ભાગ · અધ્યાય ૬૮

પુરુષના શરીર ચિહ્નો વડે ભાગ્ય વર્ણન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મનુષ્યના નરનારીઓના શરીરોના ચિહ્નો પરથી, આકૃતિ પરથી તે કેવા ભાગ્યવાળો છે તે ખબર પડે છે. દરિદ્ર માણસના પગ સુપડા જેવા. આંગળીઓના નખ સૂકા હોય. હત્યા કરનારાના બંને પગના અંગુઠા ખીલા જેવા હોય છે. રાજા અને શાસ્ત્ર ભણેલો વિદ્વાન તેને એક રોમમાં બે રોમ હોય. જેના ગોઠણ પર માંસ ન હોય તે ભાગ્યશાળી. મોટા ગોઠણ વધારે જીવે. આંગળીઓ ભેગી, નખ લાલ તે રાજા થાય. અલ્પ લિંગ સંતાન રહિત થાય. સ્થૂળ લિંગ સંતાનોવાળો પણ ધન રહિત થાય. પેટમાં એકવળ સો વર્ષ જીવે. બે વળ પડે તો સંપત્તિવાળો. ત્રણ વળ પડે તો આચાર્ય થાય. ઉદરમાં રોમ જમણી બાજુ વળે તો રાજા થાય. ડાબી બાજુ વળેલા હોય તો દુ:ખી થાય. અધર્મી રાજાના માથાના વાળ ઊભા રહે છે. શુષ્ક ગળાવાળા દરિદ્ર. શંખ જેવા ગળાવાળા ધનવાન. સમાન છાતીવાળો ધનવાન. પહોળી છાતીવાળા રમાપતિ વિષ્ણુ. જાડા ગળાવાળો શુરવીર. લાંબા ગળાવાળો વધારે ખાનારો. જેના હાથ ગોઠણને અડતા હોય તે દેવ કે આચાર્ય હોય. બે મત્સ્યના ચિહ્ન હાથમાં હોય તો યજ્ઞ કરનારો થાય. હાથમાં વજ્ર ચિહ્ન હોય તો વિદ્વાન રાજા થાય. હથેળીમાં ત્રિકોણ હોય તો ધાર્મિક થાય. મોટા કાનવાળો રાજા થાય. નાના કાનવાળો લોભી થાય. પોપટની ચાંચ જેવું નાક હોય તો ભાગ્યશાળી. કુંચિત નાકવાળો ચોર હોય. પિંગળી આંખવાળો ક્રૂર હોય. ગંભીર નેત્રોવાળો ઇશ્વર થાય. મોટા નેત્રોવાળો મંત્રી થાય. નીલ નેત્રવાળો વિદ્વાન થાય. વિશાળ ભાલવાળો આચાર્ય થાય. સ્વસ્તિક, ધનુષ, ત્રિશૂળ, ધ્વજ, મત્સ્યરેખા હોય તો શ્રીહરિના અંશ કહેવાય છે. નર ચિહ્નવાળી નારી, નારી ચિહ્નવાળો નર તે બંને મંગલ કરનારા નથી.