ભાગ · અધ્યાય ૫૧૮

ઇન્દ્રદ્યુમ્ન રાજાને લોમશ ઋષિના દર્શન, ઉપદેશ અને આજ્ઞા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મનુષ્ય, દેવ, દૈત્ય સર્વે દેહધારી આત્માઓ માયાને વશ થઇ જીવન વ્યતિત કરે છે. અબજો વર્ષનું આયુષ્ય હોવા છતાં માયા કોઇ સાથે જતી નથી. પૂર્વે ઇન્દ્રદ્યુમ્ન રાજા યજ્ઞો કરી, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપતો. ધર્મથી પ્રભુનુ પાલન કરતો. તેના રાજ્યમાં યજ્ઞ વિનાની ભૂમિ ન હતી. તેના રાજ્યમા દુષ્કાળ પડતો નહીં. ચોર, લૂંટારાનો ભય ન રહેતો. કોઇ વ્યાધી રોગી ન હતા. દશમને દિવસે ઢોલ પીટાવતો. આવતી કાલે એકાદશી હરિવાસર છે તો કોઇ ભોજન કરશો નહીં. ઇન્દ્રદ્યુમ્ન રાજા સદેહે સત્યલોકમાં બ્રહ્મ પાસે ગયો. ઘણો સમય રહ્યો. પછી બ્રહ્મા કહે, પૃથ્વી પર તારી કીર્તિ તારું નામ કોઇ જાણે છે. ઇન્દ્રદ્યુમ્ન પૃથ્વીમાં આવી પૂછ્યું, અહીં ઇન્દ્રદ્યુમ્ન રાજા ક્યારે થયો ? ભરતખંડના મનુષ્ય કોઇ ઇન્દ્રદ્યુમ્ન રાજાનું નામ જાણતા જ નહીં પણ નૈમીષારણ્યમાં માર્કન્ડેય ઋષિ બ્રહ્માના દશ દિવસની આયુષ્યવાળા છે. તેને પુછો.

ઇન્દ્રદ્યુમ્ન રાજા માર્કન્ડેય ઋષિ પાસે જઇ કહે, તમે ઇન્દ્રદ્યુમ્નનું નામ સાંભળ્યું છે ? માર્કન્ડેય ઋષિ કહે, મે જોયો નથી અને સાંભળ્યો પણ નથી પણ મારાથી એક મોટો બકઋષિ હિમાલયમાં રહે છે. તેની પાસે જઇ પુછીએ. માર્કન્ડેયઋષિ અને ઇન્દ્રદ્યુમ્ન બકઋષિ પાસે આવી અને પૂછ્યું. બકઋષિ કહે, બ્રહ્માના વીસ કલ્પમાં મે ઇન્દ્રદ્યુમ્ન રાજાને જોયો નથી અને સાંભળ્યો નથી. સર્વે કહે, તમારાથી કોઇ વધારે આયુષ્યવાળો છે ? બકઋષિ કહે, એક ઉલ્લુકઋષિ કૈલાસ શિખર પર તપ કરે છે. ત્યાં સર્વ ગયા, પૂછ્યું. ઉલ્લુકઋષિ કહે, બ્રહ્માના ચાલીસ કલ્પમાં મે ઇન્દ્રદ્યુમ્ન રાજાનું નામ સાંભળ્યુ નથી પણ મારાથી મોટા એક ગધઋષિ ગૃધમાર્દન પર્વત પર તપ કરે છે. તેને પુછો. સર્વ ત્યાં જઇને પૂછ્યું. ત્યારે ગૃધઋષિ કહે, મારી આવરદામાં મેં ઇન્દ્રદ્યુમ્નનું નામ સાંભળ્યુ નથી ત્યારે ઇન્દ્રદ્યુમ્ન નિરાશ થયો પછી ગૃધઋષિ કહે, મારાથી એક મોટા કચ્છપ ઋષિ માનસરોવરમાં છે. ત્યારે સર્વ ઋષિઓ આકાશ માર્ગે માનસરોવર કચ્છપ ઋષિ પાસે આવ્યા. ત્યાં કચ્છપઋષિ તો ભાગવા માંડ્યા.

