ચિત્રગુપ્ત દ્વારા જીવાત્માને પાપ-પુણ્ય પ્રમાણે સ્થાન - નરકમાં કોણ ન જાય ? - કયાં દાનથી શું પ્રાપ્ત થાય ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચિત્રગુપ્તની આજ્ઞાથી યમદૂતો નચીકેતાને અનેક નરકના સ્થાનો બતાવતા હતા અને પાપીઓને દુ:ખો ભોગવાવીને સર્પના, વાઘના, કીટના, જીવ- જંતુના અનેક જન્મોમાં મોકલતા હતા. રૂદ્ર, સંકર્ષણ, ધર્મરાજ, ચિત્રગુપ્ત આજ્ઞા કરતા તે પ્રમાણે યમદૂતો પાપી જીવોને જાગ્રતમાં હોય કે નિદ્રામાં, સુષુપ્તિમાં હોય કે મૂર્છામાં આયુષ પૂર્ણ થયે લાવીને ધર્મરાજ પાસે હાજર કરતા. ચિત્રગુપ્ત કહેતા આ જીવ પુણ્યશાળી છે. આને સ્વર્ગમાં જવા દો. આ વૃક્ષવેલી થાવ. આ જીવે ગાય, બ્રાહ્મણ, સાધુ, દેશને માટે પ્રાણ આપ્યા છે. માટે આ જીવને સ્વર્ગમાં મોકલો. એક કલ્પ સુધી ત્યાં વાસ કરે. આ જીવે રત્નો, સુવર્ણના દાન આપ્યા છે. માટે આને અશ્વિનીકુમાર દેવોના લોકમાં મોકલો. આ જીવે પિતૃઓને તૃપ્તિ પમાડ્યા છે. તેને સત્યલોકમાં જવા દો. આ જીવે પૃથ્વીનું દાન કર્યું છે. તેને સ્વર્ગમાં જવા દો. આ જીવે અતિથી સત્કાર, બ્રાહ્મણ, સાધુને જમાડ્યા છે. માટે તેને વૈરાજલોકમાં જવા દો. દેવોને પૂજનારા સ્વર્ગમાં રહે ત્યાં સુધી સ્વર્ગમાં વાસ કરે તથા અન્ન, જળ, વસ્ત્ર, રસદાન કરનારાને સ્વર્ગમાં મોકલી પછી ભગવાનના ધામમાં જશે. દુધ, દહીં, ઘી, મધ, સાકર વગેરેથી શંકરને સ્નાન કરાવે, દૂધપાક વગેરે મિષ્ટાનોથી પિતૃઓને તૃપ્ત કરે તે અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે.
નચીકેતા ઋષિઓને કહે : ચિત્રગુપ્ત આ સર્વે વર્ણન કરતા હતા. ત્યાં સભામાં નારદજી આવ્યા. યમરાજે પૂજા કરી, આસને બેસાડ્યા. નારદજીએ પૂછ્યું : આ જીવ અમરપણું કેમ પામે ? જપથી, તપથી, દાનથી, નિયમથી કે ઉપાસનાથી ? શાશ્વત કિર્તી સ્થાનની પ્રાપ્તિ કેમ થાય ? ક્યા પાપકર્મથી નરકમાં જાય છે. તે સર્વે લોકકલ્યાણ માટે કહો. યમરાજે સર્વે સાંભળતા નારદજીને કહ્યું : મનુષ્યો, ધર્મ અને પુણ્યથી સ્વર્ગને મેળવે છે. અધર્મ અને પાપથી નરકમાં જાય છે. સત્યવક્તા જ્ઞાની, શૂરવીર, ભૂમિદાન કરનારા, પત્નીવ્રત કપટથી રહિત સ્વામીભક્તો, અહિંસક બ્રહ્મચર્યનું પાલન કરનારા, દાન કરનારા, પિતૃભક્તો, સાધુ- ભક્તો સર્વે ભૂત પ્રાણી માત્રમાં દયાવાળા આવા જીવાત્માઓ ક્યારે પણ નરકમાં જતા નથી. વૈરાગ્યવાળા, સેવા કરનારા, અન્નજળથી સદાવ્રત ચલાવનારા, યજ્ઞ કરનારા, ચાતુર્માસમાં વ્રતો કરનારા, તલ, ગાય, સોનુ, પૃથ્વીનું દાન કરનારા, કાર્તિકવ્રત કરનારા, ગુરુની આજ્ઞામાં રહેનારા, મૌનવ્રતવાળા, શાસ્ત્રના અભ્યાસવાળા, આત્મનિષ્ટાવાળા, સર્વે ઈચ્છાએથી નિવૃત્ત થયેલા જીતેન્દ્રીય આવા જીવાત્માઓ ક્યારે પણ નરકમાં જતાં નથી અને અમરપણું પ્રાપ્ત કરે છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિથી અમરપદ પ્રાપ્ત કરે છે.
જ્ઞાનથી, અભયદાનથી, બ્રહ્મવ્રતથી, તપથી, જપથી, ઉપાસનાથી અમરપદ પ્રાપ્ત કરે છે. યશ-કિર્તી, સ્વર્ગભોગ, આયુષ્ય, જ્ઞાન, વિજ્ઞાન, આરોગ્ય, સૌભાગ્ય, ધનસંપત્તિ, પુત્ર- પુત્રી વગેરે સર્વે તપ અને વ્રતથી પ્રાપ્ત થાય છે. મૌનથી, વાણીથી, સિદ્ધિ થાય. સંતોષથી ઉત્તમ સુખ મળે. દાનથી ભોગ મળે. બ્રહ્મચર્યથી જીવન મળે. દીક્ષાથી પવિત્રપણુ, ફળફુલ ખાનારાને રાજ્ય, પાંદડા ખાનારાને સ્વર્ગ મળે, દૂધ પીનારો સ્વર્ગમાં જાય. દ્રવ્યદાન કરનારો શ્રીમંત થાય. ગુરુની સેવા કરનારા સારા સંતાનવાળા થાય. ગાયનું, રસનું દાન કરનારા, સાદડીનું આસન કરી નિંદ્રા લેનારા, તેના ઈચ્છેલા સર્વે સંકલ્પો પૂર્ણ થાય. પશુના દાનથી પશુ મળે, વાહનના દાનથી વાહન મળે, પુષ્પ, ગંધ, ફળ, વૃક્ષોના દાનથી સ્ત્રી, રત્નોવાળું ઘર મળે. ગૃહદાનથી ગૃહ મળે, શય્યાદાનથી શય્યા મળે. ઘી, તેલ, મધ, સાકરના દાનથી તેજસ્વી થાય. ફળના દાનથી પુત્ર થાય. પુષ્પદાનથી સૌભાગ્ય, છત્રદાનથી રાજ્ય મળે. રથના દાનથી વિમાન મળે. પ્રાણદાન અને અભયદાનથી સર્વે સંકલ્પ પૂર્ણ થાય છે. ધર્મરાજા કહે : હે નારદ જે વસ્તુ પદાર્થ મેળવવા હોય તેણે તે વસ્તુનું દાન કરવું. ધર્મરાજાનું આવું ધર્મદાન વૃત્તાંત સાંભળી નારદજી ધર્મરાજાને નમસ્કાર કરી સત્યલોકમાં ગયા.