ભાગ · અધ્યાય ૫૭૦

હરિદ્વારના કુલ્જામ્ર તીર્થમાં સ્નાન-દાનથી કૌશલ દેશના રાજા-રાણીની મુક્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે મારા ભક્ત રૈભ્યઋષિએ ગંગા નદીમાં પાણીમાં તળીયે બેસી પાણી પીને હજારો વર્ષ તપ કર્યું. પછી આંબાના વૃક્ષ નીચે બેસી શ્રીકૃષ્ણનારાયણનો જપ કર્યો. તેથી હું પ્રસન્ન થઈ તેને દર્શન દેવા ગયો. રૈભ્યઋષિ દંડવત કરી પગે લાગી પ્રભુને કહે, હે પ્રભુ તમે અહીં સદાવાસ કરો. રૈભ્ય ઋષિની પ્રાર્થના સાંભળી પ્રભુ કહે, તથાસ્તું. હે લક્ષ્મી, તે હરિદ્વારમાં ગંગા કાંઠે કુલ્જામ્રતીર્થમાં હું પુંડરીકાક્ષ નામથી વાસ કરું છું. ત્યાં મંદિરમાં રૈભ્યઋષિ પ્રભુની પૂજા કરતા હતા. એકવાર એક નાગણી મંદિરમાં આવી પ્રસાદી જમતી અને ત્યાં રહેતી. ત્યાં એક નોળિયો આવ્યો. બન્ને વચ્ચે યુદ્ધ થયું. બન્ને મંદિરમાં મરણ પામ્યા. માઘ સુદ બારશે મંદિરમાં મૃત્યુ થવાથી નાગણી પ્રાગજ્યોતિષપુરની રાજકુમારી થઇ અને નોળિયો કોશલ દેશનો રાજા થયો. પૂર્વ જન્મના સંસ્કારના યોગથી રાજકુમારી જ્યાં નોળિયાને દેખે ત્યાં મારવા દોડે અને રાજકુમાર નાગણીને દેખે ત્યાં મારવા દોડે. પ્રારબ્ધ કર્મથી બન્નેનો વિવાહ થયો. રાજ્યમાં સત્યોતેર વર્ષ ગયા.

એકવાર રાજારાણી બગીચામાં બેઠા હતા ત્યાં નાગણી નીકળી. રાજાએ મારી નાખી. રાણી ક્રોધે ભરાણી. પછી નોળીયો નીકળ્યો ત્યાં રાજાએ ના પાડવા છતાં રાણીએ નોળિયાને મારી નાખ્યો. રાજા ક્રોધ કરી કહે, નોળિયો મંગળરૂપ છે તેને ન મરાય. રાજા-રાણી બોલતા બંધ થયા. સર્વે પ્રજાને ખબર પડી એટલે પ્રધાનોએ આવી સમજાવ્યા. પછી રાજા- રાણીના માતા-પિતાએ કહ્યું, જપ, તપ, દાન, તીર્થ, યોગ, ભજન, ભક્તિથી સર્વે દુષ્ટ સંસ્કારોનો નાશ થયા છે. તેથી તમે હરિદ્વારમાં રહેલા ગંગા કાંઠે કુલ્જામ્રતીર્થમાં જાવ. તેથી રાજા-રાણી પ્રધાન વગેરે કુલ્જામ્રતીર્થમાં આવ્યા. ત્યાં પુંડરીકાક્ષ અને રાજકુમારી તેને પૂર્વે જન્મની સ્મૃતિ થઇ. પછી સ્નાન કરી હાથી, અશ્વ, ગાય, સુવર્ણ, રૂપિયાના દાન કરી પ્રભુના દર્શન કર્યાં. ત્યાં વિમાન આવ્યું. તેમાં બેસી શ્વેતદ્વીપ ધામમાં ગયા. પછી તેના માતાપિતા પણ પ્રભુની ભક્તિ કરી અંતે પ્રભુના ધામમાં ગયા. એ રીતે રૈભ્ય ઋષિની ભક્તિથી હરિદ્વારમાં કુલ્જામ્રતીર્થ થયું છે. હે લક્ષ્મી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારું નામ, સ્મરણ, ભજન કરનારાને હું તેના સર્વે પાપ બાળીને અંતે મારા ધામમાં લઈ જાવ છું.