગુરુ છે તે પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર રક્ષણપોષક અને તારનારા સર્વસ્વ છે. ભાઇ કરતા પિતાને દશ ગણા માનવા. માતાને સોગણા માનવા. ગુરૂને હજાર ગણા માનવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણને અપાર ગુણવાળા ગુરુને પ્રત્યક્ષ દિવ્યમૂર્તિ માની સર્વ પ્રકારે સેવા કરવાથી શિષ્ય દિવ્યમુક્તિ સ્થિતિ પ્રાપ્ત કરે છે.

હે રાજા, પૂર્વે સત્યુગમાં મુક્તપાલ રાજા પ્રજાનું પાલન કરતો. પ્રજા પણ ધર્મવાળી પ્રભુભક્તિ કરતી. તેથી તેના રાજ્યમાં કોઇ રોગી, વ્યાધિવાળું દુ:ખ ન હતું. તે રાજા એકવાર વનમાં ફરવા નીકળ્યો. ત્યાંથી સમુદ્રકાંઠે આવ્યો. ત્યાં હિંસક, અજ્ઞાની, દોષવાળી પ્રજા જોઇને રાજા ઉદાસ થયો. ત્યાં એક માયા તેજસ્વી સ્ત્રી આવી તેણે રાજાને મોહપમાડી પુત્રની માંગણી કરી. રાજાએ પુત્ર આપ્યો. તે અહંકાર થયો. ત્યારપછી મુક્તપાલ રાજાથી તે માયાથી બીજા પાંચ પુત્રો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ થયા. તો પણ રાજા પોતાની ભક્તિ, ધર્મ, સિદ્ધિથી જરા પણ ચલાયમાન ન થયો. પછી તે માયારૂપી સ્ત્રીને દશ પુત્રો ઇન્દ્રિયો રૂપી થયા. તો પણ રાજા મુક્ત પુરુષ હોવાથી પ્રભુનું ધ્યાન ભજન ન ભુલ્યો. તે ચલાયમાન ન થયો. પછી તે માયારૂપી સ્ત્રીને દશ પુત્રો ઇન્દ્રિયો અંત:કરણ પંચવિષય તેના દેવોએ તે સર્વે મળી મુક્તપાલ રાજાનો નાશ કરવા તૈયાર થયા. ત્યારે રાજા જ્ઞાની ભક્ત હોવાથી કંટાળીને શરીરમાંથી નીકળવા પ્રયત્ન કરી ત્યાં સર્વ માયા જેવા થઈને જીવવાને માટે પ્રભુને પ્રાર્થના કરી. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રભુએ સર્વ દેવોને ઇન્દ્રિયોમાં વાસ આપી તેના કાર્ય કરવા નિયુક્ત કર્યાં. પછી મુક્તપાલ રાજા વિવેકી, જ્ઞાની, ભક્તિવાળો હોવાથી ચોવીસ તત્ત્વોરૂપી ચોરથી બંધાયેલો હોવા છતાં માયાજાળને કાપી પોતાના આત્માને પરમાત્મામાં જોડી પરમ સમાધિમાં ઉતરી દેહનો ત્યાગ કરી પ્રભુના ધામને પામ્યો.

અગત્સ્ય મુનિ કહે : હે રાજન, એ રીતે જીવપ્રાણીમાત્ર માયાના ચોવીસ તત્ત્વોને આધિન વર્તે છે. પણ આત્મા, પરમાત્માના સ્વરૂપને જાણનારા ગુરુ પાસેથી વિવેકજ્ઞાન જાણે તો તે જીવાત્મા પ્રભુની ભક્તિથી અને ગુરુની કૃપાથી માયાને ભવસાગરને તરી જાય છે. એ રીતે અગત્સ્ય મુનિએ ભદ્રેશ્વર રાજાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી પ્રગટપ્રભુની ભક્તિ કરાવી ધામમાં મોકલ્યો.