ભાગ ૧ · અધ્યાય ૩૬
ગૃહસ્થોને સત્પુત્ર માટે ગર્ભદાનનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, પૂર્વજન્મમાં દાન-પુણ્ય કે ભક્તિ કરી હોય તો પતિ, પત્ની કે પુત્રો ગુણવાળા પ્રાપ્ત થાય છે, બહુધા સંસાર ઋણાનુબંધનુસાર ચાલે છે, કોઇ પુત્ર લેણદાર આવે છે, કોઇ પુત્ર દેણદાર આવે છે. દેણદાર પુત્ર માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી, સેવા કરી, સંપત્તિમાં વધારો કરી, આશીર્વાદ મેળવે છે. લેણદાર પુત્ર માતા- પિતાની આજ્ઞામાં રહેતો નથી. તિરસ્કાર કરી પિતાની સંપત્તિનો નાશ કરે છે. તેથી સત્પુત્રો માટે પતિ-પત્નીએ સાત્વિકપણે રહેવું તથા રજસ્વલાની ચાર રાત્રિ ત્યજીને સોળ રાત્રિ સુધીમાં ગર્ભદાન કરવું. એકી રાત્રિમાં પુત્રી થાય. બેકી રાત્રિમાં પુત્ર થાય. રજસ્વલા પછી જેમ વધારે રાત્રિ જાય તેમ સંતાનો ગુણિયલ થાય. સ્ત્રીઓએ ઋષિપંચમીનું વ્રત કરવાથી રજસ્વલાથી થયેલા દોષો નાશ પામે છે.