ભાગ · અધ્યાય ૨૪૮

વૈશાખ વદની વરુથીની એકાદશી - બ્રહ્માના માનસપુત્ર વરુથની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈશાખ વદ વરુથીની એકાદશીની કથા વ્રતવિધિ કહું છું. વાસના નાશ કરનારી મુક્તિ આપનારી છે. એકાદશીનું વ્રત કરનારાએ કાંસાના પાત્રમાં જમવું નહિ. માંસ, મસુરદાળ, ચણા, કોદરો, શાક, મધ, પારકુ અન્ન, બીજીવાર ભોજન, મૈથુન, જુગાર, નિદ્રા, વાદ-વિવાદ, ચોરી, હિંસા, ક્રોધ, આદી દોષોને જીતવા તો વ્રતનું ફળ મળે છે. એકાદશીએ શ્રીકૃષ્ણના મંદિરમાં મંડળ પુરીને પુરુષોત્તમ નારાયણનું ષોડ્શોપચારથી પૂજન કરવું. નૈવેધ ધરી, આરતી કરી વ્રતમાં વિઘ્ન ન થાય તેવી પ્રાર્થના કરવી.

પૂર્વે સત્યુગમાં બ્રહ્માનો માનસપુત્ર વરુથ મરીચી ઋષિના આશ્રમમાં રહીને ભણતો. ગુરુની આજ્ઞામાં સર્વે રહેલું છે. ગુરુને ભગવાન માની સેવાભક્તિ કરતો. એકવાર મરીચી ઋષિ બ્રહ્માની સભામાં જવાના હતા. વરુથને બોલાવી કહે : જેવી રીતે મારી સેવા કરે છે તેવી રીતે ગુરુ પત્ની કલાની આજ્ઞામાં રહી સેવા કરજે. એમ કહીને સત્યલોકમાં ગયા. વરુથ તો ગુરુની જેમ ગુરુ પત્નીની આજ્ઞાનું પાલન કરતો. એક વખત ગુરુ પત્ની રજોગુણમાં આવીને વરુથને કહે : મને કામ શાંતિ પમાડ. વરુથે આજ્ઞાનું પાલન કર્યું. ગુરુપત્ની કલાએ આશીર્વાદ આપ્યા. તું અક્ષયસુખ પ્રાપ્ત કર. ત્યાં મરીચી ઋષિ આવ્યા. બંનેની આયુરેખા તૂટી ગઇ. મરીચીએ કારણ પૂછયું. બન્નેએ બન્યું તેવું કહ્યું. ત્યાં યમદૂતો આવી બેયને યમરાજ પાસે લાવ્યા. મરીચી તેની પાછળ આવીને કહે. યમરાજ દંડ આપવો હોય તો મને આપો. મારી આજ્ઞામાં બેય રહેલા છે. યમરાજ મૂંઝાયા. શું કરવું ? વરૂચે શ્રીહરિને પ્રાર્થના કરી - જો હું ગુરુભક્ત ગુરુની આજ્ઞાનું પાલન કરનારો હોઉં તો મારું રક્ષણ કરો. ત્યાં આકાશવાણી થઇ. યમરાજ ગુરુ, ગુરુપત્ની કલા તથા વરુથએ ત્રણે આજે એકાદશી હોવાથી પાણી પણ પીધું નથી. તેથી તે પુણ્યથી તેની આયુરેખા વધી જાય છે માટે છોડી મૂકો. તે વરુથના નામથી વરુથીની એકાદશી થઇ. તેથી આ એકાદશી સર્વે પાપ હરનારી વૈધવ્યપણું મટાડનારી યમ ભયથી રક્ષણ કરનારી છે.