પતિવ્રતા સુશીલા દ્વારા પતિ કૌશિક બ્રાહ્મણની રક્ષા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પતિ સેવાનો ચમત્કાર કેવો છે તે કહું છું. પતિને કૃષ્ણસ્વરૂપ જાણી સેવા કરે છે તેનું શ્રીહરિ રક્ષણ કરે છે. પૂર્વે કૌશિક નામે બ્રાહ્મણ વેદ ભણેલો ધર્મ, કર્મકાંડ કરતો હતો. તે રાજાનો માનીતો હતો. એકવાર રાજાએ ઉત્સવમાં મનોરંજનમાં બ્રાહ્મણને બોલાવ્યો. કચેરીમાં દારૂપાન થતા હતા. નાચગાન થતા હતા. તે વખતે બ્રાહ્મણ નૃત્ય કરનારી ગણિકામાં મોહ પામ્યો. રાજાનો ઉત્સવ પૂરો થયો. કૌશિક વિપ્ર, ગણિકાને ઘરે ગયો. ધર્મ ભ્રષ્ટ થયો. વેદશાસ્ત્ર, ધર્મ, કર્મ, ભક્તિ, સત્કાર્ય, બધુ બંધ કર્યું. તેની પતિવ્રતા પત્ની સુશિલાને ખબર પડી. પતિસેવાથી જરા પણ ચલાયમાન ન થઇ. કૌશિક બ્રાહ્મણે પોતાની સર્વે સંપત્તિ ધીમે ધીમે મોહથી ગણિકાને આપી દીધી. પછી પત્ની સુશીલાને કહ્યું, તારા પિતાને ત્યાંથી ધન લઇ આવ. સુશીલા પિતાને ત્યાંથી ધન લાવી. પતિને આપ્યું. કૌશિક અતિમોહથી ગણિકામાં અંધ થયેલો હોવાથી સર્વે ધન ગણિકાને આપી દીધું. જતે સમયે કૌશિક બ્રાહ્મણ ધર્મકર્મને ભગવાનને ભૂલી જવાથી શરીરે કોઢવાળો થયોને પાપથી રોગ થયો તો પણ ગણિકાનો સંગ છોડી ન શક્યો. પછી ખાટલાવશ થવાથી પત્નીને કહ્યું, મને પેલી ગણિકાને ત્યાં લઇ જા. જો મને વાસના રહેશે તો મારી અધોગતિ થશે.
પતિનું વાક્ય સાંભળી સુશીલા પતિને સંતોષ પમાડતી ખંભા પર બેસાડીને ગણિકાને ત્યાં લઈ ગઈ. ઘણાં દિવસો પછી બ્રાહ્મણે આશિર્વાદ આપ્યા. તારો સતીલોકમાં વાસ થશે. આજે મને છેલ્લીવાર ગણિકાને ત્યાં લઇ જા. સુશીલા રાત્રે પતિને ખંભા પર બેસાડીને જતી હતી ત્યાં રસ્તામાં માન્ડવ્ય ઋષિ આસન કરી સૂતા હતા. અંધારામાં નહીં દેખાવાથી સુશીલાનો પગ ઋષિને ભટકાયો. ઋષિએ શાપ આપ્યો. મને ઠોકર મારનારનું સૂર્યોદયે મૃત્યુ થાવ. ઋષિનો શાપ સાંભળી સુશીલા કહે, જો હું પતિભક્તિ પરાયણ હોઉં તો સૂર્યોદય ન થાવ. આ સુશીલા પતિને ગણિકાને ત્યાં લઇ જઇ પાછી પોતાને ઘરે આવી. સંપત્તિ માટે લક્ષ્મીનું ચિંતવન કર્યુ.ં લક્ષ્મીજી આવીને દિવ્ય ચિંતામણિ આપી અદૃશ્ય થયા. મણિ પ્રતાપે સંપત્તિનો પાર ન રહ્યો. પણ સવારે સૂર્યોદય ન થવાથી દેવોનું પિતૃઓનું પૂજન, તૃપ્તિ, બંધ થયા. બ્રહ્મા પાસે દેવો ગયા.
બ્રહ્મા કહે : પતિવ્રતા સુશીલા પાસે જઇ પ્રાર્થના કરો. દેવોએ સુશીલા પાસે આવી સ્તુતિ કરી. હે દેવી જો સૂર્ય ઉદય ન થાય તો જીવ પ્રાણીમાત્ર જીવી ન શકે માટે કૃપા કરી સૂર્યગતિ ન અટકાવો. સુશીલા દેવોને કહે મારો પતિ રોગી છે. તે નિરોગી થાય. તેનું મારી પેલા મૃત્યુ ન થાય. આ વરદાન આપો. દેવો કહે : તથાસ્તુ. પછી સુશીલાના કહેવાથી સૂર્યની પ્રાર્થનાથી સૂર્યોદય થયો અને બ્રહ્માંડમાં સર્વને સુખશાંતિ થઈ પછી દેવોએ અશ્વિનીકુમારને બોલાવી કૌશિકને રોગમુક્ત કરી યુવાન બનાવ્યો. આ રીતે પતિવ્રતા સ્ત્રીનો પ્રભાવ બતાવ્યો. પછી માંડવ્યઋષિએ બાળકો માટે નવા ધર્મોનો નિયમ કર્યો. પાંચ વર્ષ સુધીમાં બાળકોથી પાપ થાય તો તેને પાપ ન લાગે. પાંચથી દસ વર્ષના બાળકને અડધું પાપ લાગે. દસ વર્ષ પછી જે પાપ કરે તેનું ફળ તેને ભોગવવું પડે.