ભાગ · અધ્યાય ૫૩૬

સમુદ્રતીર્થ અને સરસ્વતીતીર્થનો મહિમા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે દેવોએ પ્રભાસમાં સોમનાથ સમુદ્ર કાંઠે યજ્ઞ કર્યો ત્યારે વિપ્રોને ભોજન કરાવી દાન પ્રભાસના વિપ્રોને આપી દીધું. ત્યાં આકાશમાર્ગેથી બીજા બ્રાહ્મણો આવ્યા દેવો પાસે દાન લેવા. કાંઇ ન હોવાથી સમુદ્રમાં ચાલ્યા ગયા ત્યારે સમુદ્રે મૂર્તિમાન આવી બ્રાહ્મણોને માંસ મિશ્રિત ભોજન કરાવ્યું. ભોજન કરી બ્રાહ્મણો આકાશ માર્ગે ચાલ્યા પણ ગતિ ન કરી શક્યા. એટલે યોગથી સમુદ્રનું કપટ જાણી શાપ આપ્યો કે, તું રોજ સુકાતો જઈશ અને બ્રાહ્મણથી અસ્પૃશ્ય રહીશ. ત્યારે સમુદ્રે દેવોને કહ્યું, દેવો બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે, સમુદ્રના પાણીના યોગ વિના વરસાદ ન થાય અને અનાજ ન પાકે માટે સમુદ્ર ન સુકાય તેવી રક્ષા કરો.

બ્રહ્માએ સમુદ્ર કાંઠે આવી બ્રાહ્મણોને સમુદ્ર પાસે દાન અપાવ્યા અને શાપ મુક્ત કર્યો તથા બ્રહ્માએ કહ્યું, તું ત્રણ પ્રકારે પવિત્ર રહીશ એક પર્વકાલે, બીજો નદીના સંગમથી, ત્રીજો કાંઠે રહેલા તિર્થોથી તારામાં સ્નાન કરશે તે સર્વે તીર્થનું ફળ મેળવશે. તથા દેવપૂજનમાં, અભિષેકમાં તારું જલ સદા પવિત્ર મનાશે. પૂર્વે ઈન્દ્ર દૈત્યોને જીતીને અસ્ત્રો દધિચી ઋષિના આશ્રમમાં મૂકી સ્વર્ગમાં ગયો. દધિચિ ઋષિ નદીનું પાણી અને અસ્ત્રો લઇને હિમાલયમાં તપ કરવા ગયા. દેવો અસ્ત્રો લેવા આવ્યા. ઋષિ કહે, ગોલોકથી નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા, સુમના, ગાયોને બોલાવી મારું પોતાનું શરીર ચટાવો તેથી મારા હાડકાં શસ્ત્રો થઈ જશે. એ રીતે કર્યું. એટલે દધિચી ઋષિના હાડકાં શસ્ત્રો થઇ ગયા. પછી દધિચી ઋષિનો પુત્ર પ્લક્ષ તપ કરતો હતો. તેના સાથળમાંથી વડવાનળ અગ્નિ નીકળ્યો. દેવોએ ભય પામી સરસ્વતીને કહ્યું, આને શાંત કરો. ત્યારે સરસ્વતીએ તે બાળક લઇ પ્રભાસના સમુદ્રમાં નાખ્યો. તે વડવાનળ આજ સુધી સમુદ્રનું ખારું પાણી પીને વરાળ રૂપે કરી. વાદળારૂપે થઈ વૃષ્ટિ કરે છે. તેથી અન્ન વગેરે વનસ્પતિ થાય છે. તે વડવાનળ અગ્નિથી સોમનાથ ભૂમિનો ધોળો પથ્થર થયો. તેના જૂનાગઢના મહેલો, હવેલીઓ થઈ.

સરસ્વતી કુંવારી હોવાથી સ્વયં પ્રગટ થઈને અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવી પ્રભુને પગે લાગી કહે, પ્રભુ હું અનાથ છું. તેથી તમે મારા પતિ સ્વામીનાથ થાઓ. એમ કહી અનાદિશ્રીકૃષ્ણનારાયણને કંઠમાં પુષ્પનો હાર પહેરાવ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ અક્ષય પીપળારૂપે થયા અને સરસ્વતિ તેના મૂળરૂપે ત્યાં રહ્યા અને બીજા અનેક સ્વરૂપે અનેક સ્થાનોમાં પ્રગટ થઈને તીર્થરૂપે થયા. તે સરસ્વતી પ્રભાસક્ષેત્રમાં પ્રગટ થઇને ત્રિવેણી રૂપે થયા. પૂર્વે બૃહદ્રથ રાજાની રાણી પૂર્વે જન્મમાં આયર કન્યા હતી. તેણે ત્રિવેણીમાં સ્નાન કરી બ્રાહ્મણને દાનમાં સુવર્ણકંકણ આપ્યું તે પુણ્યથી રાજકન્યા થઈ અને રાણી થઇ. એ પ્રમાણે શંકરે પાર્વતીને સરસ્વતીનો સોમનાથનો અને સમુદ્રનો તીર્થ મહિમા કહ્યો.