ભાગ · અધ્યાય ૫૬૨

ગૌદાન તેમજ અન્ન-જલના દાનનો મહિમા

લક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, ગૌદાનનું પુણ્ય, મહત્વ અને વિધિ શું ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વિનીતાશ્વરાજા યજ્ઞ કરી બહું દાન આપતો. સુવર્ણ, ભવન, ગાયોના દાન આપતો, પણ અન્નજલને તુચ્છ માની દાન ન આપતો. રાજા ગંગા કાંઠે મરણ પામ્યો ત્યારે સ્વર્ગમાં ગયો. બ્રાહ્મણે તેના શરીરને ગંગા કાંઠે દાટી દીધું. અન્ન, જલનું દાન નહીં આપવાથી તે રાજાને સ્વર્ગમાં ક્યાંય ખાવા ન મળ્યું તેથી પોતાના દાટેલા શરીરને ચાટવા રોજ આવતો. પુરોહિત જોઇને કહે : રાજા, તમે સર્વદાન આપ્યા પણ અન્ન, જલ તુચ્છ માની દાન ન આપ્યા. એટલે તમને સ્વર્ગમાં તે મળ્યું નહીં. પછી રાજાએ પોતાના વંશજને અન્ન, જલ, રસ, દૂધ, દહીં, મધ, સાકર, મીઠું, તલ, ગોળ, શેરડી, ડાંગર વગેરે સર્વદાન આપવાનું કહ્યું. તેના વંશોએ સર્વે રસ અન્નના દાન આપવાથી રાજાને સર્વ પ્રાપ્ત થયું.

વસ્ત્ર અલંકારોથી શણગારેલી ગાયને દાનમાં આપવાથી જીવાત્મા સાઠ હજાર વર્ષ સ્વર્ગમાં વાસ કરે છે. કપિલા ગાયનું દાન કરવાથી હજારો ગૌદાનનું ફળ થાય છે. તેને એક પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા થાય છે, પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી સ્વર્ગસુખ મેળવે છે અને દશ જન્મોના પાપ નાશ થાય છે. સુવર્ણ, કપિલા, ગૌરકપીલા, રક્તાક્ષી, ગુડપીંગલા, બહુંવાર્ણશ્વેત, પીંગલા, પાટલા અને પુરછ પીંગલા. આ દશ પ્રકારની કપિલા ગાયો કહેવાય છે. તેનું ઘી, દૂધ, દહીં યજ્ઞ માટે ઉત્તમ છે. આથી કપીલા ઉભય મુખી વીયાનીનું ગૌદાન કરવાથી અનંત કલ્પ સુધી સ્વર્ગમાં વાસ મળે છે, પછી વૈકુંઠમાં વાસ મળે છે. ગૌદાન કરનારે માઘ સુદી બારસ અથવા કાર્તિક સુધી બારશને પુનમે દાન કરવું, દાનને દિવસે દૂધ પીને રહેવું. અથવા પાણી પીને રહેવું. દાન સુપાત્ર ભક્તિવાળા બ્રાહ્મણ અથવા ગુરુને આપવું તેથી પૃથ્વી દાન ફળતુલ્ય થાય છે.