પ્રાણગતિ, ગર્ભવિકાસ અને પિંડબ્રહ્માંડ એક્તાનું જ્ઞાન
આ અધ્યાય 74–75 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : અંતકાળે જે ગાયનું દાન કરે તે સ્વર્ગમાં જાય છે. ત્યારપછી પણ મરનારની પાછળ દાન, શય્યા, અન્ન, વસ્ત્ર, કુંભદાન, પશુદાન, વાહનદાન, વગેરેનું દાન અગિયારમે દિવસે કરવું. પુણ્યશાળી મનુષ્યના પ્રાણ કેડથી ઉપરના ભાગમાં રોમમાંથી અથવા ઇન્દ્રિયોના ગોલોકામાંથી નીકળે છે. જેના પુણ્ય નથી તેવા મનુષ્યના પ્રાણ કેડથી નીચેના ભાગમાંથી નીકળે છે. મરનારા જીવાત્મા સૂક્ષ્મદેહ ધારણ કરી પુણ્ય-પાપ સાથે લઇ જરાયુજ અંડજ સ્વેદજ ઉદ્ભીજ જાતિના દેહ કર્મને અનુસરે ધારણ કરે છે.
ગર્ભધાન સમયે જેવા વિચારો હોય એવું બાળક થાય છે. રક્ત અધિક હોય તો કન્યા જન્મે, શુક્ર અધિક હોય તો પુત્ર જન્મે, રક્ત શુક્ર સમાન હોય તો નપુંસક થાય, તે ગર્ભ પાંચ દિવસે પાણીના ટીપાં જેટલો થાય. દશ દિવસે ચણા જેવડો. વીસ દિવસે માંસવાળો થાય. એક માસે અવયવો ફૂટે, બે માસે ચરબી અસ્થિ થાય, ચાર માસે કેશા, પાંચમે માસે કાન અને નાક થાય, સાતમે માસે ગુહ્ય ચિહ્ન, આઠમે માસે અંગપૂર્ણતા, નવમે માસે બહાર આવવાની ઈચ્છા થાય, દશમે માસે જન્મ થાય. શરીરમાં લાળ, મૂત્ર, મજ્જા, શુક્ર, લોહી આ પાંચ પાણીના ભાગ, અસ્થિ, માંસ, નાડીઓ, ચામડી, રોમ આ પાંચ પૃથ્વીના ભાગ. તૃષ્ણા, ભુખ, કાંતિ, નિંદ્રા, આળસ આ પાંચ અગ્નિના ભાગ છે. પાન, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂકળ, દેવદત્ત ધનંજય આકાશના ભાગ. શ્વાસ, ગતિ, રોધ, સંકુચીત, પ્રસાર, આ વાયુના ભાગ. બ્રહ્માંડની આકૃતિ તેવી જ પિંડની આકૃતિ.
મસ્તકમાં સત્યલોક, લલાટમાં તપલોક, મુખમાં જનલોક, કંઠમાં મહરલોક, હૃદયમાં સ્વર, ઉદરમાં ભૂવર, નાભિમાં પૃથ્વી, પેડુમાં અતળ, ગુહ્ય ભાગમાં વીતળ, સાથળના મૂળમાં સુતળ, સાથળમાં તળાતળ, ગોઠણમાં મહાતળ, પગમાં પાતાલ, મુત્રમાં ખારો સમુદ્ર, દૂધમાં દૂધનો સાગર, લાળ-લીંટમાં દારૂનો સમુદ્ર, ચરબીમાં ઘીનો સમુદ્ર, મિષ્ટરસમાં રસનો સમુદ્ર, લોહીમાં દહીંનો સમુદ્ર, કુક્ષીમાં જળ તે મીઠો સમુદ્ર, ગર્ભમાં શુક્ર, નેત્રમાં સૂર્યચંદ્ર, હોઠમાં મંગલ, હૃદયમાં બુધ, જ્ઞાને ગુરુ, ધાતુમાં નાભિમાં શનિ, મુખમાં રાહુ, ગુહ્ય અંગમાં કેતુ. આ રીતે પિંડ બ્રહ્માંડની એકતા છે. આયુષ્ય, વિદ્યા, સંપત્તિ, યશ, અપયશ આ પાંચ ગર્ભમાંથી નિર્માણ થાય છે. જ્યારે ગર્ભથી બહાર આવે ત્યારે પહેલાં મસ્તક બહાર આવે છે. પછી શરીર. ગર્ભમાં પણ તે આ રીતે જ રહે છે.
શ્રીનારાયણ કહે : જેણે સત્કાર્યો કાંઇ પણ કર્યા નથી તેની પાછળ દાન કરવાથી યમપુરીમાં જતા કષ્ટ ઓછું થાય છે. માટે મરેલાની પાછળ શક્તિ પ્રમાણે દાન જરૂર કરવું.