ભાગ · અધ્યાય ૩૫૮

કેવા પાપથી યમપુરીની પ્રાપ્તિ ? - યમપુરી, યમરાજ અને યમદૂતોનું વર્ણન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નચીકેતાએ યમપુરીમાં જે જોયું તે ઋષિ તપસ્વીઓને કહેતો હતો. ખોટું બોલનારા, જીવ હિંસા કરનારા, સ્ત્રી-બાળકોની હત્યા કરનારા, સાધુ- બ્રાહ્મણોને દુ:ખ આપનારા, વિશ્વાસઘાતી, કૃતઘ્ની, પરસ્ત્રીનું હરણ કરનારા, કન્યાનો ઘાત કરનારા, ધર્મમાર્ગનો નાશ કરનારા, મદ્ય-માંસ ખાનારા, છેતરનારા, નિંદા કરનારા, માતા પિતા ગુરુની હત્યા કરનારા, સતી સાધ્વીને દુ:ખ દેનારા, માતા-પિતાનો ત્યાગ કરનારા, ગુરુનો દેવનો દ્વેષ કરનારા, ઘર-ખેતર, વાડી લઇ લેનારા, માર્ગને પુલને તોડનારા, નાસ્તિકો, નિર્દય, અપવિત્ર, વ્રતભંગ કરનારા, સર્વભક્ષી, ગોત્ર-અગોત્રને નહી જાણનારા, કુટુંબ કલેશ કરનારા, મિથ્યાદોષ કલંક આપનારા, દેવાલય, સદાવ્રત ભાંગનારા, વૃક્ષ ભાંગનારા, કપટથી શાસન કરનારા, તીર્થને નિંદનારા વગેરે અનેક પ્રકારના પાપો કરનારા યમપુરીમાં જતા હતા. યમરાજને દરવાજે ચિત્રગુપ્ત બેઠો હતો. તે સર્વેના કરેલા કર્મ યમરાજને સંભળાવતો હતો.

યમરાજાનું શહેર એક હજાર યોજનનું હતું. સો યોજનમાં રહેલા મહેલોમાં તેના અધિકારીઓ રહેતા. સર્વે સિદ્ધિથી ભરપુર હતા. સર્વે સુખથી ભરપુર હતા. પુણ્યવાળાને તો વૈકુંઠની સમાન દેખાતું હતું. પુણ્યવાળા, ધર્મવાળાને તે દરવાજામાં થઇને જવાનું હતું. બીજો દરવાજો લોઢાનો ભયંકર તપેલો હતો. તેમાંથી પાપીઓને લઇ જવાતા જોયા. ત્રીજો દરવાજો અગ્નિવાળો બાળનારા તેમાંથી દુષ્ટ કાર્યો કરનારાને લઇ જવાતા હતા. યમરાજની સભામાં ધર્મી, તપસ્વી, સત્યવાદી જીતેન્દ્રિય એવાથી શોભતી હતી. તે જ સભા ન્યાય આપનારી હતી. તે સભામાં મનુરાજા, વ્યાસ, આપસ્તંબ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, ગૌતમ, શંખ, લિખિત, પત્નીવ્રત, પુલહ વગેરે ધર્માચાર્યો યમરાજની સાથે દરેક ક્રિયા વિચારતા હતા. તેની બાજુમાં બેઠેલા ઋષિઓ વેદ-વેદાંતના પારને પામેલા સત્યધર્મને જાણનારા ધર્મરાજાની આગળ કથા કરતા હતા. તેની બાજુમાં કાળા મોટા દાંતવાળા ભયંકર યમરાજનું સ્વરૂપ શિક્ષાને માટે ધારણ કરી નિર્ણયોને સાંભળીને પાપીઓને દંડ દેવાને માટે કરોડો દૂતોને આજ્ઞા આપતા હતા તથા યમદૂતો એક, બે, ત્રણ હાથવાળા એક, બે, ત્રણ પગવાળા હિંસક પશુ જેવા મોઢાવાળા, ભયંકર, વિકરાળ આયુધોવાળા દૂતો પાપીઓને દંડ આપતા તેથી કોલાહલ ભયંકર થતો હતો. અનેક પ્રકારના શરીરોને ધારણ કરનારા યમદૂતો સિદ્ધિવાળા દેખાતા હતા. સર્વે શક્તિવાળા, સર્વે પ્રકારનો દંડ આપનારા, કોઇથી પરાભવ ન પામે તેવા, તેનું વર્ણન ન થઇ શકે તેટલા તેવા હતા. કેટલાક નદી, પર્વતરૂપે રહેલા, કેટલાક ઈચ્છારૂપ ધારણ કરનારા, કેટલાક બ્રહ્માંડ જેવડા, કેટલાક અગ્નિ જેવા, કેટલાક સૂર્ય જેવા, જેવાને જેવો દંડ હોય તેવા રૂપે થનારા તે યમદૂતો હતા.

નચિકેતાએ સર્વે જોઇને સૌમ્ય રૂપે રહેલા ધર્મરાજાની સ્તુતિ કરી કે, શ્રાદ્ધને ધારણ કરનારા તમને નમસ્કાર, કાળના કાળ, પ્રેતનાથ તમને નમસ્કાર. કર્મને જાણી દંડ આપનારા તમને નમ: સૂર્યવર્ણ, કૃષ્ણવર્ણ, ધર્મમૂર્તિ તમને નમસ્કાર. ઋષિ મુનીઓ તપસ્વીઓ તમારા વિના, ધર્મ વિના, ચાલવા સમર્થ ન થાય. આવી મારી સ્તુતિ સાંભળી ધર્મરાજ પ્રસન્ન થયા. અને બોલ્યા : કહે તારું શું કાર્ય કરું ? મેં કહ્યું, પ્રભુ તમારી યમપુરી બતાવો. પાપીઓને જે દંડ દેવાય તે બતાવો. ધર્મરાજાએ દૂતોને આજ્ઞા કરી. નચીકેતાને સર્વે દંડના સ્થાનો બતાવો તથા તેનું રક્ષણ કરજો.