વેનરાજાની શ્રાદ્ધ દ્વારા મુક્તિ - લોમશ ઋષિનો ઉપદેશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વેનરાજા ધર્મનો આશરો મુકી અધર્મ માર્ગે ચાલી વેદશાસ્ત્રનું ઉલ્લંઘન કરી વર્તન કરતો. સર્વ ઋષિઓએ કહ્યું, રાજા ધર્મનું પાલન કર. વેનરાજા કહે, ધર્મઅધર્મ સર્વે મેં કરેલા છે. રાજા ઈશ્વરોનો અંશ છે. મારી પૂજા કરો, મને માનો, મારી સમાન બળવાન પૃથ્વી પર કોણ છે ? અંતે રાજાના અધર્મથી સર્વ ઋષિઓએ ભેગા મળી અધર્મી વેનરાજાનો અથર્વમંત્રથી નાશ કર્યો. પછી તેના ડાબા હાથનું મંથન કર્યું. તેમાંથી પાપરૂપ ભીલ માછીમાર વગેરે નીકળ્યા. પછી જમણા હાથનું મંથન કર્યું. તેમાંથી સૂર્ય સમાન તેજસ્વી ધ્વજ, ધનુષ, શુલમીન, ચક્રના ચિહ્નવાળા પૃથુ રાજા પ્રગટ થયા. તેનો અભિષેક કરવા નદ, નદી, સમુદ્રો, ગાયરૂપે આવી અને સર્વ રસને આપવા લાગી પછી વેનરાજાની સદ્ગતિ કરવા પૃથુરાજાએ યજ્ઞ કર્યો. ત્યારે નારદે કહ્યું, વેનરાજા અત્યારે મેરુદેશમાં પૂર્વના પાપથી મ્લેચ્છ થયો છે. તેના ઉદ્ધાર માટે તું તીર્થયાત્રા કર. પૃથુરાજા કુરુક્ષેત્રમાં જઇ વિધિથી સ્નાન કર્યુ. તો પણ આ વેનના અતિ પાપ હોવાથી તે પાપો ન ધોવાણા. માટે સોમનાથ પ્રભાસમાં જઇ ત્યાં પવિત્ર પાંચ નદીઓનો પ્રવાહ વહે છે. તેમાં સ્નાન કરાવી ઉદ્ધાર કર્યો પછી પૃથુરાજાએ પ્રભાસમાં ગૌસ્પદતીર્થ આવી પિતૃશ્રાદ્ધ કર્યું ત્યાં વેનરાજા પ્રેતદેહનો ત્યાગ કરી દિવ્યદેહે સ્વર્ગમાં ગયો.
એકવાર આપસ્તંબ ઋષિ વસ્ત્ર વિના પાણીમાં તપ કરતા હતા ત્યાં ધીવરો આવી પાણીમાં જાળ નાખી. માછલા પકડ્યાં સાથે ઋષિ પણ જાળમાં આવી ગયા. ધીવરોએ ભૂલ બદલ માફી માંગી. જ્ઞાનપુરુષ સ્વાર્થમાં પ્રીતિવાળા થાય તો જ્ઞાની અને અજ્ઞાની મનુષ્યોમાં ફેર શું ? જ્ઞાનીઓ અજ્ઞાનીને તજી દે તો અજ્ઞાનીઓ સુખ પામે. પોતાની શક્તિ બીજાને દુ:ખ આપવા વાપરે તેને પાપ કહેવાય છે. બીજાના દુ:ખને જાણે છે તેને નારાયણ અંશ કહેલા છે. સામર્થ્ય હોવા છતાં તે બીજાના દુ:ખ નાશ નથી કરતો. તે પણ પાપનો ભાગીદાર થાય છે. તે મારી સામે માછલાઓ પકડયા તો હવે માછલાની સાથે મને પણ ખાઇ જા. અથવા મારી સાથે માછલાઓને પણ છોડી મુક. ધીવરો કહે, આ મારી મહેનતનું મૂલ્ય આપો એટલે માછલાંઓને છોડી મુકુ. ત્યાં નાભાગરાજા આવ્યા. રાજાએ કહ્યું, ઋષિના બદલામાં હજાર સોનામહોર, લાખો કરોડો સોનામહોર, અર્ધું રાજ્ય, આખું રાજ્ય આપું. ઋષિને છોડી મુકો. ઋષિ કહે, મારા તુલ્ય તારું આખું રાજ્ય પણ ન થાય. ત્યાં લોમશઋષિ આવ્યા અને વૃતાંત જાણી રાજાને કહ્યું સાધુ, બ્રાહ્મણો, ગાયો, ઋષિઓ તેનું મૂલ્ય હોય જ નહીં. તે દિવ્ય છે, તેથી તું ગૌદાન કર. એટલે ઋષિસમાન મૂલ્ય થાય. કારણ ગાયનું શરીર, ગૌમુત્ર, ગૌમય, દૂધ, દહીં, માખણ, ઘી સર્વ પવિત્ર છે અને સર્વને પવિત્ર કરે છે. એ રીતે લોમશઋષિ પાસેથી ઋષિમુનિઓ ગાયનો મહીમા સાંભળીને નાભાગરાજાએ નદી કાંઠે યજ્ઞ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી અક્ષરધામમાં ગયો. ત્યાં પ્રભાસમાં દેવીકા નદી કાંઠે જાલેશ્વર તીર્થ થયેલું છે.