શુક્લ - મેઘનાદક્ષેત્ર - પિપલેશ અને લુબ્ધેશ્વર તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નર્મદા કાંઠે રહેલા શુકલતીર્થના દર્શન કરનાર ક્યારેય પણ યમપુરીમાં જતો નથી. જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સર્વે તિર્થોવાસ કરે છે. જ્યાં ઈન્દ્રે શંકરની બીલ્વપત્રની પૂજા કરી છે. જ્યાં દિકપાલ દેવોએ શ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી છે. ત્યાં પૂર્વે યયાતિ રાજાએ એકવાર યજ્ઞ કરાવ્યો અને તે યજ્ઞમાં શ્રીહરિ અને શંકરના બ્રાહ્મણોએ સ્થાપન ન કર્યા અને સર્વે દેવો આવ્યા ત્યારે જયસુરનામે દૈત્ય આવી યજ્ઞનો દૂધપાક, હવિષ્યાન્ન વગેરે ખાઇ ગયો તથા સોમરસનું પાન કરી ગયો ત્યારે દેવો મૃગલાના રૂપ લઇને નીકળી ગયા. યયાતિ રાજા શસ્ત્ર લઇ શ્રીહરિનું શિવનું સ્મરણ કરી દૈત્યો સાથે યુદ્ધ કરવા ગયો અને દૈત્યોનો નાશ કર્યો. ફરી યજ્ઞ શરૂ થયો. તે વખતે શ્રીહરિ અને શંકરે આવી તે સ્થાનને પોતાના તેજથી તેજોયમાન કર્યું. તેથી તે તીર્થ શુક્લ તીર્થ નામે પ્રસિદ્ધ થયું. ત્યાં યયાતિ રાજાએ માઘવેશ્વર લિંગ અને નરનારાયણની સ્થાપના કરી. ત્યાં સ્નાનદાન, યજ્ઞ કરવાથી સર્વે ઈચ્છાઓ પૂર્ણ થાય છે. યજ્ઞ પૂરો કરી યયાતિ રાજા પોતાના રાજ્યમાં આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી ધામમાં ગયો.
એકવાર રાવણ પૃથ્વીમાં ફરતો ફરતો દેવગીરી આવ્યો. મયદાનવે તપ કરતી પોતાની કન્યા મંદોદરી વિધિપૂર્વક રાવણને પરણાવી. રાવણ તેને લઇને સિંહલદ્વિપ આવ્યો. તેને પુત્ર થયો. જન્મતા જ મેઘ જેવો અવાજ કરવાથી મેઘનાદ નામ પડ્યું. તેણે શંકર-પાર્વતીની પૂજા કરતો. તેણે એકવાર કૈલાશ જઇ પાષાણનું લિંગ લાવી નર્મદામાં સ્થાપન કરી પૂજા કરી ત્યાં મેઘનાદક્ષેત્ર તીર્થ થયેલું છે. ઈન્દ્રના સારથી માતલીએ દારૂકવનમાં તપ કરી શંકરને પ્રસન્ન કર્યા. શંકરે પ્રસન્ન થઇને “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર આપી કહ્યું કે, શ્રીકૃષ્ણ પ્રભુનો અવતાર થશે ત્યારે તારો મોક્ષ થશે. તે માતલીનો વાસુદેવના યોગથી મોક્ષ થયો.
પૂર્વે ગોવિંદ નામે બ્રાહ્મણ દંપતી પ્રભુભક્ત નર્મદા કાંઠે રહેતા. એકવાર વનમાંથી લાકડાનો ભારો લાવી સાંજે ફળીયામાં અંધારામાં નાખ્યો. ત્યાં લાકડાના ભારા નીચે પોતાનું બાળક દબાઇને મરી ગયું. પછી ખબર પડતા પત્નીને પતિના શરીરમાં બાળહત્યારૂપી કીડા દેખાણા પછી દંપતી નર્મદામાં સ્નાન કરી પ્રભુની સ્તુતિ કરી બાળકને સ્નાન કરાવ્યું ત્યાં તો બાળક સજીવન થયું. તે પિપલેશ તીર્થ થયેલું છે. પૂર્વે એક શિકારી મૃગ પાછળ પડ્યો. મૃગ નર્મદામાં પડી મરણ પામી દિવ્ય દેહ ધારણ કરી આકાશમાં ગયો. તે જોઇને શિકારી આશ્ચર્ય પામી પોતે પણ નર્મદામાં મરવા પડ્યો તે ગાંધર્વ થયો. ત્યાં લુબ્ધેશ્વર તીર્થ થયું છે.
ભક્તોએ અનેક પુષ્પોને સંભારીને પ્રભુની પૂજા કરવી. ફૂલને પહેલું પુષ્પ, દૂધ તે બીજું પુષ્પ, ધૂપદીપ તે ત્રીજું પુષ્પ, ચંદનાદિક તે ચોથું પુષ્પ, કંદમૂળ તે પાંચમું પુષ્પ, વનસ્પતિ ફળફુલ તે છઠ્ઠું પુષ્પ. તથા પવિત્ર અન્નથી પૂજા કરવી તે પહેલું પુષ્પ, અહિંસા બીજું પુષ્પ ઇદ્રિયોનો નિગ્રહ, ત્રીજું પુષ્પ દયા, ચોથું પુષ્પ શ્રીહરિનું સ્મરણ, પાંચમું પુષ્પ સદ્ગુરુની સેવા, છઠ્ઠું પુષ્પ પિતૃપૂજન, સાતમું પુષ્પ સ્વામીની સેવા, આઠમું પુષ્પ શ્રીનારાયણનો આશ્રમ. એ સર્વેની પૂજા કરવાથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રાપ્ત થાય છે. રાધા તે પહેલું પુષ્પ, લક્ષ્મી તે બીજું પુષ્પ, પાર્વતી તે ત્રીજું પુષ્પ, પ્રભા તે ચોથું પુષ્પ, માણિકી તે પાંચમું પુષ્પ, લલીતા તે છઠ્ઠું પુષ્પ, મંજુલા તે સાતમું પુષ્પ, હંસા તે આઠમું પુષ્પ, સગુણા તે નવમું પુષ્પ, ચંપા તે દશમું પુષ્પ, દયાદેવિકા તે અગિયારમું પુષ્પ. આ અનેક પુષ્પો સંભારીને પ્રભુની પૂજા કરવી. તથા ભૃગુ ઋષિએ કન્યા ભાર્ગવી વિષ્ણુને આપી ત્યાં ભૃગુતીર્થ થયું છે.