પતિવ્રતા મદાલસાએ પોતાના ત્રણ પુત્રોને ઉપદેશ આપી સાધુ બનાવ્યા
આ અધ્યાય 392–394 સંયુક્ત છે
પૂર્વે ધર્મથી પ્રજાનું પાલન કરનારો, ભક્તિવાળો, જ્ઞાની, વિપ્રોને, સાધુને પૂજનારો ઋતુધ્વજ રાજા હતો. તેના દર્શન કરવા ચૌદલોકના વાસી આવતા. એકવાર પાતાલથી બે નાગના પુત્રો આવ્યા. રાજાની સાથે મિત્રતા થઇ. તે ઋતુધ્વજ રાજા એકવાર પાતાલમાં ગયો. ત્યાં વિશ્વાસુ ગંધર્વની પુત્રી મદાલસાને જોઇને પૂછ્યું, તું કોણ છે ? કન્યાએ પોતાનું વૃતાંત કહ્યું. હું સ્વર્ગની ગંધર્વ કન્યા છું. પાતાલકેતુ નામે દૈત્ય મારું અપહરણ કરી લાવ્યો છે અને મારી સાથે બળજબરીથી લગ્ન કરવાનો છે. તો તમે મારું રક્ષણ કરો. પછી ઋતુધ્વજ રાજાએ તે દૈત્યને નાશ કરી મદાલસા સાથે લગ્ન કર્યાં. ટુંક સમયમાં મદાલસા મૃત્યુ પામવાથી ઋતુધ્વજ રાજાને અતિ સ્નેહ મદાલસામાં હોવાથી તપ કર્યું. મદાલસાનો ફરી અશ્વતર રાજાને ત્યાં જન્મ થયો. અને બીજીવાર લગ્ન કર્યા. બીજીવારના લગ્નમાં સતી મદાલસા પતિની સેવાની સાથે ભગવાનની અતિશય ભક્તિ કરતી. પ્રભુની ધૂન-કિર્તન, કથા કરતી અને સંભળાવતી. સમય જતા તેને પહેલો પુત્ર થયો. તેનું નામ વિક્રાંત પાડ્યું.
સતી મદાલસાના પુત્રને આત્માનો, બ્રહ્મનો સંસારની અસારતાનો ઉપદેશ આપવા લાગી. તું શુદ્ધ પવિત્ર જ્ઞાની છો. સંસારની માયાથી રહિત છો. તું માયાના દોષથી રહિત છો, પૂર્ણ છો. આત્મતૃપ્તિથી ભરેલો છો. સંત, ઘોર, મુઢ, આ શરીરના ધર્મ છે. ત્રણ ગુણ માયાના તેનાથી સર્વ કાર્યો થાય છે. જીવ, જલરૂપે હતો, વૃદ્ધિ પામ્યો, દ્રષ્ટીમાં આવ્યો કાર્યો કર્યા અને નાશ પામ્યો. આ સર્વે પંચભૂતના કાર્યો પંચભૂતમાં લીન થાય છે. તેથી આત્માને જન્મમાં ફરવાનું રહે છે. એ રીતે અનેક જન્મોને ધારણ કરતો ચોરાસીમાં ફરતો મનુષ્ય દેવ, દૈત્ય, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પીશાચ, જીવજંતુ, પશુ, પક્ષી, વૃક્ષ વગેરે અનંત જન્મોને ધારણ કરતો આ આત્મા એટલું જાણી જાય કે મારે માતા નથી. પિતા નથી, કુટુંબ નથી તેવા જ્ઞાનીને કોઇ કર્મ, માયા, દોષ, લેપ કરતા નથી. બંધન કરી શકતા નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પાંચ મહાભૂતોમાંથી શરીર થયેલું છે. તન માત્ર તે પંચ વિષયો છે. તે ઇન્દ્રિયો વડે ગ્રહણ થાય છે. ગ્રહણ કરનારા આત્મા સાર-અસારનો વિવેક કરીને રાધીકાપતિ એવા શ્રીકૃષ્ણનો આશ્રય કરે તો માયાના દોષ અને દુર્ગુણથી રહિત થાય. માટે હે પુત્ર તું પણ સર્વેશ્વર સર્વેના નિયંતા એવા તારા આત્મામાં રહેલા અંતર્યામી પરબ્રહ્મને જાણીને તેનું ભજન, ભક્તિ કર.
આ રીતે ઋતુધ્વજ રાજાની પત્ની પતિવ્રતા સતી મદાલસાએ પુત્રને બાળપણથી ઉપદેશ આપી જ્ઞાની ભક્ત બનાવ્યો. પુત્ર પણ રાગદ્વેષથી રહિત થઇને સાધુ થઇ તપ કરી, પ્રભુભક્તિ કરતો હતો. અને યુવાન થતાં મહાજ્ઞાની થઇ. સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરતો હતો. પછી રાજાથી સતી મદાલસાને બીજો પુત્ર થયો. તેનું નામ સુબાહું રાખ્યું. સતી મદાલસા પહેલા પુત્રની જેમ જ બીજા પુત્રને પણ આત્મનિષ્ટાનું જ્ઞાન આપ્યું. હે પુત્ર, શરીર પૂર્વે ન હતું, પછીથી નહીં રહે. આત્મભાવથી ન રહે તો વિશ્વાસઘાત કરનારું છે. તું તેજસ્વી છો, અજ્ઞાનરૂપી અંધકારમાં જતો નહીં. તારા મા-બાપ કૃષ્ણ છે. તારા કુટુંબ સર્વે કૃષ્ણ છે. તારું અહંમ ને મમ કૃષ્ણમય બનાવી દે. પારકું પોતાનું સર્વ પ્રભુ મય તારું સર્વસ્વ કૃષ્ણમય કરી, ભક્તિ કરી મોક્ષ પ્રાપ્ત કરી લે. જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુ:ખ સર્વે પરબ્રહ્મને અર્પણ કરી, નિર્લેપ થઈ, નિર્ગુણ થા. પત્ની તારી નથી. મહેલ, હાથી, દાસ-દાસી તારા નથી. આવું સમજી સંત સમાગમ કરી સદ્ગુરુની સેવા કરી. શ્રીહરિની નવધા ભક્તિ કરી મુક્તસ્થિતિ પ્રાપ્ત કરી લે.
આ રીતે સતી મહાલસાએ બીજા પુત્રને બ્રહ્મનો ઉપદેશ આપી મુક્ત બનાવી દીધો. પાપથી બચાવે તેને પિતા કહેવાય. ભક્તિ જ્ઞાન આપે તે માતા કહેવાય. પછી સતી મદાલસાને ત્રીજો પુત્ર શત્રુમર્દન થયો. તેને પણ આત્મા-અનાત્માનો વિવેક કહીને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે, તું આત્મા છો. તારે વિષે અંતર્યામી પરબ્રહ્મ રહ્યા છે. તેનું મનન, ચિંતન, ધ્યાન કરીને સાક્ષાતકાર કરી શાશ્વત આનંદનો અનુભવ કર. આ રીતે ઋતુધ્વજ રાજાની પતિવ્રતા સતી મદાલસાએ ત્રણ પુત્રને આત્મા-પરમાત્માનું જ્ઞાન આપી નિવૃત્તીવાળા સાધુ બનાવી મુક્ત સ્થિતિને પમાડ્યા. ધન્ય છે આવી ભારતની સન્નારી માતાને જેણે પુત્રને મોક્ષ માર્ગે મોકલ્યા.