અર્બુદાચલનાં તીર્થોનો મહિમા ❖ શંકરનો પાર્વતીને ઉપદેશ
આ અધ્યાય 553–554 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અર્બુદાચલમાં સિદ્ધતીર્થ - શુકલતીર્થ - યમતીર્થ - પુંઘેદતીર્થ - શ્રીમાતૃવિદ્યાચલતીર્થ - મંકીતીર્થ - પુંડ્રોતીર્થ - રક્તોદ્ધારતીર્થ - મુદગલ તીર્થ - માંમુંચતીર્થ વગેરે અનેક તિર્થો રહેલા છે. તેમાં સ્નાન દાન કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શંકર કહે : પાર્વતી, અર્બુદાચલના શીખરમાં ગંગા કુંડ છે. જ્યાં વિંધ્યાવાસીની દેવીએ મહિષાસુરનો નાશ કર્યો ત્યાં ગંગા દર વર્ષે શંકરના દર્શન કરવા આવે છે. ત્યાં અચલેશ્વર તીર્થમાં એક શુદ્ર પાસે એક ભીક્ષુક આવ્યો. તેને સાથવો આપ્યો. તે ભીક્ષુક પાત્રમાં સાથવો મૂકી સૂતો. ત્યાં કૂતરો આવી સાથવો ખાઇ ગયો. ભીક્ષુકે જાગીને જોયું સાથવો ન મળ્યો. સ્નાન કરી મહાદેવનું પૂજન, જપ કર્યું. તેનો અંતકાળ થવાથી બીજે જન્મે અને સાથવાના પુણ્યથી વિદર્ભ દેશનો રાજા ભીમ થયો. તે રાજા સાથવાનું દાન આપતો. ગાલવઋષિએ પૂછ્યું : રાજા તું હાથી, અશ્વરથનું દાન નથી આપતો અને સાથવાનું દાન કેમ આપે છે ? રાજા કહે, મેં પૂર્વે સાથવાનું દાન આપ્યું છે તેથી આ જન્મે રાજા થયો છું. તેથી સાથવાનું અન્નનું દાન આપું છું.
પૂર્વે અપ્રસ્તુત રાજા ધર્મ, કર્મ, જ્ઞાન, દાનથી રહિત હતો. તેણે અન્યાયથી ધન ભેળું કર્યું. વૃદ્ધોએ કહ્યું, તું ધર્મ કર્મ કર તો તારું મરણ સુધરે. રાજા કહે, મેં મારા બળથી આ સર્વે મેળવ્યું છે. તે મારા ભોગવિલાસ માટે બીજાને માટે નહીં. તે રાજાના પિતૃઓ આવી રાજાને કહે, તું દાન ધર્મ કાંઇ નથી કરતો. તેથી અમે સ્વર્ગથી પડી ગયા છીએ. માટે તું શ્રાદ્ધ યજ્ઞ કર પછી રાજાએ અર્બુદાચલ આવી પિતૃમેઘ યજ્ઞ બ્રાહ્મણોને બોલાવી કરાવ્યો તથા સાધુ બ્રાહ્મણોને ભોજન દાન દીધા. તે કુલસંતારણ તીર્થ થયેલું છે તથા પૂર્વે પરશુરામે ત્યાં તપ કરેલું છે. તથા બ્રહ્માએ અને વશિષ્ટઋષિએ યજ્ઞ કરવાથી તે મહાન તીર્થ થયેલું છે. તથા લોમશઋષિએ ત્યાં આવી અનેક ઋષિઓને બ્રહ્મજ્ઞાન આપી વિષ્ણુ યજ્ઞ કરાવ્યો છે. તથા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવી તે મહોત્વમાં જંબુદ્વિપના સર્વે તિર્થો ત્યાં આવી અવભૃથ સ્નાન તે જલાશયમાં કર્યું તેથી જંબુતીર્થ થયુ અને ત્યાં જાંબુડાનું વૃક્ષ થયું હતું.
શંકર કહે : પાર્વતી, અહીં આવીને આ સર્વ તિર્થોનો મહિમા મેં તને કહ્યો. જેની પત્નીભક્તિ પરાયણ દાન ધન તીર્થ પરાયણ હોય તો પુરુષ જ ભાગ્યશાળી છે. હે પાર્વતી, હું ભાગ્યશાળી છું કે તારા જેવી મને તપસ્વી પતિ સેવા પરાયણ પત્ની મળી. ગાય, બ્રાહ્મણ, સાધુ, સાધ્વીનું સન્માન કરનારી નારાયણની દાસી થઇ રહેનારી. ક્ષમા વડે પૃથ્વીસમાન, વૈરાગ્યમાં વૃક્ષસમાન, શીતલમાં બ્રહ્મસમાન, સેવામાં સ્નેહ રાખનારી, દાનમાં આત્મ સમર્પણ કરનારી, પરલોક માટે સહાય કરનારી, આવી સ્ત્રી જેને ઘેર છે. તેનો ગૃહસ્થાશ્રમ ધન્યવાદને પાત્ર છે. એવા ગૃહસ્થોને સાધુ અને સાધ્વી કહેલા છે. જે સ્ત્રી પતિને કડવા વચનો કહે છે. તિરસ્કાર કરે છે. ક્રુર દૃષ્ટિથી જુવે છે, તે આ લોકમાં સુખી થતી નથી. જેના ઘરમાં પુણ્ય નથી પ્રભુની સેવા નથી, ભોજનમાં ઉત્સાહ નથી, વસ્ત્રમાં શોભા નથી, વાણીમાં મીઠાસ નથી, દેખવામાં સ્નેહ નથી. એવા કુટુંબનું જીવન વ્યર્થ છે. અબળાના, બાળકોના, યોગીના સતીના, સત્પુરુષોના, આશ્રય વિનાના, ભૂખ્યા- તરસ્યાઓના આશિર્વાદો મેળવવા. જે ઘરમાં સ્ત્રીઓ દેવીઓ આનંદ પામે છે, ત્યાં સંપત્તિ સ્વર્ગ અને મોક્ષ રહેલા છે.
શંકર કહે : સતી, તે તપ કરીને મને પ્રાપ્ત કરીને મારું મૂલ્ય વધારી દીધું છે. તે પૂર્વ જન્મમાં દક્ષના યજ્ઞમાં તારા દેહને યોગ અગ્નિથી બાળને મારું સ્વામીપણું બતાવી દીધું. તે પૂર્વે દૈત્યોનો નાશ કરીને મારું શ્રેષ્ટપણું બતાવ્યું. ગણેશ અને કાર્તિક જેવા બે પુત્રો આપી તેમને લોકમાં પુજ્યપણાને પમાડ્યા. હે દેવી, તારી સાથે વનમાં રહેવાથી પણ સ્વર્ગ મોક્ષ બન્ને છે. હવે કૈલાશ ધામ જઇએ એમ કહીને શંકર પાર્વતીના ગુણ કહીને વિરામ પામ્યા.