રાજા યક્ષ્મધનુ અને રાણી પિયરીનો વૃંદાવન-મથુરાની યાત્રાથી ગોલોકધામમાં વાસ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે તપ કર્યું. શ્રીકૃષ્ણ કહે, કેમ તપ કરો છો ? શંકર કહે : દૈત્યો દેવોને પીડા કરે છે. તેથી તમે અહીં અવતારણ કરી દૈત્યોનો નાશ કરો. શ્રીકૃષ્ણ કહે : ભલે બહુ સારું પછી શંકર કૈલાશ ગયા. જ્યાં તપ કર્યું તે શિવકુંડ તીર્થ છે. નૈમિષારણ્ય, નોભિલ, પાપી, મથુરામાં આવ્યો. રોજ યમુનામાં તરીને સામે કાંઠે જતો તેથી રોજ સ્નાન થતું. એક વખત સંયમન તીર્થમાં ડૂબી ગયો. મરણ થયું. તે બીજે જન્મે સૌરાષ્ટ્રનો ભદ્રાપતનનો રાજા યક્ષ્મધનુ થયો. તે સાધુનું પૂજન કરતો હતો. અશ્વપટ સરોવર કાંઠે પત્નીવ્રત દ્વિજ પાસે મંત્ર કંઠી લઇ કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણના દર્શન કરીને આકાશમાર્ગે વિમાનમાં કાશી યાત્રા કરવા ગયો. કાશી રાજાએ પરમ વૈષ્ણવભક્ત જાણી પોતાની કન્યા તેને આપી. રાજા યાત્રા કરી દાન કરી સૌરાષ્ટ્રમાં આવ્યો. ઘણા વર્ષો રાજ્ય કરી સુખ ભોગવી, રાજ્ય પુત્રોને સોંપી નિવૃત્તિ લઇ ભક્તિ કરતો.
એક રાત્રે તે સૂતો સૂતો બોલતો હતો કે - મથુરાતીર્થ, સંયમનતીર્થ. તેની પત્ની પીયરી સાંભળીને કહે : શું બોલ્યા ? રાજા કહે : જે તીર્થના પ્રતાપે હું રાજા થયો. તે તીર્થમાં જવું છે. પછી રાજાએ પુત્રને ધર્મનો ઉપદેશ આપી કહ્યું વિદ્યાસમાન નેત્ર નથી. નેત્રસમાન બળ નથી. રાગસમાન દુ:ખ નથી. ત્યાગ સમાન સુખ નથી એમ કહીને પત્નીને લઇ વૃંદાવન, મથુરાની યાત્રા કરવા ગયો. યમુનામાં શ્રાવણ સુદ એકાદશી તથા ભાદરવા સુદ એકાદશીએ સ્નાન કરવાથી ઘણું જ ફળ થાય છે. તે રાજા-રાણીએ સ્નાન કરીને દાન આપીને દેહનો અંત આવવાથી મથુરામાં જ દેહ મૂકી ગોલોક ધામમાં ગયા.