ભાગ · અધ્યાય ૫૦૩

વ્યાસજીના દ્વિતીય પુત્ર કંપીજલથી વંશ આગળ વધ્યો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૂર્ય, વસુ, રૂદ્ર, વરૂણ, ઇન્દ્ર, અશ્વિનીકુમાર વગેરે તેત્રીસ કરોડ ઇશ્વરો આ સૃષ્ટિના કાર્યમાં રહેલા છે. તે સર્વ પૂજ્ય છે. દેવો દાનવો અને માનવોએ તેની પૂજા કરવી. આઠમ-ચૌદશ તિથી એ રુદ્રની પૂજા કરવી તો અપમૃત્યુ ન થાય. સુદ દસમીએ વસુઓ પૂજવા, છઠ-સાતમે સૂર્ય પૂજન કરવું. બારસે અશ્વિનીકુમાર પૂજવા. રુદ્ર પ્રસન્ન થઇ પરમપદ આપે છે. વસુઓ સ્વર્ગ આપે છે. આદિત્ય ઐશ્વર્ય આપે છે. અશ્વિનીકુમાર નિરોગી કરે છે. જ્ઞાન અને મોક્ષ આપનારા વ્યાસગુરુ સદા પૂજ્ય છે. તે વ્યાસ જાબાલીની કન્યા સુકીને પરણ્યા તેમાં બાર વર્ષ ગર્ભ રહ્યો. તેને વ્યાસે શાસ્ત્રનું જ્ઞાન ગર્ભમાં આપ્યું. તે શુકદેવ થયા. વ્યાસ કહે, તું કોણ છો ? ગર્ભથી બહાર કેમ નથી આવતો ? શુકદેવ કહે, ચોરાશી લાખ દેહ ધરીને આવ્યો છું. હું જાણતો નથી હું કોણ છું. વ્યાસ કહે, હું તને જ્ઞાન અને મોક્ષનો માર્ગ બતાવું. તે તું બીજાને બતાવજે. શુકદેવ કહે, ગર્ભથી બહાર આવું તો માયાનો દોષ લાગે. જ્ઞાન નષ્ટ થાય. જો તમે મારા સાક્ષી થઇને, રક્ષણ કરો તો બહાર આવું. વ્યાસ કહે, શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરતો બહાર આવ. શુકદેવ પ્રભુનું સ્મરણ કરતા બહાર આવી માતા-પિતાને નમસ્કાર કરી ચાલતા થયા. વ્યાસ કહે, જાતસંસ્કાર કરવા દે. શુકદેવ કહે, હજારો જન્મોમાં સંસ્કાર કર્યા. વ્યાસ કહે, પિતાજીને ત્યજી વનમાં જાય તે નરકમાં પડે છે. શુકદેવ કહે, ગયા જન્મે તમે મારા પુત્ર હતા અને તમને પણ ત્યજી મારા પિતા પરાસર વનમાં ગયા. વ્યાસ કહે, પ્રથમ બ્રહ્મચારી રહેવું. પછી ગૃહસ્થમાં જોડાવું. પછી ત્યાગ કરવો તો મોક્ષ થાય.

શુકદેવ કહે : જો બ્રહ્મચર્યથી મોક્ષ થતો હોય તો નપુંસકનો મોક્ષ થાય અને ગૃહસ્થ થવાથી મોક્ષ થતો હોય તો આખા જગતનો મોક્ષ થાય. વનમાં જવાથી, ત્યાગથી મોક્ષ થતો હોય તો મૃગલાઓનો મોક્ષ થાય માટે ચિંતામણિ મળે તો પછી કાંકરાને શું કરવા. એક કોટડીમાંથી નીકળી બીજી કોટડીમાં કોણ પુરાય. સુવર્ણરસ મળ્યા પછી કાદવ કોણ ચૂંથે. એમ કહી શુકદેવ વનમાં ગયા. વ્યાસ પત્નીને કહે, વંશ રાખે તેવો પુત્ર આપો. વ્યાસે શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી જપ કર્યો. પ્રભુ પ્રસન્ન થઇ કહે, તમારી ઈચ્છા પૂર્ણ થશે. પછી વ્યાસથી કંપીજલ નામે પુત્ર થયો. તે ભરદ્વાજની કન્યાને પરણી તેનાથી તેત્રીસ પુત્ર થયા. તે પ્રાગ્જ્યોતિષ પૂરના પર્વતમાં રહ્યા ત્યાંના રાજા થયાં ત્યાનાં ગુરુ થયા. ત્યાં એક પુરૂષ અને સો સ્ત્રી હતી. તે પોતાના તપના પ્રભાવથી સમાન પુરૂષો અને સમાન સ્ત્રીઓ કરીને રહ્યાં ત્યાં બાલવાકુંડ વગેરે તિર્થો થયેલા છે.