કર્ણાટકનાં રાજા મલયકેતુ અને રાણી કલાવતીની મોક્ષગતિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે - ઈશાન દેવ પૃથ્વી પર ફરવા નીકળ્યા. તેને સ્નાન કરવાની ઈચ્છા થઇ. તેથી ત્રિશૂલ પૃથ્વીમાં નાખ્યું. ત્યાં નારાયણના અંગમાંથી પાણી આવ્યું. ત્યાં ઈશાનદેવે શિવલિંગને સ્નાન કરાવ્યું તે કાશીમાં જ્ઞાનવાપી તીર્થ થયું. પછી પોતે સ્નાન કર્યું. ત્યાં વિશ્વેશ્વર શંકરે પ્રગટ થઈને આશિર્વાદ અને જ્ઞાન આપ્યું. કાશીમાં હરિસ્વામી વિપ્રની કન્યા સુશીલા કૃષ્ણનારાયણની ભક્તા હતી. આખો દિવસ કૃષ્ણભક્તિ કરતી. તેને શંકરનો ભક્ત વિદ્યાધર ગાંધર્વ વિધિથી પરણ્યો. સુશીલા પતિને પરમેશ્વર માની પૂજતી. એકવાર રાક્ષસે તેના પતિને મારી નાખ્યો. સતીએ શાપ આપી રાક્ષસને ભસ્મ કર્યો. પછી પોતે પતિ પાછળ સતી થઈ અને બીજે જન્મે કર્ણાટક દેશમાં પતિ-પત્ની મલયકેતુ અને કલાવતી નામે રાજારાણી થયા. કલાવતી પૂર્વજન્મનાં સંસ્કારને લઇને કૃષ્ણનું અને શિવનું ભજન કરતી. વ્રત, જપ, તપ, દાન, પૂજા, ઉત્સવ, કથા, ગુરુ પૂજન, કર્મ, ધર્મ, સત્યઆચરણ, ભગવદ્ ભક્તિ કરનારી આર્યનારી સાધ્વી પતિવ્રતા કહેવાય છે. તે પોતાનો અને પતિના કુટુંબનો મોક્ષ કરે છે. એ રીતે રાણી કલાવતી ધર્મકાર્ય કરી ભગવાનની પૂજા ભક્તિ કરતી હતી.
એકવાર રાજાએ કહ્યું, આપણે કાશી તીર્થ કરવા જઇએ. ત્યાં શંકર ભગવાન તથા સર્વે દેવો વાસ કરે છે. તથા જ્ઞાનવાપી, ગંગાનદી, કાશીવિશ્વનાથ વગેરે તિર્થોમાં દર્શન કરી આ આત્માનો મોક્ષ સાધી લઇએ. રાજા પણ મુમુક્ષુ હોવાથી પોતાના પુત્રને રાજ્ય ગાદી આપી રાજારાણી બન્ને કાશીમાં આવી. ગંગામાં સ્નાન કરી વિપ્રોને ભોજન દાન આપી કાશીમાં સર્વે તિર્થોના દર્શન કરી, જ્ઞાનવાપી તીર્થમાં આવી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળતા હતા. ત્યાં શંકરભગવાન જટાવાળા જોગી વેષે આવી આશિર્વાદ આપીને રાજારાણીને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્ર આપ્યો અને કહ્યું ધ્યાનમાં બેસો અને ચાલો મોક્ષમાં. રાજારાણી ધ્યાનમાં મગ્ન થયા ત્યાં દેહ પડી ગયો. વિમાન આવ્યું ને ચતુર્ભુજરૂપ ધારણ કરી પ્રભુના પાર્ષદો સાથે ગોલોક ધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે પતિવ્રતાના પ્રભાવથી સુશીલાને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ તીર્થના અધ્યાયની કથા જે વાંચશે, સાંભળશે તે સર્વ મોક્ષને પ્રાપ્ત કરશે.