માતા ભક્તિદેવી પ્રાગટ્ય અને કાર્ય
લક્ષ્મી કહે : હે મહારાજ, તમે ગીતા ઉપનિષદ વગેરે બ્રહ્મવિદ્યાઓ કહી તે વિના પ્રભુ પ્રાપ્તિનો સરલ માર્ગ ક્યો છે ? બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રીઓ, મૂર્ખ, પંડિત, સંપત્તિવાળો, દરિદ્ર આ બધાને ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. એવો સરળ માર્ગ બતાવો. શ્રીનારાયણ કહે, પૂર્વે મેં ઇશ્વર સૃષ્ટિ કરી ત્યારે વાસુદેવે પ્રાર્થના કરી કે, હે પરમપિતા જીવ ઇશ્વરો માટે કરોડો શક્તિઓ પ્રગટ કરી પરંતુ બધાને માટે એક શક્તિ એવી આપો જેથી સૌને તમારી (પરબ્રહ્મ)ની પ્રાપ્તિ થાય તે વાસુદેવ વિષ્ણુ આદિક અવતારોની પ્રાર્થના સાંભળી મારી મૂર્તિમાંથી ભક્તિદેવી પ્રગટ કર્યા. તે ભક્તિદેવી સર્વે અવતારોની, ઇશ્વરોની, જીવોની માતા છે. તે બે સ્વરૂપે રહે છે. એક રૂપે મારી મૂર્તિમાં મૂર્તિમાન, બીજે રૂપે અર્મૃત ભક્તિ કરનારના આત્મામાં.
તે ભક્તિમાતા સર્વેનો મોક્ષ કરનારી છે. તે અમારા પણ માતા છે. બ્રહ્માંડમાં રહેનારા આત્માઓ તે દેવ-દૈત્ય કે મનુષ્ય હોય, યક્ષ રાક્ષસ કે દાનવ હોય. ભૂત-પ્રેત કે પિશાચ હોય પણ જેને પુરુષોત્તમ નારાયણનો આશરો હોય તેનો ભક્તિમાતા મોક્ષ કરે છે. ભક્તિદેવીએ શ્રીહરિને પૂછ્યું - શું કાર્ય કરું ? શ્રીહરિએ કહ્યું, મારા શરણાગત ભક્તોનું પોષણ કરો. એમ કહી શ્રીહરિએ મુક્તિ દાસી આપી અને જ્ઞાન, વૈરાગ્ય બે પુત્રો આપ્યા. તે ભક્તિને નારદ વગેરે સાધુએ પુષ્ટિ કરી. અનેક સાધનોથી હું વશ થતો નથી પણ મારામાં સ્નેહભક્તિથી વશ થાઉં છું.