કોણ સુખી રહે ? - કોણ દુ:ખી રહે ? - કોણ પ્રભુને પામે ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જે જનોને મારી ભક્તિ નથી, તેને દુ:ખો આવે છે અને જે સુખ થાય છે તે મારા યોગથી ભક્તિથી થાય છે. અનેક આશાથી ઘેરાયેલો અસંતોષી, અતિ તૃષ્ણાવાળો, ઉદ્વેગ અને કલેશ કરનારો તેને દુ:ખ આવે છે. ધર્મથી રહિત હોય, અપવિત્ર આત્મા હોય, દયા દાનથી રહિત હોય તેને દુ:ખ આવે છે. બીજાને છેતરનારો, દુ:ખ આપનારો, મારી પૂજા સેવાથી રહિત હોય તેને દુ:ખ આવે છે. નાસ્તિક, પુર્નજન્મને નહીં માનનારો, સર્વભક્ષી, સર્વ વસ્તુ વેચનારો, અતિથિને આપ્યા વિના ખાનારો, તે દુ:ખ પામે છે. સારા કુટુંબમાં જન્મ પામી સર્વ સાધન સંપન્ન હોવા છતાં પ્રભુની ભક્તિ ન કરે તે દુ:ખ ભોગવે છે. સ્વાર્થી વૃત્તિ રાખે. શાશ્વત સુખ મેળવે તેનો મનુષ્ય જન્મ વૃથા છે.
મને નૈવેધ અર્પણ કરી પ્રસાદ જમનારો, ત્રણવાર મારા દર્શન કરનારો તે સુખ અને શાંતિ મેળવે છે. મહિનામાં એકવાર સાધુ, બ્રાહ્મણ, પિતૃઓને તૃપ્ત કરે છે. તે સદા સુખી રહે છે. મોહરહિત, કામનાહિન, ચિંતાત્મા, સુવર્ણને લોઢાની સમાન દેખનારો તે સુખી થાય છે. દ્રવ્યની ચિંતા નહીં કરનારો, વ્યસનરહિત, રોગરહિત તે સુખ ભોગવે છે. શ્રીહરિનું ચિંતન કરનારો સદાય સુખિયો રહે છે. બીજાનું પોષણ કરનારો, થોડું ખાનારો, સહજ ભજન કરનારો, સકામ હોય કે નિષ્કામ મંદિરમાં વાસ કરનારો, સદા સુખી રહે છે. માતા, પિતા, પત્ની, ગુરુ બાળકોને દેવ સમાન માનનારો, જ્ઞાની વિવેકવાળો, ધીરજવાળો, નિસ્પૃહ એવા નર-નારી સદા સુખી રહે છે. શિયાળો, ઉનાળો, ચોમાસાની ઋતુમાં ભૂખ- તરસને સહન કરનારો, ભક્તિ રૂપી ધનવાળો, આળસરહિત તેઓ આત્માનું સુખ પામે છે. સત્ય વાણી બોલનારો, બ્રહ્મચર્ય પરાયણ રહેનારો, પોતાની પત્નીમાં સંતોષ માનનારો, પવિત્ર આત્મા સદા સુખી રહે છે.
સંત ભક્તોની સેવાપરાયણ આવા મારા ભક્તો ફરી ક્યારે પણ ગર્ભવાસમાં આવતા નથી. વૃથા વાદ વિવાદ ન કરવો. શઠ પણુ ન કરવું. ધર્મકર્મની નિંદા ન કરવી. કામ, ક્રોધ લોભને જીતનારા પુરુષો તે મને જ પામે છે. દેવ અતિથિ ગુરુ ગાયને માનનારા, તીર્થયાત્રા કરનારા તે મને પામે છે. સાધુ-સાધ્વીનું પુજન કરનારા, અનાથોનું પાલન કરનારા, ક્રોધ પામેલા ગુરુને પણ પ્રસન્ન કરનારા, પતિવ્રતા સ્ત્રીનું પાલન કરનારા, ગુરુ ભક્ત તે મને જ પામે છે. સર્વ ભૂતપ્રાણીમાત્ર પર દયા રાખનારા, બીજાના ધામની ઈચ્છા નહીં રાખનારા, આવા મારા ભક્તો મને જ પામે છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ તને મેં મારું રહસ્યજ્ઞાન કહ્યું. આ જ્ઞાન દેવતાઓ પણ મેળવી શકતા નથી. આ રહસ્યજ્ઞાન શંકરે પાર્વતીને ઋક્ષ પર્વતમાં કહ્યું હતું.