ગૃધઋષિએ પૂછ્યું, તમે શા માટે ભાગી જાવ છો ? કચ્છપઋષિ કહે, આ તમારી સાથે રહેલા ઇન્દ્રદ્યુમ્ન રાજાએ કેટલા યજ્ઞ કર્યા તેની ગણતરી જ નથી. યજ્ઞ વિનાની ભૂમિ ક્યાંય ન રહી ત્યારે મારી પીઠ ઉપર યજ્ઞ કર્યા.તે હજુ સુધી મારી પીઠ બળે છે. તેથી માનસરોવરમાં જળમાં કાચબારૂપે રહું છું. ઇન્દ્રદ્યુમ્ન રાજા કહે, તમારી આટલી બધી આયુષ્ય કેમ થઇ ? અને ઈચ્છા પ્રમાણે કાચબારૂપ ધારણ કઇ રીતે કર્યુ ? પછી કચ્છપઋષિએ સર્વનું માન સન્માન ભોજનપાન કરાવી સત્કાર કરી પૂર્વ વૃત્તાંત કહેવા લાગ્યા.

કચ્છપઋષિ કહે : હું વૈકુંઠમાં બસુહારી નામે પ્રભુનો પાર્ષદ હતો. વાડી બગીચામાંથી કમળના પુષ્પો લાવીને લક્ષ્મીજીને આપતો. લક્ષ્મીજી હાર બનાવી પ્રભુને પહેરાવતા. એકવાર સરોવરમાં સ્નાન કરવા ગયો તેમાં મોડું થયું. લક્ષ્મીજી આવીને કહે, પૂજાનો સમય પૂરો થયો. તોય ફુલ દેવા આવ્યો નહીં અને અહીં કાચબાની જેમ પાણીમાં પડ્યો છો જા કાચબો થા. પછી ગંગા પૃથ્વી પર આવી એની સાથે હું પણ આવ્યો. પણ પ્રભુજીએ કૃપા કરી. સૃષ્ટિ સમયે શેષ પણ સાથે આવ્યો. અસુરોનો નાશ કર્યો. ત્યારે પ્રભુજીએ શેષ પર શયન કર્યું તે શેષની નીચે હું હતો. શેષના ફેણ પર બ્રહ્માંડ રહેલું. ત્યાં બ્રહ્માને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ આશિર્વાદ આપી કહ્યું, વરદાન માંગો. બ્રહ્મા કહે, આ તમારો પાર્ષદ કાચબો અને અનંત શેષ બન્નેને દાસપણુ આપો. પ્રભુ કહે, તથાસ્તુ. ત્યાં લોમશઋષિ પ્રભુના દર્શને આવ્યા. મેં કહ્યું, તમે ક્યા વાસ કરો છો ? લોમશઋષિ કહે, સો બ્રહ્મા નાશ પામ્યા તે મેં જોયા છે અને હું બ્રહ્માંડમાં વિચરું છું. મહાકાળને નજરે જોઉં છું તેથી ક્યાંય આશ્રમ બાંધ્યો નથી પણ અત્યારે અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયેલા છે. તેથી ત્યાં પાંચ યોજનમાં આશ્રમ છે. ત્યાં અગિયાર રુદ્રો, બાર સૂર્યો, આઠ વસુઓ અને તેત્રીસ કરોડ દેવો વાસ કરે છે.

કચ્છપ ઋષિ કહે : રાજા, તે લોમશઋષિના દર્શન કરી સર્વ તિર્થોમાં ફરીને રેવતાચળમાં ગયો ત્યારે ત્યાં ઇન્દ્રદ્યુમ્ન રાજા રાજ્ય કરતો હતો. બીજી રાજધાની મહાકાલ વનમાં હતી. ત્રીજી રાજધાની પુરૂષોત્તમપુરીમાં હતી. તે બ્રહ્માના ચાલીસ કલ્પો વીતિ ગયા. તેની પહેલા ઇન્દ્રદ્યુમ્ન રાજા આ પૃથ્વી પર હતો. રાજાએ લોમશઋષિની આજ્ઞાથી મારી પીઠ પર યજ્ઞ કર્યા તેથી મારી પીઠ બળે છે. એટલે હું માનસરોવરમાં વાસ કરું છું માટે હે રાજા તે લોમશઋષિના દર્શન કરવા જા તે તને આત્મજ્ઞાનનો બોધ આપશે. પછી ઇન્દ્રદ્યુમ્ન રાજા સર્વ તિર્થોના દર્શન કરી અશ્વપટ સરોવર આવી. કુંકુમવાપી આવી કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણના

દર્શન

કરી

સાત

શિખરવાળા

મંદિરમાં

વિરાજતા

પરબ્રહ્મ પુરૂષોત્તમનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી લોમશઋષિ પાસે આવ્યા. એક વર્ષ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી પછી લોમશઋષિએ ઇન્દ્રદ્યુમ્ન રાજાને આત્મજ્ઞાનનો બોધ આપ્યો. જે જ્ઞાન પ્રભુએ લોમશઋષિને પૂર્વે આપ્યું હતું.