ભાગ · અધ્યાય ૩૬૬

સતી સાવિત્રીના પતિવ્રતાના પ્રભાવથી સત્યવાનની રક્ષા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મહાસતી સાવિત્રીની કથા કહું સાંભળ. પૂર્વે મદ્ર દેશનો રાજા અશ્વપતિ હતો. તેની પત્ની માલતી રાણી હતી. વશિષ્ટ ઋષિના ઉપદેશથી સાવિત્રીની ભક્તિ કરતા, સંતાનની ઈચ્છાથી રાજા-રાણીને રાજ્ય સોંપી પુષ્કર તપ કરવા ગયો. સો વર્ષ તપ કર્યું. ત્યાં આકાશવાણી થઇ. ગાયત્રીના દશ લાખ જપ કર. ત્યાં પરાશર ઋષિ આવ્યા. રાજાએ પગે લાગી જપનો વિધિ પૂછ્યો. ઋષિ કહે : એકવાર ગાયત્રી મંત્ર જપે તો દિવસનું પાપ હરે. દશ વાર જપે તો રાત્રિ-દિવસનું પાપ નષ્ટ થાય. સો વાર જપે તો મહિનાનું પાપ નાશ પામે. હજાર જપ કરે તો વર્ષનું પાપ નષ્ટ થાય. એક લાખ જપ કરે તો જન્મના નાના-મોટા પાપ નાશ પામે. દશ લાખ જપ કરે તો ત્રણ જન્મના પાપનો નાશ થાય છે એક કરોડ જપ કરે સર્વે જન્મના પાપ નષ્ટ થાય છે. દશ કરોડ જપ કરે તો મોક્ષ થાય. એમાં સંશય નથી હાથને અંજલિ આપતા હોય એમ રાખી મુખ નીચું રાખી પૂર્વ મુખે જપ કરવો. મંત્રજપ તુલસીની માળાથી કરવો. મંદિરમાં, તીર્થમાં, દશ લાખ જપ કરવાથી હે રાજા સાક્ષાત સાવિત્રીના દર્શન થશે. સવાર, બપોર, સાંજે ત્રણ વખત સ્નાન કરી જપ કરજે. એકાદશી વ્રત નહીં કરનારો, તેની પૂજા અંગિકાર નથી. શ્રીહરિને ધર્યા વિના ખાનારો, શબનો સ્પર્શ કરી સ્નાન રહિત, શુદ્રને યજ્ઞ કરાવનારો, રજસ્વાલામાં ગમન કરનારો, મદ્ય- માંસ ખાનારો, કન્યા વિક્રય કરનારો, આટલા બ્રાહ્મણ કહેવાતા નથી.

જેઠ વદ તેરસે શુદ્ધ થઇને ચૌદશે નિરાહાર રહી ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ- પાર્વતીનું પૂજન કરી ફળ નૈવેધ ધરી મુખ્ય સાવિત્રી મૂર્તિનું ધ્યાન કરી સ્તુતિ કરવી. ષોડ્શોપચારથી પૂજા કરી. બ્રાહ્મણોને દક્ષિણા આપવી. પછી “શ્રી હ્રી કલીં સાવિત્ર્યૈ સ્વાહા” એકસો આઠ જપ કરવા. કૃષ્ણે રાધાથી પ્રગટ કરીને બ્રહ્માને આપી એવી હે વેદમાતા સાવિત્રી તમને નમસ્કાર. પરાશર ઋષિના કહેવાથી રાજાએ વિધિથી જપ કર્યા. ત્યાં સૂર્યસમાન તેજસ્વી સાવિત્રીના દર્શન થયા. પ્રસન્ન થઇ બોલ્યાં તારા અને રાણીના વ્રતજપથી પ્રસન્ન થઇ છું. તારી રાણીને કન્યાની ઈચ્છા છે તેથી પ્રથમ કન્યા થશે. પછી પુત્ર થશે. એમ કહી સાવિત્રી બ્રહ્મલોક ગયા. પછી રાજાને ત્યાં સાવિત્રી કન્યા રૂપે પ્રગટ થયા. કન્યા યુવાન થતા સ્વયંવરમાં બ્રહ્માનો અંશ દ્યુમત્સેનનો પુત્ર સત્યવાનને રાજાએ કન્યા આપી. એક વર્ષ ગયા પછી સત્યવાન વનમાં ફળફૂલ કાષ્ઠ લેવા ગયો. સાવિત્રી પતિવ્રતાના પ્રભાવથી ભાવિ જાણી સાથે ગઇ. સત્યવાને લાકડાં ભેગાં કર્યા ત્યાં માથામાં વેદના થવા લાગી. અને પ્રાણ ત્યાગ કર્યો. યમરાજ તેના સૂક્ષ્મ શરીરને લઇ ચાલતા થયા. સાવિત્રી પતિના દેહને પાંદડામાં રાખી યમદૂત પાછળ ગઇ, યમ કહે : સાવિત્રી તું ક્યાં આવે છે ? તારું શરીર મનુષ્યનું છે. જો તારે પતિ સાથે આવવાની ઈચ્છા હોય તો દેહને તજી સાથે આવ. સદેહે ગતિ ન થાય. તારા પતિનો કાળ પુરો થયો છે. કર્મ ફળ ભોગવવા જીવ મારે ઘેરે આવે છે.

યમ કહે : કર્મથી જન્મ, મૃત્યુ, સુખ-દુખ, ભય, શોક સર્વેકર્મથી થાય છે. જીવાત્મા કર્મથી સ્વર્ગ, સત્યલોક, ઇશ્વરપદ પ્રાપ્ત કરે છે. કર્મ વડે શ્રીહરિનો દાસ થઇ શુભ કર્મોથી મુક્તિ પામે છે. કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર, અંત્યજ વગેરે જન્મો ધારણ કરે છે. કર્મથી જ પર્વત, વૃક્ષ, કીટના સ્થાવર જંગમ જન્મ પ્રાપ્ત કરે છે. કર્મથી જ દેવ થાય. કર્મથી જ રાક્ષસ થાય. કર્મથી જ પાપવાળો કર્મથી જ પુણ્યવાળો થાય છે. સુરુપ, કુરુપ, રોગ, નીરોગી અંધ, કાણો સર્વે કર્મથી જ થાય છે. યમરાજ કહે, સાવિત્રી તારા પતિનું આયુ પૂર્ણ થયું છે. તેથી મને જવા દે. તું તારે ઘેર જા. તારા પતિની આશા મુકી દે. પતિવ્રતાપરાયણ સાવિત્રી પાછી ન વળી અને યમરાજને શુભ-અશુભ કર્મ વિષે પૂછવા લાગી.