ભાગ · અધ્યાય ૧૯૧–૧૯૨

શંકરનું રૂદ્રરૂપ અને ભૂતોની જાન જોઇને મેના શોકમગ્ન

આ અધ્યાય 191–192 સંયુક્ત છે

શંકરને પીઠી ચોળીને સ્નાન કરાવીને શણગારતા હતા. વાઘનું ચામડું પહેરાવ્યું, હાથીનું ચામડું ઓઢાડ્યું, શરીરે ભસ્મ લગાવી, રૂદ્રાક્ષની માળાઓ પહેરાવી, સર્પોના ઘરેણાં પહેરાવ્યા તથા સોના-હીરા મોતીના ઘરેણાં પહેરાવ્યાં. પછી શંકરે સર્વે ગણોને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકિની, ભૈરવ, ભૈરવી, વૈતાલીની વગેરે કરોડો અને અબજોની સંખ્યામાં રહેલા સેવકોને જાનમાં આવવા માટે તૈયાર કરતા હતા તે સર્વે સેવકો વાજિંત્રો ડમરું, ડાકલા, ભેરી ભુંગળો, શરણાઇ, તુરી, ઢોલ, નગારાં, ત્રાંસા વગેરે વગાડતાં નાચતા, તૈયાર થયા. શંકર પ્રથમ નારદને હિમાલય પાસે મોકલતા હતા. શંકર કૈલાસમાં વિઘ્ન શાંતિ માટે દેવપૂજન, વેદપૂજન, વિપ્રપૂજન વગેરે માંગલિક કાર્યો કરી દાન આપતા હતા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદ હિમાલય પાસે આવી મંડપની રચના જોઇ આશ્ચર્ય પામ્યા. પછી હિમાલયે મેનાને કહ્યું, શંકર મહાદેવની જાન આવે છે. એટલે પાર્વતીમાતા મેના પોતાના જમાઇને જોવા નારદજીને લઇને અગાશીમાં આવી. વાયુ, વરૂણ, યમ, કુબેર, સૂર્ય, ચંદ્ર, જાનમાં પોતાના સેવકો સહિત આવતા હતા. મેનાએ પૂછ્યું, આ મારા જમાઇ છે ? નારદ કહે : ના તે સર્વે શંકરના સેવકો છે. મેના વિચાર કરવા લાગી જેના સેવકો આવા ઐશ્વર્યવાળા છે. તેના સ્વામી કેવા હશે. પછી તેજસ્વી બ્રહ્મા, વિષ્ણુ આવ્યા. મેનાએ નારદને પૂછ્યું, આ અમારા જમાઇ છે ? નારદ કહે : તે શંકરના ભાઇઓ છે. મેના અતિ રાજી થયા. પછી ભક્તો સહિત રાધા-કૃષ્ણ આવ્યા. મેનાએ પુછ્યું, આ મારા જમાઇ છે ? નારદ કહે : આ શંકરના માતા-પિતા છે. મેના અતિ આશ્ચર્ય પામી.

ત્યાં અતિ તેજસ્વી કૃષ્ણ જેવા રૂપવાળા શંકરને જોઇને નારદે વિચાર્યુ કે, આ દર્શન હિમાલય મેનાને થશે તો અતિ આશ્ચર્યથી તેના દેહ રહેશે નહીં. તરત મુક્તિમાં જશે. લગ્નમાં વિઘ્ન થશે. તેથી શંકર પાસે જઇને નારદે કહ્યું, તમારું તેજસ્વીરૂપ સંકેલી લ્યો. શંકરે કૃષ્ણસમાન રૂપ સંકેલીને રુદ્ર રૂપ ધારણ કર્યું. જટા, ત્રિશુલ, ધનુષ્ય, મુંડમાળા, પાંચ માથા, દશ હાથ, ભિક્ષાપાત્ર એવું સ્વરૂપ જોઇને મેના કહે : નારદ આ સર્વેમાં મારો જમાઇ કોણ છે ? નારદ કહે : ગણો અને ભૂતોથી વિંટળાયેલા શંકર તમારા જમાઇ છે. મેના તો આવા તેના નાક-કાન વિનાના ખાડા, ખોબડા, લુલા, લંગડા, ઠૂંઠા, બુંઠા, કાણા, ફાંગા, કાળા- પીળા, માથા વિનાના પશુ-પક્ષી જેવાં, ડમરૂ, ડાકલાં વગાડતા ગણોને જોઇને ભૂતોને જોઇને ભય પામી દુ:ખી થઇ અતિ શોક કરતી નારદને કહેવા લાગી. અરે અમને સાત ઋષિઓએ છેતર્યા તેં પણ અમને છેતર્યા. અમને દુ:ખના દરિયામાં નાખ્યા. મારી પુત્રી પાર્વતી પુષ્પ જેવી વેલને કાંટામાં નાંખી.